આગામી તહેવારો, પ્રવર્તમાન પરિસ્થિતિ અને સુરક્ષાને ધ્યાને લઈને ગાંધીનગર જિલ્લા અધિક કલેકટરશ્રીએ જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં જણાવ્યા અનુસાર મકાન-દુકાન જેવી મિલકતોને ભાડે આપતા પૂર્વે જે તે માલિકે નજીકના પોલીસ સ્ટેશનમાં ૧૫ દિવસમાં જાણ કરવાની રહેશે. જે કોઈ વ્યકિત જયારે મકાન- દુકાન જેવી મિલકતો ભાડે આપે ત્યારે નજીકના પોલીસ સ્ટેશનમાં નિર્દિષ્ટ સ્વરૂપમાં સંબધિત વિગતો પૂરી પાડવાની રહેશે.
ગાંધીનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામામાં જણાવ્યા અનુસાર ગાંધીનગર જિલ્લાના વિસ્તારમાં કોઈ મકાન માલિક મકાન-દુકાન જેવી મિલકતો ભાડે આપે અથવા ઔદ્યોગિક વિસ્તારોમાં મકાનો, એકમો ભાડે આપે ત્યારે સંબંધિત પોલીસ સ્ટેશનને ૧૫ દિવસમાં જાણ કરવાની રહેશે. જેમાં મકાન/દુકાન/ઓફિસ/ શોપિંગ/મોલ/વ્યવસાયિક ક્ષેત્રની પ્રોપર્ટી ભાડે આપેલ મકાનની વિગત, કયા વિસ્તારમાં છે, કેટલું બાંધકામ છે તેની વિગત, ભાડે આપનાર વ્યક્તિનું નામ સરનામું, ક્યારે અને કેટલા સમય માટે ભાડે આપ્યું છે તેની વિગતો, કઈ વ્યક્તિઓને ભાડે આપ્યું છે અને તેમાં રહેનાર તમામ લોકોના નામ સરનામાની વિગતો, સ્થાનિક રીતે ભાડુઆતની ઓળખાણ આપનારનું નામ સરનામું, માલિકને ભાડૂઆતનો સંપર્ક કરાવનાર વ્યક્તિનના નામ સરનામા સહિતની વિગતો રજૂ કરવાની રહેશે. અધિક કલેકટરશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલા આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની જોગવાઈ અનુસાર શિક્ષાને પાત્ર થશે. વધુમાં અધિક કલેકટરશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગાંધીનગર જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.