દશેલા તળાવમાં કાર ડૂબવાની ઘટના: અકસ્માત કે હત્યા ?, સસ્પેન્સ યથાવત,…

Spread the love

ઉદયપુરથી અમદાવાદ આવી રહેલા 5 યુવાન કેવી રીતે ડૂબ્યા?:પરિવારને જુદી માહિતી આપી, પોલીસે કહ્યું, ‘મૃતકોના પેટના પાણીનો રિપોર્ટ કઢાવીશું, હત્યાની શંકાએ પણ તપાસ

પાંચેક દિવસ અગાઉ અમદાવાદથી માંડ 30 કિલોમીટર દૂર એક તળાવમાં 4 યુવાનોના મૃતદેહ તરતા દેખાયા હતા. ખોબા જેવડા દશેલા ગામની પાદરે આ તળાવ આવેલું છે. ચાર-ચાર લાશ મળ્યાની વાત વાયુવેગે ફેલાઈ અને લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. થોડા જ સમયમાં આ જ તળાવમાંથી એક કાર મળી હતી. ચાર મૃતદેહ બહાર કાઢ્યા બાદ બીજા દિવસે વધુ એક યુવાનની લાશ પણ મળી આવી હતી. એટલે અનેક શંકાઓ ઊઠી હતી.

જુવાનજોધ પાંચ લોકોને તળાવનું પાણી કેવી રીતે ભરખી ગયું? આ યુવાનો અકસ્માતે તળાવમાં ડૂબ્યા કે પછી કોઈનું ષડ્યંત્ર હતું? પાંચેય યુવાનોની લાશ તળાવમાં કારની બહાર જ તરતી કેમ મળી આવી? પરિવારજનોનું આ ઘટના અંગે શું કહેવું છે? અને શું પોલીસ અકસ્માત સિવાય અન્ય કોઈ એન્ગલથી પણ કેસની તપાસ કરી રહી છે કે કેમ?

ગામમાં પ્રવેશતા જ એક તળાવ આવે છે, જ્યાંથી પાંચ યુવાનોની લાશ મળી હતી. ગાડીમાંથી ઊતરીને ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું તો એક નોંધવા જેવી બાબત ધ્યાને આવી હતી. રસ્તાની બાજુમાં જમીનથી માંડ એક ફૂટની ઊંચાઈએ નાનકડા બોર્ડ પર દશેલા ગ્રામ પંચાયત તરફથી સૂચના લખવામાં આવી હતી.

અંદાજે પોણા ચાર હજાર લોકોની વસતિ હોવા છતાં આ ગામમાં છેલ્લા કેટલાક દિવસથી સન્નાટો વ્યાપી રહ્યો હતો. કારણ કે ગામની પાદરે આવેલા તળાવમાં જે પાંચ લોકો મૃત્યુ પામ્યા તેમાંનો એક યુવાન આ જ ગામનો હતો. નામ હતું ગૌરાંગ યોગેશભાઈ ભટ્ટ.

વર્ષો પહેલાં બનાવેલું પતરાની છતવાળું ઘર હતું. દીવાલો અને મોભને જોઈને ઘરમાં રહેતા લોકોની આર્થિક સ્થિતિનો અંદાજો લગાવી શકાય એમ હતું. યોગેશભાઈ ભટ્ટના ઘરે ત્રણથી ચાર અન્ય લોકો બેઠા હતા. ગૌરાંગના મૃત્યુ બાદ તેઓ સાંત્વના પાઠવવા માટે આવ્યા હતા. પરિવાર અને સંબંધીઓના ચહેરા પર 31 વર્ષના દીકરાને ગુમાવી દેવાની વેદના સ્પષ્ટ દેખાતી હતી.

ગૌરાંગના મૃત્યુને લઈને અનેક શંકા-કુશંકાઓ અને સવાલો હતા. જેના જવાબમાં યોગેશભાઈ ભટ્ટે કેટલીક જાણકારી આપી હતી. તેમણે કહ્યું, ‘મારા પરિવારમાં મારી પત્ની, એક દીકરો અને દીકરી હતા. હું મારા ગામથી 3 કિલોમીટર દૂર આવેલી એક કંપનીમાં સિક્યૉરિટી ગાર્ડ તરીકે નોકરી કરું છું. જ્યારે મારો દીકરો ગૌરાંગ અમદાવાદમાં આવેલી એક બેંકમાં ક્રેડિટ કાર્ડને લગતું કામ કરતો હતો. ઘરની ઘણી બધી જવાબદારી દીકરાના માથે હતી.’

‘મને યાદ છે એ પ્રમાણે 15 સપ્ટેમ્બરે સાંજે સાડા 6 વાગ્યાની આસપાસ હું જે કંપનીમાં નોકરી કરું છું ત્યાં મારો દીકરો ગૌરાંગ રિક્ષા લઈને મળવા આવ્યો હતો. તેણે મને કહ્યું કે પપ્પા હું મારા મિત્રો સાથે ઉદયપુર બાજુ ફરવા જાઉં છું. બે દિવસમાં પાછો આવી જઈશ. એટલે મેં કહ્યું, તું ફરતો આવ. વાંધો નહીં. 15મી સપ્ટેમ્બરની રાત્રે જ 10 વાગ્યાની આસપાસ મારી ગૌરાંગ સાથે વાત થઈ હતી. તેણે મને કહ્યું હતું કે હવે અમે રાજસ્થાન જવા નીકળ્યા છીએ.’

‘થોડાં વર્ષ અગાઉ ગૌરાંગ નરોડામાં આવેલી એક કંપનીમાં નોકરી કરતો હતો. આ નોકરી દરમિયાન તેના કેટલાક મિત્રો બન્યા હતા. જેમાં શૈલેષ અને નિમેષ તો ખાસ ભાઈબંધ હતા. થોડા દિવસ પૂર્વે નિમેષે નવી કાર છોડાવી હતી. નિમેષે ગૌરાંગને કહ્યું હતું કે હું નવી ગાડી લાવ્યો છું. તો આપણે ફરવા જઈએ. જોકે ગૌરાંગ પાસે પૈસાની વ્યવસ્થા ન હોવાથી તેણે ફરવા જવાની ના પાડી હતી. ગૌરાંગે કહ્યું હતું કે પગાર થાય પછી જઈશું. એટલે નિમેષે ગૌરાંગને કહ્યું હતું, તું ચિંતા ના કર. હું પૈસા કાઢું છું. તું બસ અમારી સાથે આવ. પછી ગૌરાંગ, નિમેષ, શૈલેષ અને બાકીના બે મિત્રો મળીને પાંચેય લોકો રાજસ્થાન ફરવા ગયા હતા. આ બધા છોકરાઓ ઉદયપુર પહોંચ્યા ત્યારે મારી વાત થઈ હતી. ત્યાર બાદ એ લોકો રાજસ્થાનમાં હતા ત્યારે મારો કોઈ સંપર્ક નહોતો થયો.’

‘એ લોકો 15 સપ્ટેમ્બરે રાત્રે ઉદયપુર જવા માટે નીકળ્યા હતા. તેના ત્રણ દિવસ બાદ એટલે કે 18 સપ્ટેમ્બરે સાંજે સાડા 6 વાગ્યાની આસપાસ મારા પર ગૌરાંગનો ફોન આવ્યો હતો. તેણે કહ્યું હતું, પપ્પા અમે આજે રાત્રે પરત આવવા નીકળીશું. આવતીકાલે સવારે આઠ વાગ્યા સુધીમાં તો ઘરે આવી જઈશું. મેં કહ્યું હતું, વરસાદ છે એટલે સાચવીને આવજો. પછી હું નોકરી પરથી ઘરે આવ્યો અને ઊંઘી ગયો.’

‘હું ઊંઘી રહ્યો હતો એ દરમિયાન 18 તારીખે રાત્રે 8 વાગીને 58 મિનિટે મારા પર ગૌરાંગનો ફોન આવ્યો હતો. પરંતુ સામેથી કોઈ અવાજ આવ્યો નહીં. ત્રણેક મિનિટ બાદ એટલે કે 9 વાગીને 1 મિનિટે ગૌરાંગના મિત્ર શૈલેષનો મારા મોબાઇલ પર ફોન આવ્યો હતો. શૈલેષ કંઈક બોલતો હતો પરંતુ મારો અવાજ તેના સુધી પહોંચતો નહોતો એવું મને લાગ્યું. એટલે 2 મિનિટ કોલ ચાલ્યો અને પછી કટ થઈ ગયો.’

શૈલેષ શું બોલી રહ્યો હતો તે અંગે યોગેશભાઈ ભટ્ટે કહ્યું, ‘એ લોકો કોને તરતા આવડે છે? ગાડીમાં પાણી ઘૂસી રહ્યું છે. એવી વાતો કરતા હતા. મને લાગ્યું કે આ લોકો હોટલમાં હશે અને સ્વિમિંગ પૂલમાં મજાક મસ્તી કરતા હશે. મને ભૂલથી ફોન લાગી ગયો હશે તેઓ અંદરોઅંદર વાતચીત કરતા હશે.’

યોગેશભાઈ ભટ્ટે તેમની વાત આગળ વધારતા કહ્યું, ‘ગૌરાંગે 19 તારીખે સવારે 8 વાગ્યે આવવાનું કહ્યું હતું. એટલે ત્યાં સુધી તો અમને કોઈ ચિંતા હતી જ નહીં.’

બીજા દિવસે એટલે કે 19 સપ્ટેમ્બરની સવાર એક મોટી આફતનો અણસાર લઈને આવી હતી. સૂર્યનું પહેલું કિરણ દેખાય એ પહેલાં જ નવો ઘટનાક્રમ શરૂ થયો હતો.

અમદાવાદના નરોડા વિસ્તારમાંથી કેટલાક લોકો દશેલા ગામ પહોંચ્યા હતા. સવારના 6 વાગ્યાનો સમય હતો. ગામમાં ઘણા બધા લોકો ઊઠ્યા પણ નહોતા. ત્યારે આ લોકોને રસ્તામાં જે પણ મળ્યું તેમને પૂછ્યું કે આ ગામમાં યોગેશભાઈનું ઘર ક્યાં આવેલું છે? સરનામું મળ્યું એટલે તેમણે યોગેશભાઈના ઘરે પહોંચીને દરવાજો ખટખટાવ્યો હતો.

યોગેશભાઈના ઘરે આવેલા લોકોમાંથી એક જણે કહ્યું, ‘હું અમદાવાદના નરોડામાં રહું છું. મારો દીકરો અને તમારો દીકરો ઉદયપુર ફરવા માટે ગયા હતા. હજુ સુધી આવ્યા નથી અને તેમને ફોન પણ નથી લાગતો. તમને એ લોકો વિશે કોઈ જાણ છે ખરી?’

યોગેશભાઈએ કહ્યું હતું કે, ‘મારી ગઈકાલે સાંજે મારા દીકરા ગૌરાંગ સાથે વાત થઈ તો તેણે કહ્યું હતું કે અમે સવારે(19 સપ્ટેમ્બર) 8 વાગ્યે ઘરે પહોંચવાના છીએ.’ ત્યારે સામેની વ્યક્તિએ જે જાણકારી આપી તેનાથી સૌ કોઈની ચિંતા વધી ગઈ. કહ્યું, ‘કાલે(18 સપ્ટેમ્બર) રાત્રે 8 વાગે અમારા પર શૈલેષનો ફોન આવ્યો હતો. તેણે કહ્યું હતું કે અમે ચિલોડા પહોંચી ગયા છીએ. એટલે આખી રાત રાહ જોયા બાદ પણ દીકરો ઘરે ન આવતા અમે તેને શોધવા માટે નીકળ્યા છીએ અને તમારા ઘર સુધી પહોંચ્યા.’

હવે યુવાનોના પરિવારના લોકો સીધા જ ચિલોડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પાંચ યુવાનો ગુમ થયાની અરજી આપી હતી. ત્યાર બાદ પાંચેય યુવાનોની શોધખોળ શરૂ કરી હતી. જેના ભાગરૂપે બે માણસોને હિંમતનગર ટોલ પ્લાઝા પર મોકલ્યા હતા. ત્યાંના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસતા પાંચેય યુવાનો જે કારમાં હતા એ કાર 18મી તારીખે સાંજે 7 વાગીને 36 મિનિટે ટોલ પ્લાઝા પરથી પસાર થતી જોવા મળી હતી. ત્યાર બાદ એક જ કલાકમાં આ કાર પ્રાંતિજ પાસે એક સીસીટીવી કેમેરાના ફૂટેજમાં જોવા મળી હતી. જેથી એટલું તો સ્પષ્ટ થઈ ગયું કે તેઓ ઉદયપુરથી ઘર તરફ પરત આવી રહ્યા હતા.

યોગેશભાઈએ ગળગળા સ્વરે કહ્યું, ‘મારા દીકરા ગૌરાંગ સાથે જે બનાવ બન્યો તેના બીજા દિવસે તો અમે ગૌરાંગ માટે છોકરી જોવા જવાના હતા. મારો દીકરો કહેતો હતો કે આપણે નવું ઘર બનાવીશું. પરંતુ આ સપનું હું પૂરું નહીં કરી શકું. કારણ કે મારી એટલી આવક પણ નથી.’

પોલીસે 19 સપ્ટેમ્બરની સવારથી લઈને સાંજ સુધી કાર સહિત પાંચેય યુવાનોની શોધખોળ કરી પરંતુ કોઈ જાણકારી ન મળી. આખરે પરિવારજનોની પૂછપરછમાં પોલીસને એક કડી મળી અને તેના આધારે નવા જ દૃષ્ટિકોણથી તપાસ આગળ વધારવામાં આવી હતી.

યુવાનોની શોધખોળ બાબતે DySP ડી.એસ.પટેલે જણાવ્યું હતું કે, ‘18મી તારીખે રાત્રે 9 વાગ્યાની આસપાસ ગૌરાંગના પિતા પર શૈલેષનો ફોન આવ્યો હતો. જેમાં તેણે કારમાં પાણી ઘૂસતું હોવાનું અને કોને તરતા આવડે છે? આ બે વાક્યો કહ્યા હતા. આ ફોન કોલ બાદ યુવકોના મોબાઇલ બંધ થઈ ગયા હતા.’

મોબાઇલનું લોકેશન મળ્યા બાદ પોલીસે બે ગામમાં તપાસ શરૂ કરી
ચિલોડા પોલીસ સ્ટેશનના પીઆઈએ કહ્યું, ‘મૃતક ગૌરાંગના પિતા યોગેશભાઈ ભટ્ટે આપેલી જાણકારીના આધારે અમે યુવકોના મોબાઇલના લોકેશનની માહિતી મંગાવી હતી. સામાન્ય રીતે કોઈ પણ મોબાઇલ ટાવરમાં મોબાઇલનું લોકેશન પકડાય તો ત્રણેક કિલોમીટરના વિસ્તારમાં એ મોબાઇલ એક્ટિવ હોઈ શકે છે. એટલે અમને સૌથી છેલ્લે જે વિસ્તારમાં યુવકોના મોબાઇલ એક્ટિવ હોવાની જાણકારી મળી તેના ત્રણ કિલોમીટરના વિસ્તારમાં જ્યાં પાણી ભરેલું હોય એ સ્થળની જાણકારી એકઠી કરી હતી. ત્યારે અમને ખબર પડી કે આ વિસ્તારમાં આલમપુરનું તળાવ અને દશેલાનું તળાવ, એમ બે તળાવ આવેલા છે.’

‘પહેલા અમે આલમપુરમાં તપાસ કરી હતી. ગામના લોકોને પૂછપરછ કરી પરંતુ કોઈ જ જાણકારી ન મળી. ગામમાં એક જગ્યાએ સીસીટીવી પણ લાગેલા હતા. તેના ફૂટેજ પણ અમે જોયા હતા. પરંતુ યુવકો જે ગાડી લઈને છેલ્લે પ્રાંતિજમાં જોવા મળ્યા હતા, એ ગાડી આલમપુરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજમાં જોવા ન મળી. હવે અમારી ટીમ દશેલા ગામે પહોંચી હતી.’

જ્યારે પોલીસકર્મીઓને તળાવમાં બે લોકોના માથા દેખાયા
‘અમે સરકારી ગાડી લઈને દશેલા ગામની પાદરે આવેલા તળાવ નજીક પહોંચ્યા હતા. ત્યારે અમે જોયું કે ધોધમાર વરસાદ બાદ તળાવથી રસ્તા સુધી બધું એકાકાર થઈ ચૂક્યું હતું. તળાવ તરફ નજર કરતા અમને દૂરથી બે લોકોના માથા જેવું દેખાતું હતું. એટલે અમે જીવના જોખમે અમારી ગાડી જળબંબાકાર રસ્તા પર આગળ જવા દીધી. પરંતુ કેટલાક મીટર સુધી ગયા બાદ ગાડી બંધ પડી ગઈ. એટલે જેસીબીની મદદથી ગાડી ખેંચીને બહાર કાઢી હતી. ત્યાર બાદ અમે ટ્રેક્ટરમાં બેસીને ગામ તરફ તળાવની પાળ પર પહોંચ્યા હતા. નજીક જઈને જોયું તો ચાર લાશો પાણીમાં તરતી દેખાઈ હતી.’

પોલીસે આ બનાવની જાણ કંટ્રોલ રૂમમાં કરી અને પછી ફાયરબ્રિગેડની ટીમની મદદથી સાંજના 6 વાગતા સુધીમાં ચારેય મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

ગૌરાંગના પિતા યોગેશભાઈ ભટ્ટે પોતાનો દીકરો ગુમ થયો હોવાની અરજી ચિલોડા પોલીસ સ્ટેશન આપી હતી એવી જ રીતે બાકીના ચાર યુવાનોનાં પરિવારજનોએ નરોડા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. એટલે ચાર મૃતદેહ મળ્યા હોવાની જાણકારી નરોડા પોલીસ સ્ટેશને પણ આપવામાં આવ્યા હતી.

પોલીસે યુવાનોનાં સગાં-સંબંધીઓને ફોટો મોકલીને ખરાઈ કરી કે આ એ જ ચાર યુવાનો છે જે ગુમ થયા હતા. તેમના નામ ગૌરાંગ ભટ્ટ, ભરત સોલંકી, વિનય નાઇ, નિમેષ પરમાર હોવાની જાણકારી મળી હતી. જ્યારે પાંચમા યુવાનનો મૃતદેહ બીજા દિવસે એટલે કે 20 સપ્ટેમ્બરે મળ્યો હતો.

ઉદયપુરમાં આનંદ માણીને આવેલા પાંચેય મિત્રો સાથે આખરે શું બન્યું હોઈ શકે? તેને લઈને પ્રાથમિક તપાસ બાદ પોલીસ એક થિયરી પર પહોંચી છે. પીઆઈએ કહ્યું, ‘નરોડામાં રહેતા નિમેષે જૂન 2023માં કાર ખરીદી હતી. પાંચેય મિત્રો ઉદયપુરથી નેશનલ હાઇવે પર કાર લઈને ચિલોડા તરફ આવી રહ્યા હતા. નેશનલ હાઈવેની બાજુમાં દશેલા ગામ તરફ જવાનો એક રોડ છે. મૃતક ગૌરાંગ ભટ્ટ દશેલાનો વતની હતો. એટલે તેઓ કારમાં ગૌરાંગને ઘરે મૂકવા માટે જતા હશે. ગૌરાંગને ઉતારીને બાકીના ચાર યુવાનો અમદાવાદ તરફ જવાના હતા. 18 સપ્ટેમ્બરે ખૂબ જ વરસાદ પડ્યો હતો. જેથી દશેલા ગામની પાદરે આવેલું તળાવ ભરાઈ ગયું અને પાણી રોડ પર આવી ગયું હતું. પરંતુ કારમાં સવાર આ લોકોને રાતના સમયે આ હકીકતનો અંદાજો નહીં હોય. એ સ્થળે સ્ટ્રીટલાઈટ નથી. અમારા અનુમાન મુજબ યુવાનોને લાગ્યું હશે કે પાણીમાંથી કાર પસાર થઈ જશે. પરંતુ તળાવ પાસે થોડો વળાંક આવે છે. આ લોકો વળાંક સુધી તો આવી ગયા પણ પછી પાણીનું સ્તર વધવાના કારણે ફસાઈ ગયા હશે. ત્યાર બાદ પરિવારને ફોન કર્યો હશે. આ દરમિયાન જ તરતા આવડે કે નહીં? એવી વાતો કરતા ગૌરાંગના પિતાએ સાંભળી હતી. કારણ કે ઘટનાસ્થળથી સૌથી નજીક ગૌરાંગનું જ ઘર હતું અને તેમની મદદ મળી શકે એમ હતી. જો એટલી માહિતી પહોંચી ગઈ હોત કે અમે દશેલા ગામના તળાવમાં ફસાઈ ગયા છીએ તો ઝડપી મદદ મળી જાત અને તેઓ લગભગ બચી ગયા હોત. કારમાં પાણી ભરાતા પાંચેય યુવાનોએ બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ કાચ ખોલીને કે તોડીને બહાર નીકળ્યા પણ હશે. પરંતુ ચારે બાજુ પાણી અને અંધારું હોવાથી ક્યાં જવું એ કોઈને ખબર નહીં પડી હોય.’

પોલીસે ઘટના અંગે પ્રાથમિક તબક્કે આટલું અનુમાન જ લગાવ્યું છે. કારણ કે આ ઘટનામાં કોઈ પ્રત્યક્ષદર્શી નથી. માત્ર 18મી સપ્ટેમ્બરે આવેલો એક ફોન કોલ જ દુર્ઘટનાના સંકેત આપે છે. એટલે પોલીસ માત્ર અકસ્માતની થિયરીથી સંતોષ ન માનીને અન્ય સંભાવનાઓ તરફ પણ નજર દોડાવી રહી છે.

ચિલોડા પોલીસ સ્ટેશનના પીઆઈએ કહ્યું, ‘આ ઘટના અંગે સચોટ નિષ્કર્ષ પર પહોંચવા માટે અમે જે કાર સાથે યુવાનો ડૂબ્યા હતા તેને RTOમાં ચેક કરાવીશું. જેથી બનાવ બન્યો ત્યારે કાર કેવી હાલતમાં હતી? ચાલી શકે એવી સ્થિતિમાં હતી કે કેમ? ગાડીમાં કોઈ ખામી હતી? તેની જાણકારી મળી શકે. પાંચેય મૃતકોના કોલ ડિટેઇલ રેકોર્ડ (CDR) મેળવીશું. જેથી તેઓ ઉદયપુર ગયા હતા કે કેમ એ વાતનું સત્ય સામે આવે. તેમણે કોની-કોની સાથે ફોન પર વાતચીત કરી તેની માહિતી પણ CDR મારફતે મળશે. આ ઉપરાંત અન્ય એક રિપોર્ટના આધારે ચકાસણી કરાવવાની છે કે પાંચેય યુવાનોના પેટમાં દશેલા ગામના તળાવનું જ પાણી છે કે અન્ય કોઈ જગ્યાનું? આ રિપોર્ટથી ખબર પડશે કે બીજા કોઈ સ્થળે હત્યા કરીને તેમને આ તળાવમાં તો નથી નાંખી દેવામાં આવ્યા ને?’ એટલે ચિલોડા પોલીસે આ કેસને માત્ર એક અકસ્માત ન ગણીને 360 ડિગ્રી એન્ગલથી તપાસ ચાલુ રાખી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com