ગાંધીનગર જિલ્લામાં ફરી એક વખત ભુમાફિયા સક્રિય થયા છે. ભુમાફિયાઓએ સબ રજીસ્ટ્રાર કચેરીએ ખોરજની 5100 ચોરસ મીટર જમીનના ખોટા દસ્તાવેજો બનાવીને ખોટા ખેડૂત ખાતેદાર ઉભા કરીને કરોડોની જમીન વહેચી મારવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ મામલે પોલીસ ફરિયાદ થતા ગાંધીનગર લોકલ ક્રાઈમની ટીમે તપાસ શરૂ કરીને નકલી ખેડૂતો બનીને સહી કરનારા અને ભુમાફિયા મળીને કુલ 11 લોકોની ધરપકડ કરી છે.
ખોરજની અંબિકા નગર સોસાયટીમાં રહેતા ખેડૂતે ફરિયાદ નોંધાવી હતી, કે ગામની સીમમાં તેની સર્વે નંબર 390 /1 જમીન આવેલી છે. કરોડો રૂપિયાની આ જમીનમાં તેઓ ખેતી કરી રહ્યા છે, ત્યારે આ જમીન વેચવાની હોવાની જાણ જમીન દલાલોને થતા જ બાયડના આનંદપુરા ખાતે રહેતા મુકેશભાઈ પટેલે જમીન ખરીદવાની ઈચ્છા દર્શાવી હતી, જે મુજબ જમીનનું ટાઈટલ ક્લિયર આપવાનું નક્કી થયું હતું અને તેની માટે સંદીપ પટેલે વકીલ મારફતે વાંધો મોકલીને જમીન તેમની માલિકીની હોવાનો દાવો કર્યો હતો.
આ મામલે જીતેન્દ્રભાઈને પૂછતાં જાણવા મળ્યું હતું ,કે ગત 28મી નવેમ્બરે સંદીપ પટેલની તરફેણમાં રજિસ્ટ્રાર કચેરીએ આ જમીનનો બાનાખત કરવામાં આવ્યો છે અને વકીલ, જમીન માલિકોના આઈડી, આધાર ચૂંટણી કાર્ડ પણ બતાવ્યા હતા, જેથી ખેડૂત જીતેન્દ્ર મકવાણાની સાથે સંદીપ પટેલને પણ છેતરપિંડીનો અહેસાસ થયા હોવાનું ખ્યાલ આવ્યો હતો.
આ મામલે છેતરપીંડી થયા હોવાનો ખ્યાલ આવ્યા બાદ આ બંને ખેડૂતોએ ગાંધીનગર પોલીસમાં ફરિયાદ કરી હતી, અને ગાંધીનગર લોકલ ક્રાઈમની ટીમે આ મામલે તપાસ શરૂ કરી હતી. આ જમીનમાં એક હિસેદારીની સહી બાકી હોવાથી સપ્લીમેન્ટરી કરાર કરવાનો હોવાથી ખેડૂત અને જમીન દલાલો સબ રજીસ્ટર કચેરી આવવાના હતા.
આ અંગે ખેડૂતો જીતેન્દ્રભાઈ અને સંદીપભાઈ ગાંધીનગર પોલીસને ધ્યાન દોરતા પોલીસે પણ આ મામલે સબ રજિસ્ટ્રાર કચેરીએ વોચ રાખી હતી, અને ત્યારબાદનો બોગસ બાનાખત કરાર, નકલી ખેડૂત દલાલ સહિત 11 લોકોને ઝડપી લેવામાં આવ્યા હતા, આ સંદર્ભે બાર વ્યક્તિઓ સામે ગાંધીનગર પોલીસે ગુનો દાખલ કર્યો છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.