વિજાપુર સબજેલમાંથી બે આરોપીઓને મહેસાણા જેલમાં ટ્રાન્સફર ન કરવા માટે રૂ.15 હજારની લાંચની માંગણી કરનારા વિજાપુર મામલતદાર કચેરીના ફોજદારી શાખાનો જેલર અને નાયબ પુરવઠા મામલતદાર તેમજ લાંચની રકમ રંગેહાથે સ્વીકારનાર કચેરીનો પટાવાળો સહિત ત્રણેયને ગાંધીનગર એસીબીની ટીમે વિજાપુર મામલતદાર કચેરીના મુખ્ય દરવાજાની આગળ છટકું ગોઠવીને ઝડપી પાડ્યા હતા.
વસઈ પોલીસ મથકે દાખલ થયેલા ગુનાને લઈ વિજાપુર તાલુકામાં રહેતા એક યુવકના કૌટુંબિક ભાઈ અને જમાઈ બંને જણાને વિજાપુરની સબજેલમાં રાખવામાં આવ્યા છે. તે પૈકી જમાઈને હૃદયની તકલીફ થતાં વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે અને બંનેને મહેસાણા સબજેલમાં ટ્રાન્સફર કરવાના હોઇ તેમણે ત્યાં ટ્રાન્સફર નહીં કરવા માટે યુવક વિજાપુર મામલતદાર કચેરીના ફોજદારી શાખાના જેલર ભાવિન મનહરભાઈ પરમાર અને પુરવઠા શાખાના નાયબ મામલતદાર જૈમીન વિનાયકભાઈ મિસ્ત્રીને મળતાં તેમણે રૂ.15 હજારની લાંચની માગણી કરી હતી. જેને લઇ યુવકે ગાંધીનગર એસીબીનો સંપર્ક કરતાં એસીબીની ટીમે તેની ફરિયાદ આધારે વિજાપુર ખાતે લાંચના છટકાનું આયોજન ગોઠવ્યું હતું. જેમાં શનિવારના રોજ વિજાપુર મામલતદાર કચેરીના મુખ્ય દરવાજાની આગળ જેલરના કહેવાથી કચેરીનો પટાવાળો કલ્પેશ અમૃતભાઈ મકવાણા રૂ.15 હજારની લાંચ લેતાં એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો. લાંચ પ્રકરણમાં પડદા પાછળની ભૂમિકા ભજવનાર નાયબ મામલતદાર જૈમીન મિસ્ત્રી સહિત ત્રણેયની ધરપકડ કરી એસીબીની ટીમ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.
વિજાપુર સબજેલમાંથી બે આરોપીને મહેસાણા સબજેલમાં ટ્રાન્સફર નહીં કરવા 15 હજારની લાંચ માગી હતી
કલ્પેશ અમૃતભાઈ મકવાણા પટાવાળો
ભાવિન મનહરભાઈ પરમાર જેલર
જૈમીન વિનાયકભાઈ મિસ્ત્રી ના. મામલતદાર