ભારત સરકારે દેશભરમાં સાયબર એટેકને લઈને એલર્ટ જાહેર કર્યું છે. જણાવી દઈએ કે, સૌથી મોટા હેકરે સાયબર હુમલાની ધમકી આપ્યા બાદ મોદી સરકારે દેશની સામાન્ય જનતાને એલર્ટ જાહેર કર્યું છે. સૌથી મોટા હેકર ગ્રુપ્સમાંના એક ગ્રુપે ભારતીય વેબસાઇટ્સ અને ક્રિટિકલ વેબસાઇટ્સ પર સાયબર એટેકની જાહેરાત કરી છે. ત્યારે આ મામલાની ગંભીરતાને સમજીને ભારત સરકારે દરેકને એલર્ટ જાહેર કર્યું છે.
સરકારે હવે મંત્રાલય અને તમામ વિભાગોને કોઈપણ અનધિકૃત પહોંચને રોકવા માટે તેમના સાયબર સેફટી પ્રોસેસને સજ્જડ કરવા માટે કહ્યું છે. તેમને સાયબર હાઈજીન ઓપરેટિંગ પ્રોસીજર (SoPs)નું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. સાથે જ તમામ ડેટાને સુરક્ષિત રાખવા અને હેકિંગથી બચવા માટે તમામ જરૂરી પગલાં ભરવાનું કહેવામાં આવ્યું છે.
સાયબર એટેકની ધમકી બાદ ખાસ કરીને કેન્દ્રીય એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. હેલ્થ સેક્ટર સાયબર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રાઈમરી ટાર્ગેટ હોવો જોઈએ. વધતી ચિંતાનું કારણ એ છે કે હેલ્થ સેક્ટર હંમેશા હેકર્સના રડાર પર રહે છે. ખાસ કરીને કોવિડ-19 મહામારી બાદ આ જોખમ વધી ગયું છે. જેને લઈને એજન્સીઓએ સંબંધિત મંત્રાલયો અને વિભાગોને સક્રિયપણે એલર્ટ રહેવા માટે કહ્યું છે. કારણ કે જો આવો કોઈ સાયબર એટેક થાય, તો તેમના પ્રયત્નોને નાકામ કરી શકાય.
સાયબર ધમકીઓ માટે કુખ્યાત પાકિસ્તાન અને ઈન્ડોનેશિયાના હેકર ગ્રુપ્સે 11 ડિસેમ્બરે ‘સાયબર પાર્ટી’ની જાહેરાત કરી છે. આ જાહેરાત તેની ટેલિગ્રામ ચેનલ પર કરવામાં આવી હતી, જ્યાં તેઓ ગર્વથી 4,000થી વધુ સદસ્યતાનો દાવો કરે છે. આ જ ગ્રુપે અગાઉ 12,000 સરકારી વેબસાઈટને નિશાન બનાવીને ‘રેડ નોટિસ’ જાહેર કરી હતી. આ ગ્રુપે અગાઉ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, સ્વીડન અને ઈઝરાયલ જેવા દેશો પર પણ સાયબર એટેકનો પ્રયાસ કર્યો હતો.
સાયબર સિક્યોરિટી ફર્મ સાયફિરમા અનુસાર, વર્ષ 2022માં વિશ્વભરમાં થયેલા સાયબર એટેક્સમાંથી 13.7 ટકા સાયબર એટેક ભારતમાં થયા છે. જેમાં અમેરિકા 9.6 ટકા સાથે બીજા સ્થાને, ઈન્ડોનેશિયા 9.3 ટકા સાથે ત્રીજા સ્થાને અને ચીન 4.5 ટકા સાથે ચોથા સ્થાને રહ્યું હતું. રિપોર્ટમાં દાવો કરાયો છે કે 2022માં ભારતમાં સરકારી એજન્સીઓ પર સાયબર હુમલાની સંખ્યા બમણી થઈ ગઈ છે.