ગાંધીનગરનાં આલમપુર શાકમાર્કેટ નજીક નવા બનેલાં વેપારી સંકુલનાં એક ગોડાઉનમાં લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે ત્રાટકીને શટર તોડીને અંદરથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 960 નંગ બોટલો જપ્ત કરી લીધી છે. લોકલ ક્રાઇમ બ્રાંચની તપાસમાં ગોડાઉન ભાડે રાખવામાં આવ્યું હોવાનું સામે આવતા 3 લાખ 17 હજારથી વધુની કિંમતનો દારૂ જપ્ત કરી અમદાવાદનાં ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લાના ચાલી રહેલી પ્રોહીબીશન ડ્રાઈવને લઈને પોલીસે દેશી વિદેશી દારૂની પ્રવૃતિઓ કરતા ઈસમોને ઝડપી પાડવા કવાયત શરૂ કરી છે. જે અન્વયે એલસીબી – 2 નાં પીઆઈ એચ પી પરમારની ટીમના કે કે પાટડીયા સહીતની ટીમ ચીલોડા પોલીસ મથકની હદ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. એ વખતે બાતમી મળેલી કે, આલમપુર ગામ ખાતે આવેલા શાક માર્કેટ નજીક નવા બનેલા આલમપુર વેપારી સંકુલનાં ગોડાઉન નંબર 25/1મા ગેરકાયદેસર પ્રોહીબીશનની પ્રવ્રુતિ ચાલે છે અને હાલમા તે ગોડાઉનમા ગે.કા અને વગર પાસપરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂનો ખુબ જ મોટા પ્રમાણમા જથ્થો પડેલો છે.
જે અન્વયે એલસીબી દારૂ સગેવગે થઈ જાય એ પહેલાં જ ઉક્ત ગોડાઉન સુધી પહોંચી ગઈ હતી. જ્યાં ગોડાઉનનાં શટરને લોક મારેલું હતી. જો કે પાક્કી બાતમી હોવાથી એલસીબીએ હથોડી વડે શટરનું લોક તોડી નાખ્યું હતું. અને અંદર પ્રવેશતાં જ દારૂ ભરેલી છુટી છવાઇ કેટલીક વાદળી કલરની પ્લાસ્ટીકની થેલીઓ મળી આવી હતી. ઉપરાંત દારૂની પેટીઓ પણ પડેલી હતી.
જેની ગણતરી કરતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 960 નંગ બોટલો હોવાનું સામે આવ્યું હતું. આથી એલસીબીએ ગોડાઉનની માલિકી અંગે તપાસ કરતા આ ગોડાઉન મહેશ સવજીભાઈ પટેલે (રહે. આલમપુર) અમદાવાદના રાજુભાઈ નામના શખ્સને ભાડે આપ્યું હોવાનું ખુલ્યું હતું. જેનાં પગલે એલસીબીએ 3 લાખ 17 હજારથી વધુની કિંમતની દારૂની બોટલો જપ્ત કરી રાજુ નામના ઈસમ વિરુદ્ધ ચીલોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.