ખેડા જિલ્લાના નડિયાદની નજીક આવેલા બિલોદરા ગામમાં કથિતરૂપે શંકાસ્પદ સિરપ પીધા બાદ પાંચ લોકોના મોત થયાના સમાચારે સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી છે. ત્યારે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા અડાલજ પોલીસ મથકની હદમાં આવેલ પોર ગામમાં પાન પાર્લરની આડમાં આર્યુવેદીક સિરપના નામે ચાલતાં નશાનાં કારોબારનો પર્દાફાશ કરી નશાયુક્ત 90 બોટલોનાં જથ્થા સાથે બે દુકાનદારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સિવાય પણ અડાલજ પોલીસે ઝૂંડાલમાં રેડ કરીને પાન પાર્લરની આડમાં નશાયુક્ત સિરપ વેચતા ઈસમને કુલ – 59 બોટલો સાથે ઝડપી લેવામાં આવ્યો છે.
ખેડામાં નશીલી કફ સીરપ મામલે કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેની તપાસ માટે એસઆઈટીની પણ રચના કરી દેવાઈ છે. ત્યારે કથિતરૂપે શંકાસ્પદ સિરપ પીધા બાદ પાંચ લોકોના મોત થતાં ગુજરાત પોલીસનું સફાળું દોડતું થઇ ગયું છે. આયુર્વેદ સિરપનાં નામે નશાની હાટડીઓ ચલાવતાં ઈસમોને ઝડપી પાડવાના ઉચ્ચ કક્ષાએથી આદેશો આપી દેવામાં આવ્યાં છે.
રાજ્યના વિવિધ વિસ્તારોમાં પણ નશીલા પદાર્થ મામલે તપાસનો ઉગ્ર માહોલ જોવા મળી રહ્યો છે. ગાંધીનગરમાં પણ કોઈપણ પ્રકારના પ્રિસ્કિપ્શન વગર મળતા કફ સિરપને અને પાનના ગલ્લાઓ પર મળતા હરબી જેવા પીણાથી યુવાનો નશો કરતા થઇ ગયા છે. જિલ્લા વિસ્તારમાં આર્યુવેદિક શીરપના નામે નશાકારક કેફી પીણાનું ખાનગીમાં વેચાણ કરતા સ્થળોએ તપાસ કરી સંડોવાયેલ ઇસમો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા રેન્જ આઈજી વીરેંદ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીએ આપેલ સૂચનાના પગલે એલસીબી – 2 પીઆઈ એચ પી પરમારની ટીમે હ્યુમન સોર્સના માધ્યમથી માહિતી એકત્રિત કરવાની સાથે સઘન ચેકીંગ શરૂ કરી દેવાયું છે.
જે અન્વયે અડાલજ પોલીસ મથકની હદ વિસ્તારનાં પોર ગામમાં રામદેવપીરના મંદીર નજીક ચામુંડા પાન પાર્લરમા તથા બાબા રામદેવ પાન પાર્લરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ બંને દુકાનોમાં કોઈપણ પ્રકારના લાયસન્સ વિના બેરોકટોક આયુર્વેદીક દવાની આડમા છુટકમાં કેફી પીણાનુ વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું.
જેનાં પગલે એલસીબીએ ચામુંડા પાન પાર્લરના મહેશજી રામાજી ગણેશજી ઠાકોર (રહે, ભોયણવાસ, પોર) બાબા રામદેવ પાન પાર્લરનાં સંચાલક વરૂણકુમાર ગોપાલજી ધુળાજી ઠાકોર (રહે. પગીવાસ, પોર) ની ધરપકડ કરી લેવામાં આવી છે. બંને ઈસમો પાસેથી એલસીબીએ લીલા જેવા કલરના સ્ટીકરમાં બોટલ ઉપર ‘100% Herbal SUNNINDRRA’ नामनी भोट नंग-42, HERBY FLOW ASAV ayurnet નામની ની બોટલ નંગ- 12 तेम४ ASAV AYURVEDIC PROPRIETARY MEDICINE STONE HEAL નામની બોટલ નંગ – 36 મળીને કુલ રૂ.13 હજારથી વધુની કિંમતની કુલ – 90 બોટલો જપ્ત કરી લીધી છે.
જ્યારે અડાલજ પોલીસ મથકના પીઆઈ એસ આર મુછાળની ટીમે પણ ઝૂંડાલ ગામમાં ગોકુલ પાન પાર્લરમાં રેડ કરીને આયુર્વેદિક સિરપ નામે HERBY FLOW નામની નશાયુક્ત કુલ 59 બોટલો સાથે ગણપત ઝાલાને ઝડપી લઈ કુલ રૂ. 7 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે.