ગાંધીનગરમાં મિલ્કત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા માટે સોના ચાંદીના વેપારીઓને ખાસ ટ્રેનિંગ આપવા 23મી ડિસેમ્બરે એસપી કચેરી ખાતેના જીલ્લા તાલીમ કેન્દ્રમાં સંકલનની બેઠક યોજાશે. જે અંતર્ગત જુના દાગીના ખરીદતી વેળાએ શું તકેદારી રાખવી, શંકાસ્પદ વ્યક્તિ કોઈ જૂના દાગીના વેચવા આવે તો પોલીસ વિભાગ સાથે કઈ રીતે સંકલન કરવું સહિત ગ્રાહકના સ્વાંગમાં ચીલઝડપ – છેતરપીંડી કરતી ગેંગની મોડસ ઓપરેન્ડીથી વાકેફ કરી જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા વેપારીઓને સતર્કતા – તકેદારીનાં પાઠ શીખવવામાં આવશે.
મોટાભાગે ગુનેગારો મિલ્કત સંબંધી ગુના આચરીને સોના ચાંદીના વેપારીઓને દાગીના વેચી મારતાં હોય છે. જેનાં કારણે સોના ચાંદીના વેપારીઓને ગુનાની તપાસનાં કામે પોલીસનું તેડું આવતું હોય છે. ઘણાખરા કિસ્સામાં ગુનેગારો અવનવા બહાના બતાવીને બિલ વિના જ જવેલર્સને ચોરીનો માલ વેચી મારતાં હોય છે. એવામાં પોલીસ તપાસનો રેલો પોતાના સુધી પહોંચે ત્યારે જવેલર્સને સતર્કતા – તકેદારી રાખવાનો અહેસાસ થતો હોય છે.
આવા સંજોગોમાં ગાંધીનગર જિલ્લામાં મિલ્કત સંબંધી ગુના બનતાં અટકાવવા અને સોના ચાંદીના વેપારીઓમાં અવેરનેશ લાવવાનાં ઉદ્દેશ્યથી જિલ્લા પોલીસ અને જ્વેલર્સ એસોસીએશન દ્વારા આગામી 23 મી ડિસેમ્બરનાં રોજ સુરક્ષા સેતુ અંતર્ગત સોના ચાંદીના વેપારીઓ સાથે ખાસ સંકલનની બેઠકનું સવારે 10 થી 12 કલાક દરમ્યાન એસપી કચેરી જીલ્લા તાલીમ કેન્દ્ર ખાતે યોજવામાં આવનાર છે.
આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા વેપારીઓ સીધો વાર્તાલાપ કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે સોના-ચાંદીના વેપારીઓએ જુના દાગીના કોઈ વ્યક્તિ પાસેથી ખરીદતી વખતે કેવા પ્રકારની તકેદારી રાખવી તેની તલસ્પર્શી માહિતી આપવામાં આવશે. તદુપરાંત કોઈ શંકાસ્પદ વ્યક્તિ કોઈ જૂના દાગીના વેચવા આવે તો પોલીસ વિભાગ સાથે કઈ રીતે સંકલન કરવું તે બાબતે પણ મહત્ત્વની ટિપ્સ વેપારીઓએ આપવામાં આવશે.
ખાસ કરીને સોના-ચાંદીના વેપારીઓને ગ્રાહકનાં સ્વાંગમાં ચીલઝડપ કે છેતરપિંડી કરતી ગેંગની મોડસ ઓપરેન્ડીથી વાકેફ કરી કટોકટી સમયે તાત્કાલિક પોલીસ સાથે કેવી રીતે સંકલન કરવું તેની પણ ટિપ્સ આપવામાં આવશે. ઉપરાંત સીસીટીવી અને ટેકનિકલ ચીજોનું ધ્યાન રાખવા માટે અવગત કરાવવામાં આવશે. ઉપરાંત વેપારીઓની રજૂઆતો સાંભળીને તેના નિરાકરણ માટે એસપી દ્વારા જરૃરી પગલા ભરવામાં આવશે.