ગાંધીનગર વૈષ્ણવદેવી સર્કલ નજીક અડાલજ રોડ પર સ્કોર્પીયો ગાડીની ટક્કરથી ગંભીર ઈજાગ્રસ્ત અજાણ્યા રાહદારીનું અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં સારવાર દરમિયાન મોત નિપજતા અડાલજ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગરના અડાલજ ગામમાં રહેતો શ્રમજીવી સંજય ઠાકોર ગત તા. ચોથી જાન્યુઆરીની રાત્રીના આઠ વાગ્યાના અરસામાં મહારાજા હોટલ ની સામે આવેલ ચાની કીટલીએ ચા પીવા માટે ગયો હતો. તે સમયે વૈષ્ણવદેવી સર્કલથી અડાલજ તરફનાં રોડ ઉપર એક ફોર વ્હીલ ગાડીના ચાલકે તેની ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી રાહદારીને ટક્કર મારી હતી.
જેથી સંજય અકસ્માત સ્થળે પહોંચી ગયો હતો. અને જોયેલ તો ફોર વ્હીલ ગાડીના ચાલકે ટક્કર મારી અકસ્માત કરતા તેને શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી. અને રાહદારી બેભાન અવસ્થામાં રોડ પર પડ્યો હતો. જ્યારે સ્કોર્પીયો ગાડી રોડની સાઈડમાં ઉભી હતી. જેનાં ચાલકે 108 ઍમ્બ્યુલન્સ બોલાવી લીધી હતી. અને ઈજાગ્રસ્ત રાહદારીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો.
જ્યાં ફરજ પરના તબીબે રાહદારીને ઘનિષ્ઠ સારવાર અર્થે દાખલ કર્યો હતો. જો કે રાહદારી બેભાન અવસ્થામાં હોઈ તેની ઓળખ થઈ શકી ન હતી. બીજી તરફ ગઈકાલે સારવાર દરમ્યાન અજાણ્યા રાહદારીનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ અંગે અડાલજ પોલીસે સ્કોર્પીયો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી અજાણ્યા રાહદારીનાં વાલી વારસોની શોધખોળ આદરી છે.