સુરતના ઉધના પોલીસે એક નકલી આઇપીએસને પકડી પાડ્યો છે. સુરતના ચાર રસ્તાઓ પર આઇપીએસ અધિકારી વાહનોને પકડીને મેમો આપતો હતો. પોલીસને આ નકલી આઇપીએસની ધરપકડ કરી હતી.
સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં વાહનો ઊભા રાખીને મેમો આપીને રોકડી કરી લેતા ડુપ્લીકેટ આઇપીએસને ઉધના પોલીસે પકડી પાડ્યો છે. આ આરોપી છેલ્લા છ મહિનાથી મેમો આપીને રોકડી કરી લેતો હોવાનું પોલીસના ધ્યાનમાં આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ઉધના પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો અને ભાઠેના જોગેશ્વરી ત્રણ રસ્તા પાસે પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે એક થ્રી-સ્ટાર અને આઇપીએસ લખેલો વ્યક્તિ વાહનોને રોકીને ચેકીંગ કરી રહ્યો હતો. સાથે સાથે વાહન ચાલકોને મેમો પણ આપી રહ્યો હતો. આ દરમિયાન પોલીસનું ધ્યાન જતા તેઓએ ચેક કર્યું હતું. આઇપીએસ એકલો જ હોય તેની વોચ ગોઠવતા તેના ખભા ઉપર લાગેલા થ્રી-સ્ટાર ડુપ્લીકેટ હોય તેની ઉપર શંકા રાખીને દબોચી લેવાયો હતો.
ઉધના ડી-સ્ટાફે આ યુવકને પકડીને પુછપરછ કરતા તેને પોતાનું નામ મોહંમદ સમરેંજ બતાવ્યું હતું. D સ્ટાફે આ યુવકને પીઆઇ એસ.એન. દેસાઇ પાસે લઇ જતા તે ડુપ્લીકેટ હોવાનું માલૂમ પડ્યું હતું. મોહંમદ સમરેજ વાહન ચાલકોને અટકાવીને ટ્રાફિકના વિવિધ નિયમો બતાવીને મેમો આપતો હતો અને ત્યારબાદ સમાધાન કરીને રૂપિયા પડાવી લેતો હતો. વાહન ચેકીંગ માટે તેને અલગ વોકી ટોકી પણ રાખી હતી અને અન્ય લોકોની સાથે વાતો પણ કરતો હતો. પોલીસે મોહંમદ સમરેંજને પકડીને તેની વધારાની પુછપરછ શરૂ કરી ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે.
ઉધના પોલીસને આ યુવકને જોયો અને તેના ખભા ઉપર થ્રી-સ્ટારની સાથે આઇપીએસ લખ્યું હતું. પોલીસ પહેલા ચોંકી ઉઠી હતી. પરંતુ ધ્યાનથી જોયુ ત્યારે ખભા ઉપર અશોક સ્તંભનું ચિન્હ જોયુ ન હતું. જેના કારણે પોલીસને શંકા ગઇ હતી અને તેઓએ આ યુવકની ગતિવિધિને અટકાવીને પુછપરછ કરતા તે ડુપ્લીકેટ આઇપીએસ અધિકારી બનાવીને રૂપિયા પડાવતો હોવાનું બહાર આવ્યું હતું.