ગાંધીનગરના એક ગામમાં આંતર જ્ઞાતિય પ્રેમી પંખીડાએ બે મહિના અગાઉ ભાગીને લગ્ન કરી લેતાં બે પરિવારો વચ્ચે ડખો પડ્યો છે. આ મુદ્દે બંને પરિવારો આમને સામે આવી એકબીજા પર લાકડીઓ વડે હુમલો કરતા પેથાપુર પોલીસ મથકમાં સામ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગરનાં એક ગામે રહેતી યુવતી અને યુવકે બે માસ અગાઉ ભાગીને લગ્ન કરી લીધા હતા. આથી ગઈકાલે ગામની ભાગોળે મળેલા યુવતીના પિતાએ યુવકના પિતાને પુછ્યું કે મારી દીકરી ક્યા છે, પણ યુવકના પિતા કોઇ જવાબ આપ્યા વગર ત્યાંથી નીકળી ગયા હતા.
બાદમાં બપોરના સમયે યુવકના પિતા તેઓના ત્રણ ભાઈઓ અને પત્ની તેમજ બેન બનેવી સાથે યુવતીના પિતાના ઘરે લાકડીઓ – ધોકા લઈને પહોંચી ગાળાગાળી કરવા લાગ્યા હતા. એટલે યુવતીની માતાએ ગાળો નહીં બોલવાનું કહેતા ઉશ્કેરાઈ જઈ યુવકના પિતાએ ‘તારી દીકરી હવે તને નહીં મળે’ તેમ કહી લાકડી યુવતીના પિતાને મારી દીધી હતી. બાદમાં બધાએ ભેગા મળી મારામારી કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા એટલે યુવતીના પિતાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી બધા લોકો જતાં રહ્યાં હતાં.
બીજી તરફ યુવકની માતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, લવ મેરેજ કર્યા પછી દીકરો ક્યાં રહે છે એની તેમને ખબર નથી. ગઈકાલે તેઓ પતિ સહિતના પરિવારજનો ઘરે હાજર હતા. એ વખતે યુવતીના પિતા અને માતા સહિતના તેમના ઘરે ગયા હતા અને બૂમો પાડીને ગાળો બોલવા લાગ્યા હતા અને લાકડી વડે હૂમલો કર્યો હતો. જ્યારે યુવતીના પિતાએ ધારિયું પણ તેમના સગાને આંગળીએ માર્યું હતું. બાદમાં આસપાસના લોકો એકઠા થઈ જતાં બધા જાનથી મારી નાખવાની ધમકીઓ આપી જતાં રહ્યાં હતાં. આ મામલે પેથાપુર પોલીસે બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.