રાજસ્થાનના જયપુરમાં 5 ડિસેમ્બરે થયેલી કરણી સેના ચીફ ગોગામેડીની હત્યામાં વધુ ખુલાસો સામે આવ્યો છે. ખુલાસો એવો છે કે હત્યા પહેલા નવીને તેના મોબાઈલથી વિદેશમાં બેઠેલા ગેંગસ્ટર રોહિત ગોદારા સાથે ગોગામેડીની વાત કરાવી હતી.
નવીન શેખાવતના મોબાઈલની કોલ ડિટેઈલ્સ પરથી પોલીસને મહત્વની માહિતી મળી છે. જાણવા મળ્યું છે કે, હત્યા પહેલા નવીને પોતાના મોબાઈલમાંથી વિદેશમાં બેઠેલા ગેંગસ્ટર રોહિત ગોદારા સાથે ગોગામેડીની વાત કરાવી હતી. આ વાતચીત દરમિયાન બંને વચ્ચે માથાકૂટ થઈ હતી અને આ દરમિયાન જ નવીન સાથે આવેલા બે હત્યારા રોહિત રાઠોડ અને નીતિન ફોજીએ ગોગામેડી પર ધડાધડ ગોળીઓ વરસાવવા લાગ્યાં હતા. સીસીટીવી કેમેરામાં પણ ગોગામેડી ફોન પર વાત કરતા નજરે પડે છે.
જયપુરમાં 5 ડિસેમ્બરના રોજ આ હત્યા થઇ હતી. નીતિન ફૌજી અને રોહિત રાઠોડે સુખદેવસિંહ ગોગામેડીના ઘરમાં ઘૂસીને હત્યા કરી હતી. આ દરમિયાન તેણે પોતાની સાથે આવેલા નવીન શેખાવતની હત્યા કરી નાખી હતી. આ સાથે જ ઘરમાં હાજર અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ હુમલાની જવાબદારી ગેંગસ્ટર રોહિત ગોદારાની ગેંગે લીધી છે. એવું માનવામાં આવે છે કે નવીન શેખાવત રોહિત ગોદરા અને લોરેન્સ બિશ્નોઇ ગેંગ સાથે પણ સંકળાયેલો હતો અને આ જ શૂટર તેની સાથે નીતિન ફૌજી અને રોહિત રાઠોડને ગોગામેડીના ઘરે લઈ ગયો હતો. જો કે શૂટરોએ ગોગામેડીની હત્યા કરતા નવીનની પણ હત્યા કરી નાખી હતી.
કાપડનો વેપારી નવીન શેખાવત જયપુરમાં રહેતો હતો અને પહેલા ગોગામેડી સાથે સંકળાયેલો હતો, તે ગોગામેડી પાસે આવતો-જતો હતો. હત્યાના દિવસે તે તેના ફુઈના છોકરાના લગ્નની કંકોત્રી આપવા માટે તેમના ઘેર આવ્યો હતો અને સાથે બે હત્યારા પણ લાવ્યો હતો. જયપુરમાં ગોગામેડીની હત્યાનું કાવતરું ઘડાયું હોવાના પુરાવા મળ્યા છે.
ગોળીબારમાં મૃત્યુ પામેલા નવીનસિંહ શેખાવતે 30 નવેમ્બરના રોજ વૈશાલી નગરથી સ્કોર્પિયો કાર ભાડે લીધી હતી. હત્યા બાદ આ ગાડી દ્વારા ભાગવાનો પણ હત્યારાઓનો પ્લાન હતો. પરંતુ સમય ન મળ્યો તો 5 ડિસેમ્બરે સવારે ફરી કંપનીમાં ગયો અને 2 હજાર રૂપિયા જમા કરાવીને વધુ એક દિવસ માટે કાર ભાડે રાખી હતી. જયપુરના ઝોટવાડામાં નવીન શેખાવત, શૂટર રોહિત રાઠોડ અને નીતિન ફૌજીએ સુખદેવ સિંહ ગોગામેડીના સન્માન માટે 2 શાલ અને સાફો ખરીદ્યો હતો જે લઈને બધા ગોગામેડીના ઘેર આવ્યાં હતા.
સુખદેવ સિંહ ગોગામેડીને સૌથી પહેલા 22 વર્ષના નીતિન ફૌજીએ ગોળી મારી હતી. નજીકમાં બેઠેલા નવીને જ્યારે તેને રોકવાની કોશિશ કરી તો તેને પણ ગોળી મારી દીધી હતી. હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના દૌગરા જાટ ગામના રહેવાસી નીતિન ફૌજી સેનામાં કામ કરી રહ્યા છે અને હાલ તેમની પોસ્ટિંગ અલવરમાં જણાવવામાં આવી રહી છે. નીતિન ફૌજીના પિતા અશોક કુમાર પણ સેનામાંથી નિવૃત્ત છે. બીજો શૂટર રોહિત રાઠોડ રાજસ્થાનના નાગૌર જિલ્લાનો રહેવાસી છે. તેના પાડોશીઓનું કહેવું છે કે રોહિત રાઠોડની પોક્સો એક્ટ હેઠળ પહેલા એક વખત ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ જેલમાં ગયા બાદ તે ઘણા ગેંગસ્ટરોના સંપર્કમાં આવ્યો હતો.