અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજને તોડવા માટેનો નિર્ણય મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસન દ્વારા લેવામાં આવ્યો હતો. ત્યારે હવે હાટકેશ્વર બ્રિજ આખો તોડી પાડવામાં નહીં આવે, પરંતુ બ્રિજનો વચ્ચેનો ભાગ જે બે મુખ્ય સ્પાન તોડવા પડે તેવા છે, એટલા જ ભાગને તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બાકીના જે પણ સ્પાન કે પીલ્લરમાં તકલીફ છે ત્યાં રિ ટ્રોફિંગ અથવા તો રીકન્સ્ટ્રક્શન કરવામાં આવશે. રૂ. 24.87 કરોડના ખર્ચે જ આ બ્રિજના ભાગને તોડી રિપેર કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસન દ્વારા ગત મહિનાના અંતે મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં જણાવ્યું હતું કે, હાટકેશ્વર બ્રિજને તોડવા માટે એક અઠવાડિયામાં ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે. જે બાદ હવે પ્રોજેક્ટ વિભાગ દ્વારા હાટકેશ્વર બ્રિજ અને તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જોકે, હાટકેશ્વર બ્રિજ આખો તોડી પાડવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી નથી. માત્ર જે બે મુખ્ય સ્થાનમાં તકલીફ જણાઈ હતી અને હલકી ગુણવત્તાનું બાંધકામ કર્યું હોવાનું સામે આવ્યું હતું તે જ બે સ્પાનને ત્યાંથી તોડી અને નવો બનાવવામાં આવશે. આ ઉપરાંત જે પણ જગ્યાએ બ્રિજને મજબૂત કરવાની જરૂરિયાત છે. ત્યાં ફરીથી રિ ટ્રોફિંગ એટલે કે નબળા બાંધકામને મજબૂત કરાશે. આમ આખો હાટકેશ્વર બ્રિજ નહીં પરંતુ બ્રિજનો કેટલો ભાગ જ તોડી અને તેને નવો કરવામાં આવશે. હાલ કોર્પોરેશને આ બ્રિજને તોડી અને નવો બનાવવા પાછળ રૂપિયા 24.87 કરોડનો અંદાજ મુક્યો છે.
29મી સપ્ટેમ્બરે સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા હાટકેશ્વર બ્રિજ ક્યારે તોડી પાડવામાં આવશે તેની તારીખ જાહેર કરવાની માગ કરી હતી. મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસન દ્વારા હાટકેશ્વર બ્રિજ મામલે જવાબ આપ્યો હતો કે, આગામી 4-5 દિવસમાં હાટકેશ્વર બ્રિજ તોડવાના ટેન્ડર બહાર પાડવામાં આવશે. બ્રિજને તોડવામાં આવનાર જ છે. હાલમાં બ્રિજની પોલીસ તપાસ ચાલી રહી છે. વિપક્ષ કોંગ્રેસના દંડક અને અમરાઈવાડીના કોર્પોરેટર જગદીશ રાઠોડએ સવાલ કર્યો હતો કે, મ્યુનિસિપલ કમિશનર દ્વારા હાટકેશ્વર બ્રિજ તોડી પાડવા નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આજ દિન સુધી આ બ્રિજ તોડવામાં આવ્યો નથી. જેથી ક્યારે તોડવામાં આવશે?
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે અને નેશનલ હાઈવેને જોડતાં ખોખરાથી સીટીએમ સુધીના હાટકેશ્વર વિસ્તારમાં બ્રિજ બનાવવાની કામગીરી અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને સોંપવામાં આવી હતી. વર્ષ 2015માં બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને વર્ષ 2017માં પૂર્ણ કરવામાં આવી હતી. બ્રિજમાં હલકી ગુણવત્તાના કારણે પાંચથી છ વખત ગાબડાં પડ્યાં હતાં. ત્યારે બેરીકેટ લગાવી બંધ કર્યા હતા, પરંતુ ત્યારબાદ ફરીથી બ્રિજનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો.
જૂન 2022માં 8થી 10 ફૂટ સળિયા દેખાય તેટલું મોટું ગાબડું પડ્યું હતું. પણ અધિકારી કે કર્મચારીની હાજરી વગર મજૂરો દ્વારા તેને ભરી દેવામાં આવ્યા હતા. જે મામલે મ્યુનિસિપલ કમિશનર રજૂઆત કરી હતી અને ત્યારબાદ અનુભવી એન્જિનિયરોની ટીમનું કરી અને ત્યારબાદ બ્રિજનો ઉપયોગ શરૂ કરવા માટે જણાવ્યું હતું. 13 જૂન 2022ના રોજ બ્રિજને બંધ કરી અને રિપેરિંગ કરવા માટે 90 લાખ રૂપિયા અંદાજ પણ આપવામાં આવ્યો હતો. ત્યારબાદના સેમ્પલો લઈ અને બે ખાનગી લેબોરેટરીઓમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં M45ની જગ્યાએ M20 એટલે કે જે સિમેન્ટ રેતી કોન્ક્રીટ વગેરે વાપરવાનું હોય તે 30 ટકા ઓછું મટિરિયલ વાપરવામાં આવ્યું હતું. આટલી હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપર્યું હોવાનો રિપોર્ટ આપવામાં આવ્યો હતો.