રાજસ્થાનમાં આગામી 25મી નવેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. રાજસ્થાનમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો દ્વિપક્ષીય મુકાબલો છે. આવી સ્થિતિમાં બંને પક્ષો જીત માટે પૂરા પ્રયાસ કરી રહ્યા છે. ભાજપ સત્તામાં પાછા ફરવા માટે ભરપૂર પ્રયાસો કરી રહ્યું છે, જ્યારે કોંગ્રેસ સત્તા જાળવી રાખવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે.કેટલીક બેઠકો પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો છે તો કેટલીક બેઠકો પર ત્રિકોણીય જંગની શક્યતાઓ છે.
નવેમ્બર મહિનામાં યોજાનાર રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જબરદસ્ત ટક્કર છે. ભાજપ સત્તામાં પાછા ફરવા માટે જોર લગાવી રહી છે, તો કોંગ્રેસ સત્તા જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે BSP અને RLP જેવી પાર્ટીઓ, આ દ્વિપક્ષીય જંગમાં થોડીઘણી બેઠકો જીતીને કિંગમેકર બનવાનો પ્રયાસ કરી રહી છે. જેના કારણે રાજસ્થાનમાં કેટલીક જગ્યાએ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી આરપારની લડાઈ છે અને કેટલીક બેઠકો પર ત્રિકોણીય જંગ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં વિધાનસભાની 29 બેઠકો એવી છે કે જ્યાં કેટલાક મતોને કારણે સત્તા પલટાઈ શકે છે. આ જ કારણ છે કે કોંગ્રેસ અને ભાજપના નેતાઓના ધબકારા વધી ગયા છે.
રાજસ્થાનમાં 200માંથી 199 વિધાનસભા બેઠકો માટે 25મી નવેમ્બરે ચૂંટણી યોજાનાર છે. કોંગ્રેસના એક ઉમેદવારના નિધનને કારણે એક બેઠક પરની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. 2018ની વિધાનસભાની ચૂંટણીમાં પણ 199 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેમાંથી ત્રણ ડઝનથી વધુ વિધાનસભા બેઠકો પર હાર જીતનું અંતર ઘણું ઓછું હતું. જેમાંથી 9 બેઠકો પર હાર જીતનું માર્જીન એક હજાર મતથી ઓછું હતું, જ્યારે 29 બેઠકો પર હાર જીતનુ અંતર 5 હજારથી ઓછું હતું. આ રીતે 38 બેઠકો પર હાર કે જીત પાંચ હજારથી ઓછા મતથી થઈ હતી. જ્યારે, ટકાવારીની રીતે જોઈએ તો 40 બેઠકો પર હાર અને જીતનો તફાવત એકથી ત્રણ ટકાની વચ્ચે રહ્યો હતો.
રાજસ્થાનમાં વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં જે બેઠકો ઓછા અંતરથી હારી કે જીતી ગઈ ગઈ હતી તે બેઠક અંકે કરવા માટે રાજકીય પક્ષોના ધબકારા વધી ગયા છે. 2018 માં, 9 બેઠકો પર એક હજારથી ઓછા અંતરે હાર-જીત થઈ હતી. જેમાં આસિંદ, ફતેહપુર, દાંતારામગઢ, ખેત્રી, મારવાડ-જંકશન, પીલીબંગા, પોકરણ, સિવાના અને બુંદી વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. એ જ રીતે 5 હજારના અંતરથી હાર જીત થયેલી બેઠકોમાં, વલ્લભનગર, તિજારા, બહેરોર, સૂરજગઢ, મંડવા શાહપુરા, ફુલેરા, બગરૂ, ચૌમુન, ચક્સુ, સાંગોદ, સાગવાડા, આસપુર, પચપદ્રા, ચૌહતાન, નાદબાઈ, નવાન, મકરાણા, મસુદા, બ્યાવર, ભીમ, ખંડેલા, ખાનપુર, ઘાટોલ, છાબરા, ભોપાલગઢ, બેગુન, બાંડીકુઇ અને ચુરુનો સમાવેશ થાય છે.