શિયાળો શરૂ થઈ ગયો હોવા છતાં પણ હાલ બપોરના સમયે ગરમીને અહેસાસ થાય છે. ત્યારે બીજી બાજુ હવામાન વિભાગ માવઠાની આગાહીઓ પણ આપે છે. આવી સ્થિતિની વચ્ચે લોકો સતત ખાંસી અને ઉધરસો શિકાર કરી રહ્યાં છે. લોકોની રોગપ્રતિકારક શક્તિ પર પણ કોરોના બાદ ભારે ઈફેક્ટ પહોંચી છે. એવામાં ગુજરાતના માથે તોળાઈ રહ્યું છે બીજું એક મોટું સંકટ.એ સંકટનું નામ છે સ્વાઈન ફ્લૂ.
જીહાં, બદલાતી સિઝનની વચ્ચે ગુજરાતમાં વધી રહ્યાં છે સ્વાઈન ફ્લૂના કેસ. જેને કારણે આરોગ્ય વિભાગની ચિંતામાં પણ વધારો થયો છે. ગુજરાતમાં એક તરફ ફૂલ ગુલાબી ઠંડીની શરુઆત થઈ છે ત્યરે બીજી તરફ સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં સ્વાઈન ફ્લૂના નવા 41 કેસ નોંધાયા હતા.મહત્વનું છે કે, સમગ્ર દેશમાં સ્વાઇન ફ્લૂના કેસની સંખ્યામાં ગુજરાત ચોથા ક્રમે છે.
રાજ્યમાં શિયાળાની ઠંડક વચ્ચે સ્વાઈન ફ્લૂના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ દ્વારા જાહેર કરાયેલા તાજા ડેટા પ્રમાણે,ગુજરાતમાં પહેલી જાન્યુઆરી 2023થી 31મી ઓક્ટોબર સુધીમાં એટલે કે દસ મહિનામાં સ્વાઈન ફ્લૂના 170 કેસ નોંધાયા છે જેમાં ઓક્ટોબર મહિનામાં સ્વાઇન ફ્લૂના 41 કેસ નોંધાયા હતા જ્યારે ગત સપ્ટેમ્બર મહિનામાં સ્વાઈન ફ્લૂના 11 કેસ નોંધાયા હતા. જ્યારે સ્વાઇન ફ્લૂના કારણે બે દર્દીના મોત પણ થઈ ચૂક્યા છે.