ગાંધીનગરમાં સરકારી અધિકારી- કર્મચારીઓને રાહતદરે મળેલા રહેણાંક પ્લોટની વેચાણ મંજૂરી સુપ્રીમ કોર્ટના સ્ટેને કારણે લાંબા સમયથી બંધ હોવાથી સંજોગોવસાત મકાન વેચવું પડે તેવી સ્થિતિમાં કર્મચારીઓને મુશ્કેલી પડતી હોવાથી આ મામલે ધારાસભ્ય રીટાબેન પટેલ સાથે પ્લોટધારકોની યોજાયેલી બેઠકમાં સુપ્રીમ કોર્ટમાં આખરી સુનાવણી માટે સામૂહિક પિટીશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગાંધીનગરની પાટનગર તરીકેની સ્થાપના પછી સરકાર દ્વારા અધિકારીઓ-કર્મચારીઓને સરકાર દ્વારા રાહત દરે પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી જેને સરકારી નિયમોનુસાર વેચવાની મંજૂરી નહોતી પરંતુ આ ફાળવણીને નિવૃત્તિ બાદ લાંબો સમય વીત્યા પછી સંજોગોવસાત વેચવાની જરૂરિયાત ઉભી થતાં તે માટે મંજૂરી માંગવામાં આવી હતી પરંતુ તેના પર હાલ સુપ્રીમ કોર્ટની મનાઈ છે. આ અંગે સુપ્રિમકોર્ટમાં કેસની સ્થિતિ અને આખરી સુનવણી માટે પ્રયત્ન કરવા અંગે બેઠકમાં ચર્ચા થઇ હતી. ધારાસભ્ય રીટાબેન પટેલે જણાવ્યું હતું કે આપણે સૌ સાથે મળીને લડત આપીશું તો ચોક્કસ તેનો ઉકેલ આવશે, કોઈ પ્લોટધારકને મોટો આર્થિક બોજો પડે નહીં તેથી સાથે મળીને લડવાનું નક્કી કર્યુ છે. ઉપસ્થિત સૌ પ્લોટધારકે પિટિશનમાં સામૂહિક રીતે જોડાવા માટે સર્વાનુમતે મૌખિક સંમતિ આપી હતી જેને અનુલક્ષીને આગામી 10 દિવસમાં એટલે કે તારીખ 21 ડિસેમ્બર સુધીમાં ધારાસભ્યના જનસંપર્ક કાર્યાલયે પ્લોટધારકોએ પોતાનું નામ અને જરૂરી વિગતો નોંધાવવાનું તેમજ સોગંદનામુ કરીને આપવા જણાવાયું હતું.