તાજેતરમાં કુડાસણની HopeRays નામની વિઝા કન્સલ્ટન્સીમાંથી બનાવટી માર્કશીટથી લાયકાત વિનાના વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝા પર વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ કર્યા પછી સીઆઇડી દ્વારા સરગાસણની એમ્પાયર ઓવરસીઝ સર્વિસના ઓથાર હેઠળ બરોડાની એમ એસ યુનિવર્સિટીની ડુપ્લીકેટ માર્કશીટ – ડિગ્રી સર્ટી બનાવવાનું નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું છે. યુની.ની ડિગ્રી સર્ટી બનાવી વિદેશ મોકલવાના કૌભાંડ વિઝા કન્સલ્ટન્સીનાં સંચાલક – મેનેજર વિરુદ્ધ ગુનો નોંધી ઘનિષ્ઠ તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે.
ગુજરાતના જુદા-જુદા વિસ્તારોમાં ખાસ કરીને યુ.એસ./ કેનેડા/યુ.કે. જેવા દેશમાં વર્ક પરમિટ, સ્ટુડન્ટ વિઝા વિગેરે મેળવવા માટે જુદા- જુદા પ્રમાણપત્રોમાં છેડછાડ કરી ખોટા દસ્તાવેજો બનાવી અને વર્ક પરમિટ, સ્ટુડન્ટ વિઝાના રેકેટને ઉજાગર કરવા સીઆઇડી દ્વારા ગાંધીનગરની વિઝા કન્સલ્ટન્સીમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ કુડાસણની ધ લેન્ડ માર્ક કોમ્પલેક્ષની હોપ રેઝુ એજ્યુકેશન પ્રા. લિ. નામની ઓફિસમાંથી નકલી માર્કશીટના બનાવી લાયકાત વિનાના વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝા પર વિદેશ મોકલી આપવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.
આ વચ્ચે હવે સરગાસણ કેપિટલ આઈકોન બિલ્ડીંગ સ્થિતિ એમ્પાયર ઓવરસીઝમાંથી પણ બરોડાની એમ એસ યુનિવર્સિટીની ડુપ્લીકેટ માર્કશીટ – ડિગ્રી સર્ટી તૈયાર કરવાનું નેટવર્ક બહાર આવ્યું છે. અત્રેના બિલ્ડીંગનાં ત્રીજા માળે આવેલ ઉક્ત કન્સલ્ટન્સીમાં સીઆઈડીની ટીમે રેડ કરીને કોમ્પ્યુટર, લેપટોપ તેમજ કેટલીક માર્કશીટો સહિતના દસ્તાવેજો જપ્ત કર્યા હતા. જેમાં ચૌધરી સોહમકુમાર લાલાભાઈના નામની અલગ અલગ સેમેસ્ટરની મહારાજા સયાજીરાવ યુનિર્વિસટી ઓફ બરોડાની BCA ની માર્કશીટોની નકલો પ્રાથમિક દ્રષ્ટીએ જ પરીક્ષા લીધા પહેલા પરીણામ જાહેર કરેલ અને ઇસ્યુ કરેલાનું બહાર આવ્યું હતું.
જે અંગે ક્રોસ વેરિફિકેશન કરતાં યુનિવર્સિટી દ્વારા પણ સોહમ ચૌધરીને માર્કશીટ – ડિગ્રી સર્ટી ઈસ્યુ કરવામાં નહીં આવી હોવાનો ખુલાસો કરી તમામ માર્કશીટ – ડિગ્રી સર્ટી ડુપ્લીકેટ હોવાનો ખુલાસો કર્યો હતો. ત્યારે એમ્પાયર ઓવરસીઝના માલિક અંકિત રાજીવકુમાર પટેલ (રહે. પ્રગતિ નગર ફ્લેટ, નારણપુરા, મૂળ રહે. ભામોદરા ગામ, સાવરકુંડલા) તેમજ મેનેજર વિશાલ રમેશભાઈ શાહ (રહે. પ્લોટ નં.633/2, સેક્ટર-5બી, મુળ વતન-વણકર વાસ, ગામ-ચીલોડા) વિઝા અર્થે ડુપ્લિકેટ માર્કશીટ – ડિગ્રી સર્ટી તૈયાર કરવામાં આવ્યા હોવાનું બહાર આવતા સીઆઈડીની ટીમે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે જપ્ત કરાયેલ કોમ્પ્યુટર, લેપટોપ સહિતના ગેઝેટની એફએસએલની તપાસ બાદ વધુ ડુપ્લીકેટ માર્કશીટ – ડિગ્રી સર્ટીનું કૌભાંડ બહાર આવવાની શક્યતા રહેલી છે.