મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તા. ૯ ડિસેમ્બર, ૨૦૨૩, શનિવારના રોજ ગાંધીનગર જિલ્લાના લવારપુર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થશે અને તેનું નેતૃત્વ કરશે. આ યાત્રા દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી બપોરે ૧૨-૩૦ કલાકે વિકસિત ભારત સંકલ્પ યાત્રા (વીબીએસવાય)ના દેશભરના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સંવાદ કરવાના છે.
આ કાર્યક્રમમાં દેશભરના હજારો વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ વર્ચ્યુઅલ રીતે જોડાશે. આ સિવાય સમગ્ર દેશમાંથી બે હજારથી વધુ વીબીએસવાય વાન, હજારો કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (કેવીકે) અને કોમન સર્વિસ સેન્ટર્સ (સીએસસી) પણ જોડવામાં આવશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સ્તરના પ્રતિનિધિઓ પણ જોડાશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરકારની ફ્લેગશીપ લોકકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધારીને સો ટકા સેચ્યુરેશનથી જનજન સુધી વધારવાના હેતુથી દેશભરમાં તા. ૧૫ નવેમ્બર, ૨૦૨૩થી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ શરૂ કરાવી છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨૦૨૩’ ચાલી રહી છે. જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રીએ બનાસકાંઠાના દાંતાથી શરૂ કરાવેલી આ યાત્રાને રાજ્યભરમાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.
તા. ૦૬ ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં ૩૩ જિલ્લાઓની ૩,૬૨૦ ગ્રામ પંચાયતોમાં અંદાજે ૧૦,૫૧,૫૦૧ ભાઇઓ અને બહેનો વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉત્સાહભેર સહભાગી થયા હતા. આ યાત્રા દરમિયાન રાજ્યમાં કુલ ૯.૭૨ લાખથી વધુ નાગરિકોએ વિવિધ સંકલ્પ લીધા હતા. આ પ્રસંગે ૨,૦૭,૭૧૨ નવા આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવ્યા હતા, જેમાંથી ૧,૩૦,૭૫૪ કાર્ડનું મહાનુભાવોના હસ્તે યાત્રા દરમિયાન સ્થળ પર જ વિતરણ કરાયું હતું.
આ યાત્રા દરમિયાન વિવિધ ગામોમાં આયોજિત આરોગ્ય કેમ્પમાં કુલ ૪,૮૦,૩૨૪ નાગરિકોએ આરોગ્ય તપાસ કરાવી હતી. ઉપરાંત ૨,૬૧,૩૪૨ વ્યક્તિઓની ટી.બી.રોગની તપાસ તેમજ ૬૦,૩૭૭ વ્યક્તિઓની સિકલ સેલની તપાસ કરાઇ હતી. ૧૦,૬૨૬ મહિલાઓને, ૧૩,૦૨૫ વિદ્યાર્થીઓને, ૩,૩૯૮ રમતવીરોને તેમજ ૨,૮૪૫ સ્થાનિક કલાકારીગરોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત ૧૫,૬૭૪ લાભાર્થીઓ સરકારની યોજનાઓથી પોતાના જીવનમાં આવેલા હકારાત્મક પરિવર્તનના અનુભવો વર્ણવ્યાં હતાં. ૨,૨૩૪ ગામોમાં ડ્રોન નિદર્શન તેમજ ખાસ ‘સોઈલ હેલ્થ કાર્ડ’ ઝૂંબેશ અંતર્ગત ૯,૮૭૩ નિદર્શન કરાયા હતા. રાજ્યમાં જૈવિક ખેતી કરતા ૪૨,૯૩૫ જેટલા ખેડૂતો સાથે વાર્તાલાપ પણ યોજાયો હતો. ૩,૨૮૪ ગ્રામ પંચાયતોને ૧૦૦ ટકા જલ જીવન મિશન અંતર્ગત જ્યારે ૨,૪૮૭ ગ્રામ પંચાયતોને ૧૦૦ ટકા પી.એમ.જનધન યોજના હેઠળ આવરી લેવામાં આવી છે. વધુમાં ૨,૯૮૮ ગ્રામ પંચાયતોને ૧૦૦ ટકા પી.એમ.કિસાન યોજના અંતર્ગત સાંકળી લેવામાં આવી છે.
આવી અનેકવિધ કલ્યાણ યોજનાઓને આગળ ધપાવવાના જનઆંદોલનરૂપ આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ગાંધીનગર જિલ્લના લવારપુર ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની તથા પ્રાકૃતિક ખેતી જેવી માહિતી આપતા સ્ટોલ્સની મુલાકાત લેશે.
આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રી યોજનાઓના લાભાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કરશે તેમજ ડ્રોન નિદર્શન કરવામાં આવશે અને વિવિધ યોજનાઓના લાભાર્થીઓ ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત લાભાર્થીઓ તેમણે મેળવેલા લાભ અંગે પ્રતિભાવો રજૂ કરશે.
વિકસિત ભારત યાત્રાના ભાગરૂપે રાજ્ય સરકારના તમામ મંત્રીશ્રીઓ, ઉપાધ્યક્ષશ્રી અને દંડકશ્રીઓ આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના જુદા જુદા સ્થળેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જોડાઈને લાભાર્થીઓનો ઉત્સાહ વધારશે.
મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ નવસારી અને વલસાડ જિલ્લાઓમાં, મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અમદાવાદ, મહેસાણા, ખેડા અને આણંદ જિલ્લાઓમાં, મંત્રી શ્રી રાઘવજીભાઈ રાજકોટ તથા જામનગરમાં, મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં, મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા દેવભૂમિ દ્વારકા, રાજકોટ તથા અમદાવાદ જિલ્લામાં જુદા-જુદા સ્થળે આ યાત્રામાં જોડાશે.
મંત્રી શ્રી મુળુભાઈ બેરા જામનગર, દેવભૂમિ દ્વારકા અને રાજકોટ, મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર દાહોદ અને પંચમહાલમાં તથા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા રાજકોટ જિલ્લા ખાતે સહભાગી થશે.
વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ પંચમહાલ જિલ્લામાં, રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સુરત અને વડોદરા જિલ્લામાં, રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા ખેડા, અમદાવાદ અને મહેસાણા જિલ્લામાં, રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડ દાહોદ જિલ્લામાં, રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા સુરત મ્યુનિસિપલ વિસ્તારમાં, રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર અરવલ્લી જિલ્લામાં, રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સુરત અને તાપી જિલ્લામાં અલગ-અલગ સ્થળેથી સહભાગી થશે.
આ ઉપરાંત મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણ શુક્લ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં, નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ સ્થળોએ, નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરીયા અમરેલી જિલ્લામાં, નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી આણંદ જિલ્લામાં અને નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ ડાંગ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લેશે.
ઉલ્લેખનીય છે કે, આ યાત્રા થકી સરકાર ગામડે જઈને, સરકારના કર્મનિષ્ઠ કર્મયોગીઓ મારફતે ગામે ગામના પાત્ર લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓના લાભ આપી રહ્યા છે. તેની સાથે આ યાત્રાના માધ્યમથી નાગરિકો પણ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓથી વાકેફ થઈ રહ્યાં છે.