વડોદરા હરણી લેક ઝોનમાં થયેલા બોટકાંડના આરોપી બિનિત કોટિયાને આજે વડોદરા કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટમાંથી બહાર નીકળતી વખતે વડોદરા શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ કુલદીપસિંહ વાઘેલા દ્વારા બિનિત કોટિયા પર કાળી શાહી ફેંકીને તેનું મોઢું કાળું કરી દેવામાં આવ્યું હતું. આ સમયે પોલીસે કુલદીપસિંહની અટકાયત કરી હતી.
વડોદરા શહેરમાં થયેલી હરણી તળાવ બોટ દુર્ઘટનામાં 12 માસૂમ બાળકો સહિત કુલ 14 લોકોના મોત થયા હતા. આ કેસમાં ગઈકાલે જ આરોપી બિનિત કોટિયાની ધરપકડ કરવામાં આવી હતી. જેથી આજે બિનિત કોટિયાને રિમાન્ડ માટે પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો અને 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જોકે, કોર્ટે આરોપી બિનિત કોટિયાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપી બિનિતને પોલીસ કોર્ટમાંથી બહાર લાવી રહી હતી તે સમયે અચાનક જ વડોદરા શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ કુલદીપસિંહ વાઘેલા ત્યાં આવી પહોંચ્યા હતા.
તે દરમિયાન કુલદીપસિંહ વાઘેલાએ બિનિત કોટિયા પર કાળી શાહી ફેંકી હતી. જેથી બિનિત કોટિયાનું મોઢું કાળું થઈ ગયું હતું. જોકે, હાજર અકોટા પોલીસે કુદીપસિંહ વાઘેલાની અટકાયત કરી હતી અને તેને અકોટા પોલીસ સ્ટેશન લઇ જવાયો હતો. આ ઘટનાને લઇ વડોદરા કોર્ટ પરિસરમાં પણ દોડધામ મચી ગઈ હતી.
વડોદરા શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ કુલદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, બિનિત કોટિયા મુખ્ય ગુનેગાર છે અને મુખ્ય પાર્ટનર છે. જેથી અમે તેનું મોઢું કાળું કર્યું છે અને વિરોધ નોંધાવ્યો છે. આ લોકોને છોડવામાં ન આવે અને સખતમાં સખત સજા આપવામાં આવે. એમને ફાંસીની સજા આપવી જોઇએ. કારણ કે, આ લોકોએ નિર્દોષ બાળકોનો ભોગ લીધો છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરા હરણી લેક બોટકાંડ મામલે લેકઝોનની એન્જીનવાળી બોટનું માર્ગ અને મકાન વિભાગના યાંત્રિક શાખાના ઇજનેરી ટીમ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું અને માર્ગ મકાન વિભાગ (સિવિલ)ના અધિકારીઓ દ્વારા લેકઝોનની જેટી તેમજ તરાપાઓની સ્ટેબિલિટી અંગેની ચકાસણી કરવામાં આવી હતી. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢવા DCB અને SOGની ટીમો દ્વારા ગુજરાત અને બહારના રાજ્યોમાં તપાસ કરવામાં આવી રહી છે.