કોંગ્રેસ મોદીના નામે આખા ઓબીસી સમુદાયને ગાળો બોલે છે, કોર્ટે માફી માંગવાનું કહ્યું તો માફી પણ નથી માંગવી: પીએમ મોદી

Spread the love

છત્તીસગઢ વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીનો પ્રચાર કરતા વડાપ્રધાન મોદીએ મુંગેલીમાં વિજય સંકલ્પ રેલીને સંબોધતા કહ્યું કે, મોદી તમને તમારા દરેક સંકટમાંથી મુક્ત કરવા માંગે છે, તમારું જીવનધોરણ સુધારવા માંગે છે. તેથી જ કોંગ્રેસ મોદીને ભારોભાર નફરત કરે છે. કોંગ્રેસની નફરત એટલી વધી ગઈ છે કે તે મોદીની ઓબીસી જ્ઞાતિને પણ નફરત કરવા લાગી છે.

વડાપ્રધાન મોદીએ વિજય સંકલ્પ રેલીમાં સંબોધન કરતા કહ્યું કે છેલ્લા કેટલાય મહિનાઓથી કોંગ્રેસ મોદીના નામે આખા ઓબીસી સમુદાયને ગાળો બોલે છે. ગાળો બોલે તો બોલે, પરંતુ કોર્ટ દ્વારા માફિ માગવાનું કહેવામાં આવ્યું હોવા છતા કોંગ્રેસ આ મુદ્દે માફી માંગવાનો ઈન્કાર કરી રહી છે. કોંગ્રેસ ઓબીસીને કેટલી નફરત કરે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. વડાપ્રધાન મોદીએ વિજય સંકલ્પ રેલીને સંબોધતા એમ પણ કહ્યું કે, છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં ભાજપની તરફેણમાં ભારે મતદાન કરવા બદલ હું છત્તીસગઢની પ્રજાનો આભાર માનું છું. આજે હું ખાસ કરીને છત્તીસગઢની મહિલાઓ અને યુવાનોનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. હું તેમના મજબૂત નિર્ણય, તેમની શ્રદ્ધા અને ભાજપ પ્રત્યેના લગાવનો આદર કરું છું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે છત્તીસગઢમાં ભાજપનું આગમન એટલે છત્તીસગઢનો વિકાસ. ભાજપ સરકારમાં યુવાનોના સપના સાકાર થશે. માતાઓ અને બહેનોનું જીવન સરળ બનશે. ભ્રષ્ટાચારને ડામવામાં આવશે અને ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. છત્તીસગઢમાંથી હવે કોંગ્રેસની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પાંચ વર્ષ દેશને લૂંટનારા કોંગ્રેસના નેતાઓને છત્તીસગઢમાંથી વિદાય આપવાનો સમય આવી ગયો છે. આદિવાસીઓ, ગરીબો અને પછાત લોકો તમામ કોંગ્રેસને વિદાય આપવા આતુર છે. મહિલાઓએ નક્કી કર્યું છે કે તેમને કોંગ્રેસ નથી જોઈતી.

વડાપ્રધાને કહ્યું કે જ્યારે છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર બની ત્યારે અઢી વર્ષ સરકાર ચલાવવાની સમજૂતી થઈ હતી. પરંતુ પહેલા મુખ્યમંત્રીએ લૂંટ કરી અને લૂંટેલા પૈસા ભેગા કર્યા. જ્યારે અઢી વર્ષ પૂરા થવાના હતા ત્યારે દિલ્હીના લોકો માટે તિજોરી ખોલવામાં આવી હતી. દિલ્હીના તમામ નેતાઓને ખરીદવામાં આવ્યા અને સરકાર ચલાવવાની સમજૂતી માત્ર કાગળ પર જ રહી ગઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, મહાદેવ એપ્સની સટ્ટાબાજી કૌભાંડનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે કોંગ્રેસના અન્ય નેતાઓને કેટલો માલ મળ્યો. આમાંથી કેટલા પૈસા દિલ્હી દરબારમાં પહોંચ્યા? તેમણે PSC કૌભાંડનો પણ આરોપ લગાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *