ગાંધીનગરનાં કુડાસણમાં આવેલ સ્વાગત રેઈન ફોરેસ્ટ – 1, ઉગતી કોર્પોરેટ કોમ્પલેક્ષ સ્થિત ઉમિયા ઓવરસીસનાં ઓથાર હેઠળ સંચાલક દંપતી સહિત ત્રણ એજન્ટો કેનેડાનાં PR વિઝા અપાવવાનાં બહાને રૂ. 40 લાખની છેતરપિંડી આચરવામાં આવતા ઈન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે પોલીસે દંપતી પૈકી પતિની ધરપકડ કરી લીધી છે. જ્યારે એક એજન્ટ વિદેશ ભાગી ગયો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
ગાંધીનગરના મોટા ચીલોડા જનકપુરી સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા મૂળ પ્રાંતિજ વતની પરેશભાઈ ભગુભાઈ પટેલ ખેડા ધર્માના મુવાડા ખાતેની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે છેલ્લા 22 વર્ષથી નોકરી કરે છે. પરેશભાઈને પત્ની અને દીકરા સાથે કેનેડાના વીઝા કરાવવાના હતા. આથી તેમને લવારપુર રહેતાં સમાજના અંકિત શૈલેષભાઈ પટેલ તથા તેની પત્ની અનેરી તથા તેનો મિત્ર વિશાલ મહેશભાઈ પટેલ કુડાસણ ખાતે ઉગતી કોર્પોરેટ, સ્વાગત રેઈન ફોરેસ્ટ – 1 ઓફિસ નં. 123 થી 127, ઉમિયા ઓવરસીસ નામથી વિઝા કન્સલટન્ટનું કામ કરતા હોવાની જાણ થઈ હતી.
એક જ સમાજના હોવાથી પરેશભાઈએ વિશ્વાસ રાખીને વર્ષ – 2020 માં એજન્ટ દંપતી અંકિત – અનેરી તેમજ વિશાલને મળીને વિઝા કરાવી આપવાની વાત કરી હતી. એટલે ત્રણેય જણાને વિઝા ફાઈલ પેટે રૂ. 60 લાખનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. બાદમાં પરેશભાઈએ તેમની પત્નીના એકાઉન્ટમાંથી 5 લાખનો ચેક ઉમીયા ઓવરસીસના નામે આપ્યો હતો. જો કે વિઝા નહીં મળતા ત્રણેય એજન્ટ પાસેથી પરેશભાઈએ પત્ની – પુત્રનું વિઝાનું કામ પરત લઈ લીધું હતું.
બાદમાં ત્રણેય એજન્ટે પરેશભાઈને વિઝા મળી જશે તેવો વિશ્વાસ આપ્યો હતો. એટલે તેમણે કેનેડા PR ની ફાઈલનું કામ આપ્યું હતું. જે પેટે તેમણે જુન 2023 માં રૂ.15 લાખ રોકડા પ્રથમ હપ્તે તથા બીજા રૂ. 20 લાખ રોકડા બીજા હપ્તે તેમ કુલ રૂ.35 લાખ ઉમિયા ઓવરસીસની ઓફિસમાં અંકિત પટેલ અને અનેરી પટેલને આપ્યા હતા. ત્યારે આ વખતે પણ વિઝાનું કોઈ કામ થયું ન હતું. ત્યારે તપાસ કરતા પરેશભાઈને માલુમ પડેલ કે, વિઝા કરાવી આપવાના બહાને સમાજના ઘણાં લોકો પાસેથી ત્રણેય એજન્ટે રૂપિયા ખંખેરી લીધા છે. આમ પોતાની સાથે પણ છેતરપિંડી થયાનો પરેશભાઈને અહેસાસ થયો હતો. એજન્ટ વિશાલ પટેલ અમેરિકા જતો રહ્યો છે. આ અંગે ઈન્ફોસિટી પોલીસ મથકમાં છેતરપિંડીનો ગુનો નોંધી પોલીસે એજન્ટ અંકિત પટેલની ધરપકડ કરી વધુ પૂછતાંછ હાથ ધરી છે.