ગાંધીનગર સહિતના અન્ય જિલ્લામાં નકલી GST ઓફિસર બનીને વેપારીઓનો તોડ કરનાર આરોપીને અંતે એલસીબીની ટીમે ઝડપી પાડયો છે. એક વર્ષ અગાઉ મિત્રો સાથે મળીને તલોદનાં વેપારીને ત્યાં નકલી રેડ કરી તોડ કરવા મામલે ગુનો પણ દાખલ થયો હતો. જે ગુનામાં એલસીબીએ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગર સહિતના અન્ય જિલ્લામાં રેડ કરી GST ઓફિસરની ઓળખાણ આપી વેપારીઓનો તોડ કરવામાં આવતો હોવાની બૂમરાણ ઉઠી હતી. ત્યારે એક વર્ષ અગાઉ તલોદનાં એક વેપારીને ત્યાં GST ની રેડ પડી હતી. અને GST હિસાબમાં ગોટાળાનાં બહાને વેપારીનો તોડ થઈ ગયો હતો. આ મામલે વેપારીએ તલોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ગુનો દાખલ થતાં જ નકલી GST ઓફિસરની ઓળખાણ આપી મિત્રો સાથે મળીને તોડ કરનાર કમલેશ ઉર્ફે કે.પી. પંચાલ (ઉ.વ.53, ધંધો-જમીન દલાલ રહેવાસી-મ.નં.2 અનીકેત સોસાયટી, નાના ચિલોડા) ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. જે અન્વયે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીએ ગંભીર ગુના આચરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા એલસીબી ને સૂચનાઓ આપવામાં આવી હતી.
એલસીબીની ટીમે મળેલી બાતમીના આધારે કમલેશ પંચાલને એપોલો સર્કલ નર્મદા કેનાલ તરફના સર્વિસ રોડ પરથી ઝડપી પાડવામાં આવ્યો છે. જેની પૂછતાંછ કરતાં તેણે તલોદ ખાતે આજથી એક વર્ષ પહેલા પોતાના મિત્ર ચેતન મેવાડા સહિતના ફેન્ડ સર્કલ સાથે મળીને વેપારીના ત્યાં નકલી જીએસટીની રેડ કરી હતી. અને પોતે GST ઓફિસરની ઓળખાણ આપી વેપારીનો તોડ કરી લીધો હતો.