ગુજરાત સરકાર માં મેનપાવર ક્રાઇસિસ શરૂ થઈ ચૂકી છે. ચાલુ વર્ષના અંતે 17500 અને 2021 તેમજ 2022માં 34000 જેટલા કર્મચારીઓ વયનિવૃત્ત થઇ રહ્યાં છે ત્યારે જ મોટાપાયે ભરતી નહીં થાય તો મોટાભાગના વિભાગોમાં 50 ટકા જેટલો સ્ટાફ બચ્યો હશે. સરકારના વિભાગમાં એક કર્મચારી ત્રણ વ્યક્તિનું કામ કરતો હશે. ગુજરાત સરકારમાં 23 વિભાગોમાં નિવૃત્તિ થી ખાલી પડેલી જગ્યાઓ માં પ્રતિવર્ષ 18000નો વધારો થઇ રહ્યો છે છતાં સરકાર તમામ ખાલી પદો ભરવા ઇચ્છુક નથી. ઘણાં વિભાગોમાં એક કર્મચારી બેવડા હોદ્દો ધરાવે છે. ગુજરાતમાં 2019 ના અંતે 18000 કર્મચારીઓ નિવૃત્ત થયાં છે જેની સામે સરકારના ભરતી કેલેન્ડરમાં માત્ર 10 હજાર જેટલી જગ્યાઓ ભરવા માટેની જોગવાઇ કરવામાં આવી હતી.
ગુજરાતમાં 2020 ના વર્ષના અંતે 175002021 ના વર્ષમા 18500 અને 2022 ના અંતે અંદાજે 17000 જેટલી જગ્યાઓ ખાલી પડી રહી છે, જો કે આ જગ્યાઓમાં વર્ષે 5000 શિક્ષકોની જગ્યાઓ ખાલી પડતી હોય છે. છેલ્લા પાંચ વર્ષમાં 80 હજારથી વધુ સરકારી કર્મચારી ગુજરાતમાંથી નિવૃત્ત થયા છે. રાજ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ વિશ્રુભાઇ પટેલ કહે છે કે એક સમય એવો હતો કે ગુજરાતમાં તલાટીની 250 જેટલી જગ્યાઓ માટે 11 લાખ ઉમેદવારી પત્રો ભરાયા હતા જેમાં મહત્વની બાબત એવી છે કે એમબીએ અને તેનાથી વધુ અભ્યાસ કર્યો હોય તેવા ઉમેદવારો વધારે પ્રમાણમાં જોવા મળ્યા હતા. એવી જ રીતે એસટી નિગમમાં 1200 જગ્યા સામે 12 લાખ ઉમેદવારો ઉમેદવારી કરી હતી. આ મહામંડળના બીજા સિનિયર હોદ્દેદારો ગીરીશ રાવલ કહે છે કે આટલી મોટી સંખ્યા ઉમેદવારો જોતાં ગુજરાતમાં રોજગારીની સ્થિતિ કેવી છે તેનો ખ્યાલ આવે છે. કોરોના સંક્રમણના કારણે હવે તો પ્રાઇવેટ નોકરી છૂટી જતાં લાખો યુવાનો બેકાર થયાં છે. સરકારે પ્રતિવર્ષ નિવૃત્ત થતાં 17000 જેટલા કર્મચારીઓ સામે તેટલી જ સંખ્યામાં ભરતી કરવાની આવશ્યકતા છે. અને સરકારને ભરતી માટે વારંવાર કહ્યા પછી ભરતીનું કેલેન્ડર બનાવવામાં આવ્યું છે પરંતુ તેનું પાલન થતું નથી.