હાલમાં દેશનાં ચાર રાજ્યો- રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થઈ રહ્યાં છે. જેમાં મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપની બહુમતી દેખાઈ રહી છે.ખાસ કરીને મધ્યપ્રદેશમાં ભાજપ પ્રચંડ જીત તરફ આગળ વધી રહી છે. પરિણામના શરૂઆતી વલણમાં ભાજપને ભારે બહુમતી મળતી દેખાઈ રહી છે.
મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર બને છે તો મુખ્યમંત્રી કોણ બનશે?
230 વિધાનસભાની સીટો ધરાવતા મધ્યપ્રદેશમાં ભાજપ 140 થી વધુ સીટોમાં આગળ દેખાઈ રહી છે. મહત્વનું છે કે અંહિયા બહુમતી માટે 116 સીટોની જરૂર હોય છે અને હાલ ભાજપ તેનાથી ઘણી આગલો ચાલી રહી છે. તેની સામે કોંગ્રેસના ખાતા આશરે 90 સીટો આવી શકે છે. આ આંકડાઓ પરથી પરિણામ લગભગ સ્પષ્ટ થઈ ગયું છે પણ હવે સવાલ એ છે કે જો મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર બને છે તો મુખ્યમંત્રી કોણ બનશે? શું ભાજપ શિવરાજ સિંહ ચૌહાણને મોકો આપશે કે પછી મધ્યપ્રદેશને મુખ્યમંત્રી તરીકે કોઈ નવો ચહેરો મળશે.
ભાજપે કોઈને સીએમ ચહેરા તરીકે જાહેર કર્યા નથી
મધ્યપ્રદેશમાં ભાજપે કોઈને સીએમ ચહેરા તરીકે જાહેર કર્યા ન હતા, પરંતુ શિવરાજ સિંહ ચૌહાણ ચૂંટણીમાં આગળ હતા. આ યુદ્ધ શિવરાજ અને કમલનાથ વચ્ચે હોવાનું માનવામાં આવતું હતું. આવી સ્થિતિમાં શિવરાજની લોકપ્રિયતા કમલનાથ કરતાં વધી ગઈ છે. એક્ઝિટ પોલ સર્વેમાં શિવરાજ પ્રથમ પસંદગી તરીકે સામે આવ્યા છે. ભાજપને આનો ફાયદો ચૂંટણીમાં થતો જોવા મળી રહ્યો છે. જો ભાજપ શિવરાજ સિંહની જગ્યાએ કોઈ બીજા નેતાને કમાન સોંપવા માંગશે તો મુખ્યમંત્રી પદ સંભાળવા કોણ કોણ દાવેદાર છે? ચાલો એ નામ પર એક નજર નાખીએ..
મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહ નહીં તો કોણ?
વાત એમ છે કે રાજનીતિની ગલીઓમાં એવી ચર્ચા છે કે આ વખતે ભાજપ મધ્યપ્રદેશના તેમના મુખ્યમંત્રી ચહેરાને બદલી શકે છે અને શિવરાજ સિંહ સિવાય કોઈ બીજાને મોકો આપી શકે છે. મહત્વનું છે કે એમપીમાં આ વખતે ઘણા કેન્દ્રીય મંત્રી ચૂંટણી લડી રહ્યા છે જેમાં નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહલાદ પટેલનું નામ પણ સામેલ છે. આ સિવાય કૈલાશ વિજયવર્ગીય જેવા દિગ્ગજ નેતા પણ મેદાનમાં છે. સાથે જ એમપીના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા અને કેન્દ્રીય મંત્રી જ્યોતીન્દ્ર સિંધિયા પણ મુખ્યમંત્રી પદના દાવેદાર બની શકે છે.
શિવરાજ સૌથી પ્રબળ દાવેદાર છે
ચૂંટણીમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે એકલા હાથે બેટિંગ કરી છે. તેમણે 160 થી વધુ રેલીઓ કરી છે પણ જ્યારે ગ્વાલિયરમાં મુખ્યમંત્રી શિવરાજને પણ આ સવાલ પૂછવામાં આવ્યો હતો કે તમે પાંચમી વખત મુખ્યમંત્રી ક્યારે બનશો? ત્યારે એમને ભારતીય જનતા પાર્ટી ઝિંદાબાદ કહીને પ્રશ્નનો જવાબ આપ્યો હતો. આનો સ્પષ્ટ અર્થ છે કે તેના નામ અંગે હજુ પણ શંકા છે.
પ્રહલાદસિંહ પટેલ
કેન્દ્રીય મંત્રી પ્રહલાદસિંહ પટેલનું નામ સૌથી વધુ ચર્ચામાં છે. શિવરાજ બાદ રાજ્યમાં ભાજપના OBC વર્ગના સૌથી મોટા ચહેરાઓમાં પ્રહલાદ પટેલનું નામ સૌથી આગળ છે.
ફગ્ગન સિંહ કુલસ્તે
જો કે ભાજપમાં સૌથી મોટા આદિવાસી નેતા ફગ્ગન સિંહ કુલસ્તેનું નામ પણ ચર્ચામાં છે. જો કુલસ્તેમાં પરિણામ ભાજપની તરફેણમાં આવશે તો પાર્ટી એમને તક આપી શકે છે.
નરેન્દ્ર સિંહ તોમર
કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને પણ મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ચૂંટણીના શરૂઆતના દિવસોમાં તે ફ્રન્ટ ફૂટ પર બેટિંગ કરી રહ્યા હતા.
વીડી શર્મા
આ સાથે બીજેપી પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માનું નામ પણ ચર્ચામાં છે. ચૂંટણી રેલી દરમિયાન પીએમ સ્ટેજ પરથી પીઠ થપથપાવતા જોવા મળ્યા હતા. તેમજ ઈન્દોરની રેલીમાં પીએમ મોદી સાથે રોડ શોમાં વીડી શર્મા હાજર હતા.
કૈલાશ વિજયવર્ગીય
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયનો પણ દાવો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન કૈલાશ સંકેત આપી રહ્યા છે કે તેઓ ધારાસભ્ય બનવા આવ્યા નથી.