ગાંધીનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે વાવોલમાં રહેતા 8 વર્ષીય બાળકનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા હોમઆઈસોલેશન કરવામાં આવ્યો છે. જે બાળકનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે તે દક્ષિણ ભારતના પ્રવાસેથી પરત ફર્યો હોવાનું સામે આવ્યું છે. ત્રણ દિવસમાં ગાંધીનગરમાં કોરોનાના પાંચ પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્યતંત્રમાં દોડધામ મચી છે.
જિલ્લામાં ત્રણ દિવસમાં પાંચ પોઝિટિવ કેસ નોંધાયા ગાંધીનગરમાં છેલ્લા ત્રણ દિવસથી સતત કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. દક્ષિણ ભારતના પ્રવાસેથી પરત ફરેલા બે મહિલાનો 19 તારીખે પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. ત્યારબાદ ગઈકાલે ગાંધીનગર શહેર અને કલોલમાંથી એક-એક પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે આજે વાવોલમાં રહેતા 8 વર્ષીય બાળકનો પોઝિટિવ રિપોર્ટ આપતા કુલ સંખ્યા પાંચ થઈ છે. જે પાંચ કેસ નોંધાયા છે તે તમામની ટ્રાવેલ હિસ્ટ્રી દક્ષિણ ભારત હોવાનું સામે આવ્યું છે.
ગાંધીનગર સહિત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ કોરોનાના કેસ નોંધાવા લાગ્યા છે. ત્યારે ગાંધીનગર સિવિલ દ્વારા જરુર પડ્યે કોરોના વોર્ડ ઉભો કરવાની તમામ તૈયારી કરી લેવામાં આવી છે. તો બીજી તરફ હાલ જે લોકોના પોઝિટિવ કેસ નોંધાયા છે તેઓનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરી જરુર પડ્યે રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. જે લોકોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે તેઓના સેમ્પલ લઈ જીનોમ સિકવન્સિંગ માટે મોકલવામાં આવી રહ્યા છે.