ગાંધીનગર શહેર સંગઠનનાં મહિલા મંત્રીના જુવાનજોધ પુત્રનું હાર્ટ એટેકનાં કારણે અકાળે અવસાન થતાં ભાજપમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વહેલી સવારે નિત્યક્રમ મુજબ વોકિંગ – કસરત કરી જ્યુસ પીધા પછી પરત આવેલો યુવાન રૂમમાં સોફા પર બેઠા પછી અચાનક ઢળી પડ્યો હતો. જેની આજે સાંજે સેકટર – 12 ખાતેના નિવાસસ્થાનથી અંતિમ યાત્રા નીકળતા મોટી સંખ્યામાં સ્વજનો અને શહેર ભાજપના હોદ્દેદારો – કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટેકથી મોતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ક્યારેક જીમમાં કસરત કરતા તો ક્યારેક કોઈ કામ કરતા, ગરબા રમતા પણ અચાનક હાર્ટ એટેક આવે છે ને યુવાનો મોતને ભેટી રહ્યાં છે. દિન પ્રતિદિન યુવાનોમાં હાર્ટ એટેકનાં કારણે અકાળે મૃત્યુ થવાનાં કિસ્સા સામે આવતા ચિંતાનો વિષય બની ગયો છે. આજે સવારે ગાંધીનગરનાં સેકટર – 12 ખાતે પણ આશરે 32 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકનાં કારણે અવસાન થયાનું સામે આવ્યું છે.
ગાંધીનગર ભાજપ શહેર સંગઠન મંત્રી તરીકે સેવા આપતા રસીલાબેન વસાવાના 32 વર્ષીય પુત્ર રોનકનું નાની વયે હાર્ટ એટેકનાં કારણે અકાળે અવસાન થયું છે. આજે સવારે નિત્યક્રમ મુજબ રોનક મોર્નિંગ વોક અને કસરત કરવા માટે નિકળ્યો હતો. આ દરમ્યાન રસીલાબેન અને તેમની દીકરી કામ અર્થે વતન જવા માટે રવાના થયા હતા અને ઘરે તેમના પતિ હાજર હતા. કસરત કરીને આવ્યાં પછી રોનક ઘરે ગયો હતો અને થોડીવારમાં જ અચાનક રૂમમાં ઢળી પડ્યો હતો. આ જોઈ તેના પિતા એકદમ ગભરાઈ ગયા અને બુમાબુમ કરી મુકી હતી. જેથી આસપાસના વસાહતીઓ દોડી આવ્યા હતા. બાદમાં રોનકને સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હાર્ટ એટેકનાં કારણે રોનકનું મૃત્યુ થયાનું નિદાન થયું હતું.
આ બનાવની જાણ થતાં ભાજપ શહેર સંગઠન મંત્રી રસીલાબેન અધવચ્ચે વડોદરાથી તાબડતોબ ઘરે પરત આવી ગયા હતા અને જુવાનજોધ દીકરાને મૃત હાલતમાં જોઈ ફસડાઈ પડ્યા હતા. હાર્ટ એટેકનાં કારણે અકાળે મોતને ભેટલ રોનકનાં પરિવારમાં પત્ની અને એક પાંચ વર્ષની દીકરી છે. આ બનાવના પગલે ભાજપ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આજે સાંજે રોનકની અંતિમ કાઢવામાં આવી હતી. જેમાં પરિવારજનોની સાથે ભાજપના હોદ્દેદારો – કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.