સુરતની સેન્ટ્રલ મધ્યસ્થ લાજપોર જેલમાં પાક્કા કામનો રેપ અને મર્ડરનો કેદીનું ઉલટી થયા બાદ ઢળી પડી મોત નિપજ્યું હતું. બરેકમાં જ ઢળી પડ્યા બાદ સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર કરાયો હતો. હાલ તો હાર્ટ એટેકની શંકા સેવવામાં આવી રહી છે. હાલ તો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડના ડુંગરી ગામે રહેતા 55 વર્ષીય મગન બાબુભાઈ કોળી 1997માં દુષ્કર્મ, હત્યાના ગુનાની સજા ભોગવી રહ્યો છે. મગન છેલ્લા 15 વર્ષથી લાજપોર જેલમાં પાકા કામના કેદી તરીકે સજા કાપી રહ્યો છે. ગત રોજ રાત્રે પોતાની બેરેકમા ઊલટીઓ કરવા લાગ્યો હતો અને ત્યારબાદ બેરેકમાં જ ઢળી પડ્યો હતો. મગનને સુગર અને પ્રેશરની બીમારી હતી. મગનને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે મગનને મૃત જાહેર કર્યો હતો. પોલીસે મગનને હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા સાથે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પીએમ રિપોર્ટ બાદ મોતનું યોગ્ય કારણ બહાર આવશે.