ગુજરાતના સૌથી ચકચારી કેસ અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં હાલમાં તથ્યએ રેગ્યુલર જામીન માટે અરજી કરી છે. અગાઉ તથ્યના જામીન ફગાવી દેવાયા છે અને પિતાને જામીન મળતાં દીકરાને પણ દિવાળી જેલ બહાર મનાવવાની આશા જાગી છે. તથ્ય અને પ્રગ્નેશ પટેલ વચ્ચેના કેસમાં જમીન આસમાનનો તફાવત છે. એટલે પિતાને જામીન મળ્યા તો દીકરાને પણ મળશે એવી શક્યતાઓ ગણી ઓછી છે. મોંઘીદાટ જેગુઆર ગાડી વડે તથ્ય પટેલે 9 લોકોને કચડીને મોતના મુખમાં ધકેલી દીધા હતા. તથ્ય સામે IPC 279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 અને મોટર વ્હિકલ એક્ટ અંતર્ગત કલમ 177, 189, અને 134 અંતર્ગત ગુનો નોંધીને 1684 પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ હતી. તથ્ય પટેલે વકીલ નિસાર વૈદ્ય મારફતે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં અગાઉ રેગ્યુલર જામીન અરજી કરી હતી. જેની ઉપર કોર્ટે ચુકાદો અપાતા તથ્ય પટેલની જામીન અરજી ફગાવી દીધી હતી. જોકે, ગઈકાલે જ તથ્યના પિતા પ્રગ્નેશ પટેલને રેગ્યુલર જામીન મળ્યા હતા. ત્યારે આજે તથ્ય પટેલની રેગ્યુલર જામીન અરજી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. પ્રજ્ઞેશ પટેલે ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં 25 તારીખે થયેલી સુનાવણીમાં તેના મુખ્ય વકીલે દલીલ કરી હતી કે, પ્રજ્ઞેશ પટેલનો રોલ માત્ર અને માત્ર ધમકી પૂરતો છે. જેમાં જામીન મળવા જોઇએ કારણ કે આ જામીનપાત્ર હોય છે. પ્રજ્ઞેશ પટેલને જામીન મળી ગયા છે. આ પહેલાં કેન્સરની સારવાર માટે સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટમાંથી પણ જામીન માંગી ચૂક્યો છે. પરંતુ ત્યારે તેની અરજી ફગાવી દેવામાં આવી હતી. આજે ગુજરાત હાઇકોર્ટે જામીન અરજી પર સુનાવણી થતા પ્રજ્ઞેશ પટેલના જામીન મળી ગયા છે. જોકે, તે અમદાવાદમાં પ્રવેશ કરી શકશે નહીં. ગત સુનાવણીમાં તથ્ય પટેલના વકીલે એવી દલીલ કરી હતી કે, પોલીસ આ કેસની તપાસ એક વીડિયોના આધારે કરી રહી છે. અત્રે નોંધવું ઘટે કે અકસ્માત સમયનો એક વીડિયો બહાર આવ્યો હતો. આ વીડિયોનો ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 141.27ની સ્પીડ માટે કોઇ ટેક્નિકલ અભિપ્રાય લેવામાં આવ્યો નથી, પોલીસે જે વીડિયોના આધાર પર તપાસ કરી એનું FSL સર્ટિફિકેટ નથી. પ્લેનનો અકસ્માત થાય તો બ્લેક બોક્સથી વિગતો પ્રાપ્ત થાય છે. પરંતુ ગાડીમાં એવી કોઈ ટેક્નોલોજી નથી કે સ્પીડ કેટલી હતી તે જાણી શકાય. આ કેસની જામીન અરજીમાં તથ્યના વકીલે દલીલ કરતા કહ્યું હતું કે, તથ્યનો હેતુ કોઈને મારવાનો નહોતો, જેથી ગુનાહિત મનુષ્યવધની કલમ તથ્ય પર લાગુ પડે નહીં. અંતે તથ્યના વકીલે કહ્યું હતું કે,પોલીસે ઉતાવળે તપાસ કરી અને ચાર્જશીટ ફાઈલ કરી છે. આ આકસ્મિત ઘટના બની છે જેથી તથ્યને જામીન આપવા જોઈએ. જોકે, હવે તથ્યને જામીન મળે છે કે નહીં એ તો કોર્ટના ચૂકાદા પર નિર્ભર છે પણ 9 લોકોના પરિવારની દીવાળી બગાડનારને જેલમાંથી બહાર નીકળી દિવાળી ઉજવશે કે કેમ એ તો આગામી સમય જ બતાવશે.