ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, રાજ્યમાં નશાખોરીની પ્રવૃત્તિઓ ડામવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. દારૂની બદીને ડામવા માટે રાજ્યની પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે.લઠ્ઠાકાંડના આરોપીઓને કડકમાં કડક સજા થાય એ માટે રાજ્ય સરકાર કડક હાથે કામગીરી કરી રહી છે. આ ઝુંબેશને આગામી સમયમાં વધુ સઘન બનાવાશે.
આજે વિધાનસભા ખાતે બરવાળા તાલુકામાં લઠ્ઠા કાંડના આરોપીઓ સામે કાર્યવાહી અંગેના પ્રશ્નના ઉત્તરમાં મંત્રી શ્રી સંઘવીએ ઉમેર્યું કે, બરવાળા ખાતે થયેલ લઠ્ઠા કાંડ સંદર્ભે ડીવાય.એસ.પીથી લઈને પી.એસ.આઇ કક્ષાના અધિકારીઓને તે જ દિવસે ફરજ મોકુફી હેઠળ મૂકવામાં આવ્યા છે. રાજ્યમાં ક્યાંય પણ આવી ઘટના બને તો સરકાર એક પણ ક્ષણના વિલંબ વગર જવાબદાર અધિકારીઓ સામે ત્વરીત પગલાં ભરે જ છે.
ગૃહ મંત્રીશ્રી એ ઉમેર્યું કે,રાજ્યમાં બળાત્કારીઓને કડકમાં કડક સજા થાય એ માટે પોલીસ વિભાગને પ્રાધાન્ય આપી કામગીરી કરવા સૂચના આપી છે જેના પરિણામે ગુજરાત પોલીસ સંનિષ્ઠ પ્રયાસો હાથ ધર્યા છે. રાજ્યમા છેલ્લા બે વર્ષમા 11 જેટલા બળાત્કાર કરનાર વ્યકિતઓને ફાંસીની સજા તથા 68 વ્યકિતઓને આજીવન સજા કરવામાં આવી છે. ભાવનગર ખાતે થયેલ બળાત્કારના કેસમાં માત્ર ચોવીસ કલાકમાં પોલીસે ચાર્જશીટની કામગીરી કરીને તમામ કેદીઓને આજીવન સજા જાહેર કરાઈ છે. એ જ રીતે સુરતમાં પણ ચાર કિસ્સામાં 28 દિવસમાં ચાર્જશીટ તૈયાર કરીને 60 દિવસમાં ફાંસીની સજા જાહેર કરવામાં આવી છે.
મંત્રી શ્રી સંઘવી ઉમેર્યું કે, દારૂની બદીના વ્યવસાય સાથે સંકળાયેલ મહિલાઓને અન્ય રોજગારી મળી રહે એ માટે રાજ્ય સરકાર સમાજને સાથે લઈને વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરે છે જેમાં આણંદ જિલ્લામાં ૬૪ જેટલી મહિલાઓને અમૂલના પાર્લર દ્વારા રોજગારી અપાઈ છે. ખેડા જિલ્લામાં પણ મહિલાઓને બ્યુટી પાર્લરની તાલીમ સહિત તેમના બાળકોને શિક્ષણ સુવિધાઓ પૂરી પડાઈ છે, એ જ રીતે અમદાવાદ શહેરમાં પણ ૨૫૦થી વધુ મહિલાઓ સારું જીવન જીવી શકે એ માટે રોજગાર લક્ષી તાલીમ અને સહાય પણ આપવામાં આવી છે. આમ રાજ્યભરમાં આવા વ્યવસાય સાથે સંકળાયેલા મહિલાઓને સ્વરોજગારી માટે તાલીમ પણ રાજ્ય સરકાર આપે છે તેમ, તેમણે ઉમેર્યું હતું.