અમદાવાદ શહેર ભાજપના રાજકારણમાં મોટો ભૂકંપ સર્જાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિધાનસભા ઘાટલોડિયા વોર્ડના ભાજપના કોર્પોરેટર મનોજ પટેલે કોર્પોરેટર પદ પરથી રાજીનામું આપી દીધું છે. મનોજ પટેલ હવે કોર્પોરેટર રહેવા માગતા નથી. તેઓ છેલ્લા છ મહિનાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં હાજર રહ્યા નથી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતત ગેરહાજરીના પગલે તેઓને કોર્પોરેટર પદેથી રદ કરવામાં આવે તે પહેલાં જ તેઓએ રાજીનામુ આપી દેતા શહેર ભાજપ કોર્પોરેટરો અને અધિકારીઓમાં ચર્ચા જાગી છે. કોર્પોરેટર મનોજ પટેલે પોતાનું રાજીનામું શાસક પક્ષના નેતાને આપી દીધું છે. આ રાજીનામું મ્યુનિસિપલ કમિશનરને° સોંપવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ઘાટલોડિયા વોર્ડના કોર્પોરેટર મનોજ પટેલે પોતાના અંગત કારણોસર કોર્પોરેટર પદેથી રાજીનામું આપી દીધું છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનરને રાજીનામાનો પત્ર પણ સોંપી દેવામાં આવ્યો છે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કોર્પોરેટર મનોજ પટેલ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં છેલ્લા કેટલાય મહિનાથી હાજર રહેતા નહોતા. જીપીએમસી એક્ટ પ્રમાણે જો કોઈ કોર્પોરેટર છ મહિના સુધી સામાન્ય સભામાં હાજરી ન આપે તો તેને કોર્પોરેટર પદેથી ડીસ્કોલિફાઈ કરવામાં આવે છે. છેલ્લા કેટલાય મહિનાથી હાજર ન રહેતા મનોજ પટેલને AMC અને પક્ષ તરફથી જાણ કરવામાં આવી હતી પરંતુ તેઓ આવતા ન હતા. જો ભાજપના કોર્પોરેટરને પદ પરથી ડીસ્કોલિફાઈ કરવામાં આવે તો છબી ખરડાઈ શકે જેથી મનોજ પટેલનું રાજીનામું જ લઈ લેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ ઘાટલોડિયા વોર્ડના કોર્પોરેટર મનોજ પટેલ હવે અમદાવાદમાં રહેતા નથી. વિદેશમાં તેમનો પરિવાર સ્થાયી થયો છે જેથી તેમના પરિવાર સાથે વિદેશ રહેવા માગતા હોવાથી તેમને કોર્પોરેટર પદેથી રાજીનામું આપવું પડે જેના પગલે તેઓએ રાજીનામું આપી વિદેશમાં સ્થાયી થઈ ગયા છે. શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિને તેમણે રાજીનામું આપી દીધું છે. આ મામલે શહેર ભાજપને પણ જાણ કરી દેવામાં આવી છે. ભાજપ દ્વારા આજે રાજીનામાનો પત્ર મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવ્યો હતો. જેથી 192માંથી હવે માત્ર 191 કોર્પોરેટર રહેશે. જેમાં ભાજપના 159 કોર્પોરેટર હશે.
ઉલ્લેખનીય છે કે, ઘાટલોડિયા વોર્ડના કોર્પોરેટર મનોજ પટેલ અગાઉ પણ વિવાદમાં આવ્યા હતા. બે વર્ષ પહેલાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ સાથે ઉત્તર પશ્ચિમ ઝોનની ઓફિસે મળેલી સંકલન સમિતિમાં ભાજપના કોર્પોરેટર અને અધિકારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. કોર્પોરેટર મનોજ પટેલે આક્ષેપ કર્યો હતો કે, રખડતા ઢોર પકડવા માટે અધિકારીઓ હપ્તા લે છે. રખડતા ઢોર સહિત વિવિધ પ્રશ્નો મામલે બોલાચાલી થઈ હતી. જે બાદ ત્રણ કોર્પોરેટરો ત્યાં જ ધરણા પર બેસી ગયા હતા. પ્રજાના વિવિધ પ્રશ્નો મામલે અવાજ ઉઠાવનાર અને જેને પ્રજાએ પોતાના કિંમતી મત આપીને ચૂંટ્યા છે એવા જ કોર્પોરેટર હવે પોતે પ્રજાની સેવા કરવા નથી માગતા અને કોર્પોરેટર પદેથી રાજીનામું આપી દીધું છે.