ગાંધીનગર સેકટર 7 પોલીસ મથકની હદ વિસ્તારમાં સાતેક વર્ષ અગાઉ આઠ વર્ષની બાળકીને પોતાના પૌત્ર સાથે બગીચામાં ફરવા લઈ જઈ એકલતાનો લાભ ઉઠાવી મોબાઈલમાં બિભત્સ વીડિયો બતાવીને શારીરિક અડપલાં કરનાર 68 વર્ષીય દાદાને પોક્સો કોર્ટે ત્રણ વર્ષની સજા અને 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ગાંધીનગરના સેકટર – 6 વિસ્તારમાં રહેતો 68 વર્ષીય વૃદ્ધને કોર્ટે ત્રણ વર્ષની જેલ ભોગવવાનો હુકમ કર્યો છે. આ સમગ્ર કેસની વિગતો મુજબ, માર્ચ – 2018 દરમ્યાન રાતના સમયે વૃદ્ધ પોતાની દીકરીની દીકરી તેમજ પાડોશીમાં રહેતી 8 વર્ષની બાળકીને બગીચામાં ફરવા લઈ જવાનું કહીને ઘરેથી નિકળ્યો હતો. એકબીજા પાડોશમાં રહેતા હોવાથી દીકરીના માં બાપને એમ હતું કે, વૃદ્ધ દાદા બંને બાળકોને આંટો મારવા લઈ જાય છે.
બાદમાં વૃદ્ધ બંને બાળકોને લઈને બગીચામાં પહોંચ્યો હતો. જ્યાં એકલતાનો લાભ ઉઠાવી અશોકે આઠ વર્ષની બાળકી ઉપર નજર બગાડી હતી અને મોબાઈલમાં બાળકીને અશ્લીલ વિડીયો બતાવવાનું શરૂ કરી શરૂ શારીરિક અડપલાં કરી વિકૃત આનંદ મેળવ્યો હતો. જે પછી વૃદ્ધે પોતાની કરતૂત છુપાવવા માટે બાળકીને આ વાત ઘરે જઈને માં બાપને નહીં કરવા કહ્યું હતું. પરંતુ બાળકીએ ઘરે પહોંચીને સઘળી હકીકત તેની માતા સમક્ષ વર્ણવી હતી. આ સાંભળીને તેની માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
બાદમાં સમગ્ર મામલે પરિવારના સભ્યો સુધી પહોંચી હતી અને મે – 2018 નાં રોજ સેકટર – 7 પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલે પોલીસે જરૂરી આધાર પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી. જે કેસ ગાંધીનગરના સ્પે. પોક્સો કોર્ટમાં બીજા એડી. સેશન્સ જજ એસ. ડી. મેહતા કોર્ટમાં ચાલવા પર આવતા સરકારી વકીલ સુનીલ એસ પંડ્યાએ દલીલ કરેલી કે, આરોપીએ ભોગ બનનાર 8 વર્ષ નાની દીકરીને લઈ જઈ અને પોતાના મોબાઇલ ફોનમાં ગંદા ગંદા વીડિયો બતાવીને શારીરિક અડપલાં કરી ગંભીર ગુનો કર્યો હોઈ સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ. જેનાથી આ પ્રકારના નવા ગુના બનતા અટકે અને સમાજમાં દાખલો બેસે. જે દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે વૃદ્ધને ત્રણ વર્ષની સખ્ત કેદની સજા તેમજ 10 હજારનો દંડ ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે.