અમદાવાદ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મહામંત્રી દર્શનકુમાર એ.નાયકે કમિશ્નર એસ.જી,એસ. ટી. સુરત અને સ્ટેટ જી,એસ. ટી. કમિશ્નરની કચેરી અમદાવાદને પત્ર લખી જાણ કરી છે કે ગરબા એ હિન્દુઓ માટે વિશેષ આસ્થાનું પ્રતિક છે.હાલમાં માતાજીનાં નવરાત્રના પવિત્ર અને આસ્થાનાં ગરબાનાં આયોજનો સુરત શહેરમાં અનેક જગ્યાએ આયોજકો દ્વારા કરવામાં આવેલ છે. સુરત ચેમ્બર ઓફ કોમર્સનાં સરસાણા ખાતે સ્થિત ડોમ માં ધ મેમોરીઝ ઇવેન્ટ કંપની દ્વારા ,સુરત મહાનગર પાલિકાના ઈન્દોર સ્ટેડિયમ ખાતે વિઝન હબ દ્વારા ,ભગવાન મહાવીર કોલેજ પાસે જી-નાઇન,ધારુકાવાલા કોલેજ ખાતે અરિહંત રમઝટ,પર્પલ ઓર્ચિડ ખાતે ઝણકાર નવરાત્રી અને એપેક્ષ ઇન્ટરટેનમેન્ટ દ્વારા ,વી. આર . મોલ,વેસુ ની સામે સહિતનની ૨૦ જેટલી જગ્યાએ સુરત શહેરમાં કોમર્સિયલ નવરાત્રીનાં ગરબાનું આયોજન કરવામાં આવેલ છે. નવરાત્રીનાં ગરબા ના આયોજનો નો મુખ્ય હેતુ ભારતીય સંસ્કૃતી ને જાળવી રાખવાનો હોવો જોઈએ. પરતું હાલમાં નવરાત્રીનાં ગરબા ના આયોજકો દ્વારા ગરબા ની સંસ્કૃતિ ની જાળવણી ની જગ્યા એ કોમર્સિયલ આયોજન કરી પૈસા કામવાનો થઈ ગયો હોય એવું લાગી રહ્યું છે. હાલમાં નવરાત્રી નાં ગરબાનું કોમર્સિયલ(ધંધાકીય) આયોજન કરનાર આયોજકો દ્વારા નવરાત્રીના પંડાલ માં પ્રવેશ માટે રૂ.૫૦૦ થી રૂ.૧૫૦૦ જેટલી રકમ વસૂલવામાં આવે છે. આ પંડાલોમાં રોજના આસરે ૭૦૦૦ થી ૧૦,૦૦૦ જેટલા લોકો પ્રવેશ મેળવતા હોય છે તથા આ પ્રવેશ મેળવનાર લોકો પાસે પોતાના વાહન જો મોટરકાર હોય તો આશરે ૫૦૦ રૂપિયા અને મોટર સાયકલ હોય તો આસરે ૫૦ થી ૭૦ રૂપિયા આયોજકો દ્વારા વસૂલ કરવામાં આવી રહ્યા છે.આવી રીતે કરોડો રૂપિયા નવરાત્રીનાં દિવસો દરમ્યાન આયોજકો કમાઈ લેતા હોય છે. નવરાત્રીનાં ગરબાનાં પંડાલમાં જે ફાસ્ટફૂડ,નાસ્તા અને ઠંડા-પીણા ના સ્ટોલ લગાવવામાં આવે છે તેમના દ્વારા પણ મનસ્વી રીતે મૂળ કિંમત કરતા વધુ કિંમત ગરબા માં આવતા દરેક ગ્રાહક પાસે વસુલ કરવામાં આવે છે.આ આયોજનમાં કરવામાં આવતું મોટાભાગનું ચુકવણું રોકડ સ્વરૂપમાં કરવામાં આવે છે.જેની સચોટ માહિતી આવા આયોજકો દ્વારા સરકાર સમક્ષ મુકવામાં આવતી નથી એવું અમને લાગી રહ્યું છે.સામાન્ય રીતે જયારે આયોજકો દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવે ત્યારે સમાજ ના દરેક વર્ગો તેનો લાભ લઈ શકે તેવી વ્યવસ્થા હોવી જોઈએ,પરંતુ સુરત શહેરમાં આયોજકો દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવે છે તેનો લાભ કોઈ આર્થિક રીતે ગરીબ વર્ગ લઈ શકતો નથી તથા તેમને કોઈ રાહત પણ આપવામાં આવતી નથી.નવરાત્રીનાં ગરબા એ ધર્મ કાર્યનું પ્રતીક છે અને કોઈ પણ ધર્મ કાર્યનો લાભ દરેક નાગરિક ને મળવો જોઈએ.પરંતુ આર્થિક હાલત ન હોવાને કારણે સમાજના અનેક ગરીબ લોકો આવા ધર્મકાર્યનો લાભ લઇ શકતા નથી.સામાન્ય રીતે જી. એસ. ટી. વિભાગ દ્વારા થોકબંધ સામાન્ય વેપારીઓ અને દુકાનદારોને નોટિસો આપી કનડગત કરવામાં આવી રહી છે ત્યારે આવા મોટા માથાનાં આયોજકોને શા માટે છાવરવામાં આવી રહ્યા છે?નવરાત્રીનાં ગરબાના આયોજકો માત્ર પૈસા કમાવવાના ઉદ્દેશ્ય થી જ આવું આયોજન કરતા હોય એવું લાગી રહ્યું છે તથા ટેક્સ ચોરી પણ કરવામાં આવી રહ્યો હોવાની શંકાઓ થઈ રહેલ છે.આવા દરેક આયોજકની પાસે થી પ્રવેશ ફી અને પાર્કિંગ ફી ઉપર સ્થળ પર તપાસ કરી જો તેમના દ્વારા ટેક્સ ચોરી કરવામાં આવી રહી હોય તો તેમની પાસે થી 18% જી.એસ.ટી. વસુલ કરવાની કાર્યવાહી કરવામાં આવે એવી લોકહિતમાં માગણી છે.