ગુજરાતના ઉમિયાધામ ફાઉન્ડેશનના પ્રમુખે દિકરીઓના લગ્નને લઈને મોટું નિવેદન આપ્યું છે. પ્રમુખ R.P. Patel એ એક સ્નેહમિલન કાર્યક્રમમાં સૂચન કર્યું છે કે પાટીદાર દિકરીઓ ભાગીને લગ્ન ના કરે અને અન્ય સમાજમાં લગ્ન ના કરે માટે તેમને ઘરમાં જ વધુ પ્રેમ અને હૂંફ આપો. નોંધનીય છે કે વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન પાટીદાર સમાજની એકતાનું પ્રતીક છે.
આ ફાઉન્ડેશન દ્વારા અનેક ઉમદા કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. હાલમાં જાસપુર ખાતે વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન (VUF)નો સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં દિકરીઓના ઉછેર અને લગ્નને લઈને પ્રમુખ R.P. Patel દ્વારા મહત્વના સૂચનો કરવામાં આવ્યા હતા.
દેશમાં લગ્નેતર સંબંધો, પ્રેમ-લગ્ન અને લવ જેહાદના કિસ્સાઓ વધી રહ્યા છે. આ બાબતોને લઈને છેલ્લા ઘણા સમયથી પ્રેમલગ્નમાં માતા-પિતાની સહી લેવાને ફરજીયાત બનાવવા અંગે વિચારણા ચાલી રહી છે. પાટીદાર સમાજે આ બાબતને સમર્થન આપતા પાટીદાર સમાજની દિકરીઓના પ્રેમલગ્નને લઈને ચિંતા વ્યક્ત કરતા અસરકારક પગલા લેવાનું સૂચન કર્યું છે. અગાઉ પણ કડવા પાટીદાર સમાજનું મહાસંમેલન યોજાયું હતું જેમાં પુખ્તવયની દિકરીઓ પ્રેમ-લગ્ન કરે તો માતા-પિતાની સહી ફરજીયાત લેવાની માંગ કરી હતી. આ સાથે દિકરીઓના પ્રેમ લગ્ન મામલે વધુ એક સૂચન કરતા દિકરીઓ 25 વર્ષ સુધીમાં પ્રેમ લગ્ન કરે તો મિલકતમાંથી તેમના નામ આપોઆપ દૂર થઈ જાય તેવો કાયદો લાવવાની માંગ કરવામાં આવી હતી. આ માંગને સૌરાષ્ટ્ર રાજપૂત સમાજ, ચરોતર બ્રહ્મસાજમ તથા પ્રજાપતિ સમાજ, નાયી સમાજ અને અન્ય સમાજ દ્વારા પણ આવકારવામાં આવી હતી.
પાટીદાર સમાજના આ સ્નેહમિલનમાં દિકરીઓના લગ્નને લઈને ચિંતા વ્યક્ત કરતા ચર્ચા કરવામાં આવી હતી. આજકાલ દિકરીઓના માનસ પર ફિલ્મી દુનિયાની વધુ અસર થઈ રહી છે. જેમાં વાસ્તવિકતા નહિ પરંતુ કાલ્પનિક વાતો હોય છે. દિકરીઓ ટીનએજ અવસ્થામાં યુવાનોથી આર્કષાઈ જાય છે ખાસ કરીને અસામાજિક તત્વો ઇરાદા પૂર્વક દીકરીઓને ફસાવવામાં આવે છે. આથી પરિવારમાં દિકરીઓ પોતાની વાત તટસ્થ રીતે કહી શકે અને રજૂ કરી શકે તેવું વાતાવરણ આપવાનું સૂચન કર્યું. જેથી ભાગીને લગ્ન કરવાના કિસ્સામાં ઘટાડો થાય.
આજે દિકરીઓ દિકરાઓ સમાન બની છે. દિકરીઓ અન્ય યુવાનોની વાતોમાં ભોળવાઈ જઈ પ્રેમ લગ્ન કરે છે. મોટાભાગે આ પ્રેમ લગ્નો નિષ્ફળ નિવડે છે ત્યારે તેના નુકસાનકારક પરિણામ દિકરીઓ સહિત તેના પરિવારને પણ ભોગવવા પડે છે. આજકાલ વધતા લવજેહાદના કિસ્સાઓને લઈને કેટલાક સમાજ દ્વારા દિકરીઓના લગ્નને લઈને ચિંતા વ્યક્ત કરતા પ્રેમલગ્નમાં માતા-પિતાની સહી જેવા અસરકારક પગલા લેવા સમાજના આગેવાનો દ્વારા સૂચન કરવામાં આવ્યા છે. પાટીદાર સમાજની આ પહેલ અન્ય સમાજ માટે પણ પ્રેરણા બની શકે છે.