ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે કેવી કેમેસ્ટ્રી છે તે કોઈનાથી છુપાયેલું નથી. હવે પુતિને એક કાર્યક્રમમાં પીએમ મોદીના ખુલ્લેઆમ વખાણ કર્યા છે અને કહ્યું છે કે દુનિયાને ભારત પાસેથી ઘણું શીખવાની જરૂર છે.
પુતિને કહ્યું હતું કે પીએમ મોદી મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમને પ્રોત્સાહન આપવા માટે દરેક યોગ્ય કામ કરી રહ્યા છે. આ સાથે તેમણે પીએમ મોદીની નીતિઓની પણ પ્રશંસા કરી છે. પુતિને વ્લાદિવોસ્તોકમાં આયોજિત 8મા ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમ (EEF) દરમિયાન ભારત અને PM મોદી માટે આ વાતો કહી હતી.
પુતિને કહ્યું હતું કે સ્થાનિક રીતે ઉત્પાદિત ઓટોમોબાઈલનો ઉપયોગ થવો જોઈએ. પીએમ મોદીના નેતૃત્વમાં ભારતે પોતાની નીતિઓ દ્વારા આ ઉદાહરણ સ્થાપિત કર્યું છે. ફોરમમાં એક પ્રશ્નના જવાબમાં પુતિને કહ્યું હતું કેે, ‘તમે જાણો છો, અમારી પાસે ત્યારે સ્થાનિક રીતે ઉત્પાદિત કાર નહોતી પરંતુ હવે અમે કરીએ છીએ. એ વાત સાચી છે કે 1990ના દાયકામાં અમે ખરીદેલી મર્સિડીઝ અથવા ઓડી કાર કરતાં તેઓ વધુ સાધારણ લાગે છે. પરંતુ આ કોઈ મુદ્દો નથી. મને લાગે છે કે આપણે આપણા ઘણા સાથીદારોને જોવું જોઈએ. ઉદાહરણ તરીકે ભારત. તેઓ ભારતમાં બનેલા વાહનોના ઉત્પાદન અને ઉપયોગ પર ધ્યાન આપી રહ્યા છે. મને લાગે છે કે મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન મોદી યોગ્ય દિશામાં કામ કરી રહ્યા છે અને તેઓ સાચા છે.
તેમણે કહ્યું હતું કે રશિયામાં બનેલા વાહનોનો ઉપયોગ કરવો એકદમ યોગ્ય છે. પુતિનના શબ્દોમાં ‘અમારી પાસે રશિયામાં બનેલી કાર છે અને આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ. આ અમારી WTO જવાબદારીઓનું ઉલ્લંઘન કરશે નહીં. આ દેશની ખરીદી સાથે સંબંધિત હશે. આપણે આ વિશે એક નિશ્ચિત શ્રેણી બનાવવી જોઈએ. સમગ્ર સત્રનું નિવેદન ક્રેમલિનની વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવ્યું છે. આ મુજબ પુતિને વ્લાદિવોસ્તોકમાં જણાવ્યું હતું કે, વિવિધ કેટેગરીના અધિકારીઓ આ કારને ચલાવી શકે છે જેથી તેઓ સ્થાનિક રીતે ઉત્પાદિત કારનો ઉપયોગ કરે. સાથે જ તેમણે હતું કે, મે કદાચ આ કારોની ખરીદી સંબંધિત પ્રસ્તાવો વિશે જાણો છો. આ કરવું સરળ રહેશે કારણ કે લોજિસ્ટિક્સ ખૂબ જ વ્યવસ્થિત છે.
નિષ્ણાતોના મતે જી-20 બાદ ભારત અને રશિયાના સંબંધો વધુ મજબૂત બન્યા છે. ભારતમાં આયોજિત G20 કોન્ફરન્સમાં જે મેનિફેસ્ટો આવ્યો હતો તેમાં યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ હતો પરંતુ રશિયાનું નામ લેવામાં આવ્યું ન હતું. નવી દિલ્હીની જાહેરાતને રશિયા તરફથી એક સીમાચિહ્નરૂપ ગણાવવામાં આવી હતી. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે કહ્યું હતું કે ભારતમાં યોજાયેલી સમિટે પશ્ચિમી દેશોને યુક્રેન સંઘર્ષને તેમના એજન્ડાનું કેન્દ્ર બનાવવાથી રોક્યાહતા. તેમણે કહ્યું હતું કે સમિટમાં ‘ન્યાયી’ પરિણામ હાંસલ કરવામાં ભારતે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમજ સમિટના નિવેદનને રશિયા માટે રાજદ્વારી વિજય તરીકે રજૂ કર્યું હતું.