દેશભરથી ફાર્મસી ક્ષેત્રના 1740 જેટલા પ્રાધ્યાપકો, વિધાર્થીઓ, સંશોધકો, શિક્ષાવિદો, ઉધ્યોગ સાહસિકો આ સેમિનારમાં સહભાગી થશે : આ કાર્યક્રમમા અતિથિ તરીકે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી અને શિક્ષણ મંત્રીશ્રી રુષિકેશભાઈ પટેલ, ABVPના રાષ્ટ્રીય સંગઠન મંત્રીશ્રી આશિષ ચૌહાણની માર્ગદર્શીય ઉપસ્થિત રહેશે
અમદાવાદ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા દર વર્ષે આયોજીત થતા ફાર્માવિઝન કાર્યક્રમ થકી ફાર્મસી ક્ષેત્રના દેશભરના સંશોધકો, વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો, શિક્ષાવિદો, ઉદ્યોગ વ્યવસાયીકો એક મંચ પર સાથે આવી પોતાના વિચારોના વિનિમયથી ફાર્મસી ક્ષેત્રની પ્રગતિ અને સામાજિક આરોગ્યની સકારાત્મક વૃદ્ધિ હેતુ પ્રયત્નશીલ થતા હોય છે.આ વર્ષે રાષ્ટ્રીય કક્ષાનો 11મો સેમિનાર “ફાર્માવિઝન 2023” આણંદ ફાર્મસી કોલેજ ગુજરાત ખાતે દિનાંક 16 અને 17 સપ્ટેમ્બર 2023 ના રોજ યોજાવા જઈ રહ્યો છે. આ સેમિનારમાં ગુજરાત રાજ્ય સહિત વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓ અને સંશોધકો વિશાળ સંખ્યામાં ભાગ લેશે.આ કાર્યક્રમમાં મૌખિક રીતે પોસ્ટર અને મોડેલ પ્રસ્તુતિઓ, ફાર્માપ્રિન્યોર, ફાર્મા રેસિપી મેકિંગ, યુથ પાર્લામેન્ટ, વિડિયો મેકીંગ જેવી સ્પર્ધાઓ દ્વારા ફાર્મસીના વિદ્યાર્થીઓ અને ફાર્માસીસ્ટો એમનું કૌશલ્ય દર્શાવશે તથા ફાર્માસિસ્ટ એસ કાઉન્સિલર જે વિશિષ્ઠ રીતે ફાર્મ ડી ના વિધાર્થી માટે ગોઠવેલી વિશિષ્ટ સ્પર્ધા છે. ફાર્મા ઉદ્યોગપતિઓ, પ્રાધ્યાપકો અને વિદ્વાન તજજ્ઞો દ્વારા માર્ગદર્શન મેળવી વિદ્યાર્થીઓ કૌશલ્ય વૃદ્ધિ પણ કરી શકશે.સેમિનારમાં “આત્મનિર્ભર ભારત માટે ફાર્માઇન્ડસટ્રીનો ફાળો” તેમજ “સ્વાવલંબી ભારત માટે સ્વાવલંબી યુવા” જેવા વિષયો પર વિશેષ વક્તવ્યો યોજાશે. પ્રથમ દિવસે રાત્રે વિદ્યાર્થીઓ દ્વારા ક્વિઝ સ્પર્ધા અને સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવશે.
આ કાર્યક્રમ મા મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી અને શિક્ષણ મંત્રી રુષિકેશભાઈ પટેલ, ABVPના રાષ્ટ્રીય સંગઠન મંત્રી આશિષ ચૌહાણ, ABVPના પુર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભારતના ખ્યાતનામ કેન્સર સર્જન ડો. એસ. સુબૈયાજીની પ્રેરણાદાયી ઉપસ્થિત રહેશે. તદુપરાંત Indian Drugs Manufacturing Association (IDMA)ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી વિરાંચી શાહ, Association of Pharmaceutical Teachers of India(APTI)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. ઉમેકર, DIPSRU, Delhi ના વાઈસ ચાન્સેલર ડો. આર. કે. ગોયલ, NIPER Gujaratના નિયામક ડો. શૈલેન્દ્ર શરાફ, AICTE Approval Bureau, Delhi ના સલાહકાર ડો. રાજેન્દ્ર કાકડે, વિવિધ ફાર્મસી કોલેજોના પ્રિન્સીપાલો વગેરે મહાનુભાવોની વિશેષ ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, ફાર્માવિઝન આયામ ટીમ, વિધાર્થી વિકાસ નીધિ ટ્રસ્ટ, શ્રી રામકૃષ્ણ સેવા મંડળ દ્વારા સંચાલિત આણંદ ફાર્મસી કોલેજના સહ પ્રયત્નો તેમજ સૌજન્ય થી યોજાઈ રહ્યો છે.
અ.ભા.વિ.પ ગુજરાત પ્રદેશ મંત્રી કુ. યુતિબેન ગજરે જણાવે છે કે “વિવિધ વિધાશાખાના વિધ્યાર્થીઓને તેમના સર્વાંગીણ વિકાસ હેતુ મદદરૂપ થવા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ૭૫ વર્ષથી નિરંતર પ્રયત્નશીલ છે. ફાર્મસી ક્ષેત્રના ઉચ્ચતર વિકાસ અને આ ક્ષેત્રની મહત્વની દિશા નિર્ધારણ હેતુ વર્ષ 2008 થી આયોજીત થતો આ ફાર્માવિઝન કાર્યક્રમ સફળતાના ઉચ્ચતર શિખરે સ્થાન પામ્યો છે”.