ગાંધીનગરના પેથાપુર પોલીસ મથકની હદ વિસ્તારના એક ગામમાં 17 વર્ષની સગીરાને પ્રેમના પાઠ ભણાવી પાડોશી યુવાન એકલતાનો લાભ ઉઠાવી દેહ ચૂંથતો રહ્યો હતો. જો કે સગીરાને પેટમાં દુખાવો ઉપડતાં પરિવારજનો સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં લેબર પેઇન હોવાનું નિદાન થયા પછી સગીરાએ બાળકીને અધૂરાં મહિને જન્મ આપતાં પાડોશી યુવાનની કરતૂત બહાર આવી છે. જો કે ગણતરીના કલાકોમાં બાળકીનું મોત થયું હતું. આ મામલે પોલીસે પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી દુષ્કર્મી યુવાનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગરનાં પેથાપુર પોલીસ મથકની હદ વિસ્તારમાં મા-બાપ માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પાડોશીનાં ઘરે રમવા જતી સગીરાને 20 વર્ષના યુવાને પ્રેમના પાઠ ભણાવી ગર્ભવતી બનાવી દીધી હોવા છતાં પરિવારજનોને ગંધ શુદ્ધા આવી ન હતી. ત્યારે સગીરાને પેટના દુઃખાવો ઉપડતા યુવાનની કરતૂતનો ભાંડો ફૂટી ગયો હતો. વાસ્તવમાં સગીરાને લેબર પેઈનના કારણે અસહ્ય દુઃખાવો થતો હતો. બાદમાં સગીરાએ અધૂરા માસે બાળકીને જન્મ આપ્યો હતો. જેનું ગણતરીનાં કલાકોમાં મોત થતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર પેથાપુર પોલીસ મથકની હદ વિસ્તારના એક ગામમાં એકજ જ્ઞાતિનાં બે સુખી સંપન્ન પરિવારો રહે છે. એક જ સમાજના હોવાથી બંને પરિવાર વચ્ચે પારિવારિક સંબંધો પણ હતા. જેનાં કારણે એક પરિવારની સગીરા ચાર પાંચ વર્ષથી પાડોશમાં રમવા માટે જતી આવતી હતી. જેની હાલમાં ઉંમર 17 વર્ષને એક મહિનો છે. આ દરમ્યાન પાડોશી યુવકે સગીરાને પ્રેમના પાઠ શીખવ્યા હતા. ધીમે ધીમે એકલતાનો લાભ ઉઠાવી સગીરાને શારીરિક અડપલાં કર્યા કરતો હતો. ત્યારે દસેક મહિના અગાઉ એકલતાનો લાભ ઉઠાવી યુવાને સગીરા સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.
જે પછીથી એકલતાનો આ સિલસિલો યથાવત થઈ ગયો હતો. અને સગીરાએ માસિક ધર્મ અંગેની વાત છુપાવી રાખી હતી. એટલે તેની માતાને પણ કશી ખબર પડી ન હતી. પરંતુ સગીરાએ બાળ સહજ વૃત્તિ છુપાવી રાખેલ વાત જાહેર થયા વિના રહી ન હતી. સગીરાને અચાનક પેટમાં દુખાવો શરૂ થઈ ગયો હતો. જેથી કરી માતા પિતા સરકારી હોસ્પિટલ દોડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે લેબર પેઇન હોવાનું નિદાન કર્યું હતું.
બાદમાં સગીરાએ અધૂરા માસે બાળકીને જન્મ આપ્યો હતો. જે અંગે પરિવારે વિગતવાર પૂછતાંછ કરતાં પાડોશી યુવાનની કરતૂતનો ભાંડો ફૂટીને બહાર આવ્યો હતો. જો કે પાડોશી યુવકે સગીરાને તરછોડી દીધી હોવાનું બહાર આવતા સમગ્ર મામલે પોલીસ મથકે પહોંચ્યો હતો. આ અંગે પોલીસેં પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી બળાત્કારી યુવાનની ધરપકડ પણ કરી લેવાઈ છે.