હુરૂન ઈન્ડિયા અને એડેલગિવે ‘એડેલગિવ હુરુન ઈન્ડિયા પરોપકાર સુચી 2023’ રજૂ કરી દીધી છે. આ લિસ્ટમાં પહેલા નંબરે HCLના ફાઉન્ડર શિવ નાદર છે. હુરુન લિસ્ટ અનુસાર નાણાકીય વર્ષ 2023માં શિવ નાદર અને તેમના પરિવારે દરરોજ 5.6 કરોડ રુપિયા દાન કર્યા છે. આ રીતે એક વર્ષમાં તેમણે કુલ 2043 કરોડ રુપિયા પરોપકારમાં વાપર્યા છે. નાણાકીય વર્ષ 2022માં પણ તેઓ ભારતના સૌથી વધુ દાન આપવાવાળા વ્યક્તિ હતા. હવે ઘણાં લોકોના મનમાં સવાલ હશે કે દરરોજ આટલા કરોડ રુપિયાનું દાન કરવાવાળા શિવ આખરે કરે છે શું? તેઓ આટલા રુપિયા ક્યાંથી લાવે છે? શું તેમની પાસે કુબેરનો ખજાનો છે?
દેશની રાજધાની દિલ્હીમાં રહેતા શિવ નાદર દિગ્ગજ આઈટી કંપની એચસીએલ ટેક્નોલોજીના ફાઉન્ડર છે. ફોર્બ્સ એશિયા દ્વારા જાહેર કરવામાં આવેલ ભારતના 100 સૌથી ધનવાન વ્યક્તિઓના લિસ્ટમાં ત્રીજા સ્થાને છે. તેમની કુલ નેટવર્થ 29.3 અબજ ડોલર આંકવામાં આવી છે. શિવ નાદરે 1976માં એચસીએલ ગ્રૂપની સ્થાપના કરી હતી. તે ભારતની પહેલી કંપની છે જેણે સૌથી પહેલું સ્વદેશી કોમ્પ્યુટર નિર્માણ કર્યું હતું. શિવ નાદરે 4 દાયકાથી વધુ સમય સુધી એચસીએલનું નેતૃત્વ કર્યું હતું. હવે તેમની દીકરી રોશની નાદર મલ્હોત્રાના હાથમાં કંપનીની કમાન છે.
શિવ નાદરે HCLમાંથી ખૂબ આવક કરી છે. શિવ નાદર પરિવાર પાસે HCLમાં 60 ટકાની ભાગીદારી છે. આ જ તેમની કમાણીનો સૌથી મોટો સ્ત્રોત છે. પ્રોફેશનલી ઈલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક્સ એન્જીનિયર શિવ નાદરે પોતાના કરિયરની શરુઆત 1967માં વાલચંદ ગ્રૂપમાં નોકરી કરવા સાથે કરી હતી. HCL પહેલાં તેમણે માઈક્રોકોમ્પ નામની કંપની બનાવી હતી જે કેલક્યુલેટર બનાવે છે. વર્ષ 1976માં તેમણે 2 લાખ રુપિયા લગાવીને HCL ટેક્નોલોજીની સ્થાપના કરી હતી. 1980માં કંપનીએ આંતરાષ્ટ્રીય બજારમાં IT હાર્ડવેર વેચવાનું શરુ કર્યું હતું.
શિવ નાદરે 1994માં સખાવત માટે એક ફાઉન્ડેશનની સ્થાપના કરી જેનું નામ શિવ નાદર ફાઉન્ડેશન રાખવામાં આવ્યું. જે બાદ 1996માં તેમણે ચેન્નઈમાં એસએસએન કોલેજ ઓફ એન્જિનિયરિંગની સ્થાપના કરી. તેઓ શિક્ષણ ક્ષેત્રે પોતાના દાનનો સૌથી વધુ ઉપયોગ કરે છે. હુરુનની 2022ની સૂચીમાં શિવ નાદર ભારતના સૌથી મોટા પરોપકારી વ્યક્તિ બનીને ઉભર્યા હતા. નાણાકીય વર્ષ 2022માં તેમણે 1161 કરોડ રુપિયાનું દાન આપ્યું હતું. જ્યારે નાણાકીય વર્ષ 2023માં તેના કરતાં ઘણું વધારે 2043 કરોડ રુપિયાનું દાન પરોપકારના કાર્યોમાં વાપર્યું હતું.