શુક્રવારે યોજાયેલી ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ફાયર એનઓસી અને કોલના ચાર્જને બમણા કરવા ર્નિણય લેવાયો હતો. ગાંધીનગરમાં દૈનિક ૧૨ ટન કન્સ્ટ્રક્શન વેસ્ટ ઉત્પન્ન થાય છે. તેના વ્યવસ્થાપન માટે નિયમો બનાવવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી અને આ અંગેનું જાહેરનામુ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. સામાન્ય સભામાં ૧૨ જેટલી દરખાસ્તોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી. જેમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મંજૂર કરવાનો ચાર્જ રૂ.૧૭૦૦થી વધારી રૂ.૩૪૦૦ કરવાના ઠરાવને મંજૂરી અઈ હતી. આ સાથે ફાયર કોલનું સર્ટિફિકેટ લેવા ટુ-વ્હીલર માટે રૂ.૧૦૦૦ અને ૩ વ્હીલર માટે રૂ.૧૫૦૦ તેમ જ અન્ય વાહનો અને સંપત્તિ માટે રૂ.૨૦૦૦ ચાર્જ વસૂલ કરવામાં આવશે. ફટાકડા, પતંગ-દોરા હંગામી સ્ટોલને ફાયર એનઓસી ચાર્જ પેટે રૂ.૩૦૦ના બદલે રૂ.૧૦૦૦ ચૂકવવા પડશે. રીન્યૂ ન થઈ હોય તેવી મિલકતો પાસેથી નિયત ચાર્જ કરતાં ડબલ રીન્યુઅલ ચાર્જ વસૂલવામાં આવશે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઝૂંપડપટ્ટીના સ્થાને પાકા મકાન બનાવવા માટે અલગ મહેકમ ઊભું કરવાની દરખાસ્તને સામાન્ય સભાએ મંજૂરી આપી હતી. ગાંધીનગરમાં સફાઈના ખર્ચ માટે રૂ.૨૨૫૯ લાખની વધારાની ગ્રાન્ટ મંજૂર કરવા અને બજેટ રીવાઈઝ કરવાનો ર્નિણય લેવાયો હતો. મ્યુનિ.ની હદમાં વધારા બાદ સફાઈ કામગીરીના ટેન્ડર મંજૂર થયા હોવા છતાં સફાઈ ખર્ચમાં તોતિંગ વધારાના ર્નિણયથી આશ્ચર્ય ફેલાયુ હતું. આ ઉપરાંત આઉટસોર્સિંગ સ્ટાફના પગાર ખર્ચમાં રૂ.૯ કરોડનો વધારો કરવા સામાન્ય સભાએ મંજૂરી આપી હતી.
સામાન્ય સભામાં ભાજપ- કોંગ્રેસની સામસામી દલીલો
સફાઇ કર્મચારીઓને નાસ્તો આપવા ભાજપની માગણી, કોંગ્રેસે કહ્યું કેન્ટિન તો ચાલુ કરો
ગાંધીનગર
મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે સામસામી દલિલો થતી જાેવા મળી હતી. ભાજપના કોર્પોરેટરે સફાઇ કર્મચારીઓને પૌષ્ટીક નાસ્તો આપવાની માંગણી કરી હતી જેની સામે કોંગ્રેસના વિપક્ષના નેતાએ મહાનગરપાલિકામાં કેન્ટીન ચાલું કરો તેવો ટોણો માર્યો હતો.
સામાન્ય સભામાં અનફીટ જાહેર થયેલા સફાઇ કર્મચારીના વારસદારને રહેમરાહે નોકરી આપવાની દરખાસ્ત મંજૂરીમાં મૂકાઇ હતી. જેના પર બોલતા ભાજપના કોર્પોરેટર ભરત દિક્ષિતે કહ્યું હતું કે આ ર્નિણય ઘણો સારો છે. સફાઇ કર્મચારીઓની આપણે ચિંતા કરવી જાેઇએ. ઘણા કર્મચારીઓ સવારે નાસ્તો કર્યા વિના જ કામ પર આવતા હોય છે. તેમને સવારે પૌષ્ટીક નાસ્તો મળી રહે તેવી વ્યવસ્થા મહાનગરપાલિકાએ કરવી જાેઇએ. જેની સામે વિપક્ષના નેતા અંકિત બારોટે ટોણો મારતા કહ્યું હતું કે મહાનગરપાલિકાના બિલ્ડિંગમાં કેન્ટીન માટે જગ્યા રાખવામાં આવી છે પણ કેન્ટીન શરૂ કરાતી નથી. જેના કારણે કર્મચારીઓને ચા- નાસ્તાની સુવિધા મળતી નથી. આ કેન્ટીન ચાલું કરો તો પણ ઘણું કહેવાય. મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપ- કોંગ્રેસની સામસામી દલીલો કરવામાં આવી હતી.
સામાન્ય સભામાં કોર્પોરેટરે રજૂ કરેલી દરખાસ્તને મંજૂરી
છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં સપડાયેલા મહાનગરપાલિકા હસ્તકના ઢોર ડબ્બામાં વધારાની સુવિધા ઉભી કરાયા બાદ હવે મહાનગરપાલિકા દ્વારા ઢોર ડબ્બાનું નવું નામકરણ કરવામાં આવ્યું છે. આ ઢોર ડબ્બાને હવે વૃંદાવન ગૌધામ તરીકે ઓળખવામાં આવશે. સામાન્ય સભામાં કોર્પોરેટરની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. પાંચ દિવસ પહેલા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશવંત પટેલે ઢોર ડબ્બાની મુલાકાત લઇને વ્યવસ્થાઓ ચકાસી હતી. તે પછી તેમણે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને વિવિધ વ્યવસ્થાઓ માટે સૂચન કર્યા હતા. જેમાં તેમણે ઢોર ડબ્બાને વૃંદાવન નામ આપવાનું સૂચન પણ કર્યું હતું. બીજીતરફ આજે મળેલી સામાન્ય સભાના અંતમાં કોર્પોરેટર અનીલસિંહ વાઘેલાએ સેક્ટર-૩૦માં આવેલા ઢોરના ડબ્બાનું નામ બદલીને વૃંદાવન નિવાસ કરવાની દરખાસ્ત રજૂ કરી હતી જેને કોર્પોરેટર દિપ્તીબેન પટેલે ટેકો આપ્યો હતો.આ દરખાસ્તનો સ્વીકાર કરતા મેયરે જણાવ્યું હતું કે ઢોરના ડબ્બામાં ગાય તેમજ અન્ય પશુઓની સારસંભાળ કરવામાં આવે છે. ગાય એ હિન્દુ ધર્મમાં આસ્થાનું પ્રતીક છે, તેમજ સદીઓથી ગાય માતાનું પૂજન થાય છે. ગાય માતાનું જેટલુ આધ્યાત્મિક મહત્વ છે તેટલું જ વૈજ્ઞાનિક મહત્વ પણ છે. જેથી ઢોર ડબ્બાનું નામ વૃંદાવન ગૌધામ રાખવામાં આવે છે.વિપક્ષના નેતા અંકિત બારોટે કહ્યું હતું કે ઢોરના ડબ્બાનું નામ ભગવાન શ્રીકૃષ્ણ સાથે જાેડી રહ્યા છો તે સારી બાબત છે પણ નામ બદલવાની સાથે ગાય માતાને તકલીફ ન પડે અને નિયમિત સાર-સંભાળ થાય તેવી વ્યવસ્થાઓ પણ ઉભી કરજાે.