એન.એસ.યુ.આઈ.ના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકી
અમદાવાદ
એન.એસ.યુ.આઈ.ના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે,રાષ્ટ્રીય શિક્ષણનીતિની વાતો કરતી ગુજરાતની ભાજપ સરકાર અમલવારીમાં સદંતર નિષ્ફળ નીવડી રહી છે. વારંવાર જુદા જુદા પરિપત્રો કરીને ખરેખર કોણ પરીક્ષા લેશે ? કેવી રીતે લેશે ? જવાબદારી કોની ? મુલ્યાંકન કેવી રીતે કરશે ? આવી કોઈ નક્કર પારદર્શક વ્યવસ્થા હજુ સુધી અમલવારી ન થવાને કારણે યુનીવર્સીટીના પ્રથમ વર્ષના હજારો વિદ્યાર્થીઓ અસમંજસ સ્થિતિમાં છે. લાંબા સમયથી રાષ્ટ્રીય શિક્ષણનીતિના ગુણગાન, સેમિનારો, ફોટો ફંક્શનના નામે લાખો રૂપિયાની ગ્રાન્ટો વેડફનાર શિક્ષણ વિભાગ – યુનીવર્સીટી સત્તાધીશો હજુ સુધી કોઈ ચોક્કસ પધ્ધતિને પ્રથમ સેમેસ્ટર પૂર્ણ થઇ રહ્યું હોવા છતાં આખરી ઓપ આપી શક્યા નથી આ તે કેવું શિક્ષણ મોડલ ?
ગુજરાતની વિવિધ યુનીવર્સીટીની પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા પૂર્ણ થવા આવી છે હજુ સુધી નક્કી કરી શકતા નથી કે કેટલા વિષયની પરીક્ષા યુનીવર્સીટી લેશે ? અને કેટલા વિષયની પરીક્ષા કોલેજ સત્તાધીશો લેશે ? હજારો વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી માટે ચિંતામાં છે. બીજીબાજુ રાષ્ટ્રીય શિક્ષણનીતિની અમલવારી કરવાની મોટી મોટી વાતો કરતી કે.સી.જી. માત્ર પરિપત્રો કરીને જગત જમાદારની ભૂમિકાનો દેખાડો કરી રહ્યું છે. હકીકતમાં યુનીવર્સીટી સત્તાધીશો, કે.સી.જી. અને શિક્ષણ વિભાગ વચ્ચે સંકલનનો અભાવ સ્પષ્ટ દેખાય છે ત્યારે પ્રવેશ, પરીક્ષા, પરિણામ અને પદવી આપવાની જેમની જવાબદારી છે તે યુનીવર્સીટી સત્તાધીશો કઈ રીતે પૂર્ણ કરશે તે મોટો પ્રશ્ન છે. શું આ રીતે ભણશે ગુજરાત ? શું આ રીતે આગળ વધશે ગુજરાત ?