કમનસીબે આજે ભાજપ સરકારના શાસનમાં સ્થાનિક લોકપ્રશ્નોની અનદેખી થાય છે : પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ
મોડાસા
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે કોંગ્રેસ પક્ષના જનસંવાદ કાર્યક્રમમાં મળેલા ખૂબ મોટા સહકાર અને સમર્થન બદલ અરવલ્લીની જનતાનો પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આભાર માન્યો હતો. તા. ૨૧ જાન્યુઆરી, ૨૦૨૪ને રવિવારના રોજ મોડાસા ખાતે અરવલ્લી જિલ્લાના લોકપ્રશ્નો અને લોકોની સમસ્યા અંગે જનસંવાદ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે યુવાન મિત્રોએ મોટર સાયકલની રેલી દ્વારા શક્તિસિંહ ગોહિલનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ ખૂબ વિશાળ સંખ્યામાં વંદે માતરમ હબ, દેવરાજ ધામની બાજુમાં, શામળાજી-ગોધરા હાઈવે,. મોડાસા ખાતે લોક પ્રશ્નો માટેનો સંવાદ યોજવામાં આવ્યો હતો.
લોક સંવાદ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સ્થાનિક લોકોના પ્રશ્નોને સાંભળીને પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, ભૂતકાળમાં કોંગ્રેસના શાસન દરમિયાન સામાન્ય માણસની સુવિધા અને મદદ કરવા માટે સરકાર સતત પ્રયત્નશીલ રહેતી હતી. કમનસીબે આજે ભાજપ સરકારના શાસનમાં સ્થાનિક લોકપ્રશ્નોની અનદેખી થાય છે. કોંગ્રેસ પક્ષની સરકાર વનસંપત્તિ ઉપર આદિવાસીઓના અધિકારનો કાયદો લાવી પરંતુ ગુજરાતમાં તેનો યોગ્ય અમલ થયો નથી. આદિવાસી સમાજને ન્યાય મળતો નથી. અરવલ્લી જિલ્લો અલગ થયાને ઘણો લાંબો સમય પસાર થયો હોવા છતાં બાયડ ખાતે સિવિલ હોસ્પિટલ ચાલુ થઈ શકેલ નથી, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓ ભોગવવી પડે છે. આદિવાસી વિસ્તારમાં શિક્ષણ નથી. અરવલ્લી જિલ્લો હોવા છતાં જિલ્લામાં એકપણ યુનિવર્સિટી નથી, 150 કિ.મી. દૂર યુનિવર્સિટી આવેલી છે. કોઈપણ ઉદ્યોગ સ્થાપવા માટે કોઈ કામગીરી થઈ નથી. બેરોજગારી અને મોંઘવારી ચરમસીમાએ છે. ખેડૂતો, મજદૂરો, નાના વેપારીઓ, આદિવાસીઓના અનેક પ્રશ્નો છે, જે સાંભળવામાં આવતા નથી. હિન્દુ સનાતન ધર્મમાં આખરી નિર્ણય અને સર્વોત્તમ સ્થાન શંકરાચાર્યજી મહારાજનું છે. જ્યારે “શંકરાચાર્યજી મહારાજે જણાવ્યું હોય કે જે મંદિરનું કામ સંપૂર્ણ રીતે પૂર્ણ થયું ન હોય તેની પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે.” આમ છતાં ચૂંટણીઓ આવતી હોઈ માત્ર રાજકીય લાભ માટે ભાજપ રામમંદિરની ઈવેન્ટ કરી રહી છે. જે પ્રાણપ્રતિષ્ઠા શાસ્ત્રોક્ત રીતે યોગ્યનથી તેમ કહીને શંકરાચાર્યજી મહારાજ ભાજપની પ્રચાર માટેની શાસ્ત્રોથી વિરુદ્ધ મંદિરના નામે થઈ રહેલ ઈવેન્ટમાં જવાના ન હોય ત્યારે કોંગ્રેસ પક્ષે રામ ભગવાનમાં પૂરી આસ્થા અને શ્રદ્ધા દર્શાવતા ભાજપની ઈવેન્ટથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. ભગવાનના ઘરે (મંદિરે) જવા માટે કોઈ આમંત્રણની જરૂર ન હોય. કોંગ્રેસ પક્ષના એક-એક વ્યક્તિ સંપૂર્ણ આસ્થા અને શ્રદ્ધા સાથે મંદિર સંપૂર્ણ રીતે પૂર્ણ થાય અને શંકરાચાર્યજી મહારાજની અનુમતિ અને મુલાકાત થયા બાદ અમે પણ બધા રામમંદિરના દર્શનનો લાભ અવશ્ય લઈશું. દરેક હિન્દુ દેવી- દેવતાઓની પૂજા મોક્ષની પ્રાપ્તિ માટે કરે છે, પરંતુ કોઈ મતોની પ્રાપ્તિ માટે કોંગ્રેસ પક્ષનો વ્યક્તિ દેવી- દેવતાઓને શેરીઓમાં રઝળાવતો નથી. ભાજપ કામના નામે મત લઈ શકે તેમ નથી, કારણ કે કામના બદલે કારનામાં કર્યા છે, એટલે રામના નામે રોટલો શેકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. કોંગ્રેસ પક્ષનો દરેક વ્યક્તિ પૂરી આસ્થા અને શ્રદ્ધા સાથે શંકરાચાર્યજી મહારાજ કે જેઓ હિન્દુ ધર્મના પ્રચાર, પ્રસાર અને યોગ્ય નિર્ણય માટે સર્વોત્તમ સ્થાન પર છે તેમની વાતને સંપૂર્ણ રીતે સ્વીકારે છે.લોક સંવાદ કાર્યક્રમ બાદ અરવલ્લી જિલ્લાના જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનું પણ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહજી ગોહિલ દ્વારા ઉદઘાટન કરવામાં આવેલ. આ સમગ્ર કાર્યક્રમમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમીતભાઈ ચાવડા, પૂર્વ સાંસદશ્રી મધુસુદનભાઈ મિસ્ત્રી, એઆઈસીસીના સહપ્રભારીશ્રી રામકિશન ઓઝા,પૂર્વ ધારાસભ્યશ્રીઓ સર્વશ્રી ઈન્દ્રનીલ રાજગુરુ, મહેન્દ્રસિંહ વાઘેલા, રાજેન્દ્રસિંહ ઠાકોર, જશુભાઈ પટેલ,અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી કમલેન્દ્રસિંહ પુવાર, પ્રદેશ કોંગ્રેસના મહામંત્રીશ્રી વનરાજસિંહ રાઠોડ,પુંજીલાલભાઈ, રામભાઈ સોલંકી, અજીતસિંહ વાઘેલા, જિલ્લા મહિલા પ્રમુખ કલાબેન ભાવસાર, જિલ્લાનાઆગેવાનશ્રી રાજેન્દ્રભાઈ પારઘી, અરૂણભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, યુવક કોંગ્રેસના નિશ્ચલ પટેલ, જિલ્લા-તાલુકાના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.