અમદાવાદમાં કાલે યોજાનારા વર્લ્ડકપ ફાઇનલની ટીકીટોના બેફામ કાળા બજાર થઇ જ રહ્યા છે. 3500ના દરની ટીકીટના રૂા.35 હજારમાં વેચતો હોવાની કબૂલાત આપી હતી. અમદાવાદના બોડકદેવમાં મરૂન કલરનું ટીશર્ટ તથા કાળા રંગનું પેન્ટ પહેરેલો શખ્સ ટીકીટના કાળાબજાર કરતો હોવાની બાતમી પરથી પોલીસ ત્રાટકી હતી. આ શખ્સે પૂછપરછમાં પોતાનું નામ મિલન ઠાકુરદાસ મુલચંદાણી હોવાનું કહ્યું હતું. તલાશી દરમ્યાન રૂા.3500 તથા 6 હજારના દરની ટીકીટો મળી આવી હતી.
પોલીસ પૂછપરછમાં તેણે એવી કબુલાત આપી હતી કે 6 હજારની ટીકીટના રૂા.35 હજારમાં તથા 3500ની ટીકીટ 25 હજારમાં વેચવા આવ્યો હતો. વર્લ્ડકપમાં અત્યાર સુધીના ભારતના તમામ મેચોની ટીકીટ મેળવવા ક્રિકેટપ્રેમીઓના પગે પાણી ઉતર્યા જ હતા. ફાઇનલની ટીકીટોના મોટા પ્રમાણમાં કાળા બજાર થતા હોવાની ચર્ચા હતી જ તેવા સમયે એક શખ્સ પકડાતા સનસનાટી મચી છે. ગમે ત્યાંથી ટીકીટ મેળવીને ઉંચા ભાવે વેચનાર નિશાળીયો જ છે કે કોઇ કાળા બજાર સિન્ડીકેટનો હિસ્સો? તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.