ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી હીરા ઉદ્યોગની પરિસ્થિતિની રજૂઆત કરી
અમદાવાદ
ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી છે કે હીરા ઉદ્યોગમાં કામ કરતાં રત્નકલાકારો છેલ્લા ઘણા સમયથી ભારે આર્થિક સંકટમાં ફસાયા છે. આ બાબતે રત્નકલારોએ શ્રમ અને રોજગાર મંત્રીને રૂબરૂ મળીને વેદના અને વ્યથાથી વાકેફ કર્યા છે, તેમ છતાં કોઈ હકારાત્મક રીતે સમસ્યાનું સામાધાન થયું નથી.હીરા ઉદ્યોગમાં કામ કરતા મજૂરોને મજુર કાયદા હેઠળ મળવાપાત્ર લાભો આપવામાં આવતા નથી. નોટબંધી, જીએસટી અને ત્યારબાદ કોરોના મહામારીમાં લોકડાઉનના કારણે રત્નકલાકારોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અગાઉના સમયમાં હીરા ઉદ્યોગના કારખાનાઓ ૨૪ કલાક ધમધમતાં હતા. હાલમાં તે કારખાના માંડ ૮-૧૦ કલાક ચાલે છે. તેમજ કામદારોના પગારમાં અંદાજે ૩૦ થી ૫૦% જેટલો ઘટાડો થયો છે, તેના કારણે દિનપ્રતિદિન વધી રહેલ મોંઘવારીમાં હીરા કારીગરોને ઘરનું ગુજરાન ચલાવવું, બાળકોની ઉંચી શિક્ષણ ફી, મકાનના ભાડા-હપ્તાઓ ભરવામાં આર્થિક સંકળામણમાં ફસાવું પડે છે અને મહિનામાં અંદાજે ૩૦ રત્નકલાકારોએ આપઘાત કરી જીવન ટુંકાવી લીધું છે. રત્નકલાકારોએ જીવન ટુંકાવ્યું છે તેના પરીવારજનોને કે તેમના બાળકોના શિક્ષણ અંગે પણ કોઈ સહાય કે મદદ કરી નથી. હીરા ઉદ્યોગ વર્ષોથી હજારો નાગરીકોનું રોજગારીનું સર્જન કરે છે તેમજ સરકારને ફરવેરા પેટે કરોડોની આવક થાય છે, ત્યારે હીરા ઉદ્યોગમાં કામ કરતા કામદારો માટે નીચે મુજબની માંગણી પુર્ણ કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવા ભલામણ છે.હીરા ઉદ્યોગમાં કામ કરતા કામદારો માટે મજુર કાયદાનું પાલન કરાવવામાં આવે. રત્નકલાકારોને સંકટમાંથી ઉગારવા માટે આર્થિક પેકેજ તેમજ રત્નદીપ કૌશલ્ય વર્ધક તાલીમ પેકેજ જાહેર કરવામાં આવે. આપઘાત કરી જીવન ટુંકાવી લેનાર રત્નકલાકારોના પરીવારજનોને આર્થિક સહાય પુરી પાડવામાં આવે અતે તેમના સંતોનોને ઉચ્ચ અભ્યાસ સુધી વિના મુલ્યે શિક્ષણ પુરૂ પાડવામાં આવે. રત્નકલાકારો માટે રત્નકલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવે.રત્નકલાકારો પાસેથી લેવામાં આવતો વ્યવસાય વેરો નાબુદ કરવામાં આવે.