મહાનગર પાલિકાના મોટાભાગના વિભાગમાં સૌથી વધુ કર્મચારીઓ આઉટ સોર્સમાંથી આવે છે. તેમજ તેમનો પગાર પણ કાયમી ફરજ બજાવતા કર્મચારીઓ કરતા ઘણો ઓછો હોય છે. તેવી જ રીતે કોન્ટ્રાક્ટ બેઝ આધારીત કર્મચારીઓને વર્ક લોડ વધુ આપવામાં આવે છે. તેમજ અમુક કામો જવાબદારી વાળા પણ હોય છે.
છતાં તંત્ર દ્વારા આ કર્મચારીઓની ઉપેક્ષા કરવામાં આવતી હોય તેમ ગત ઓક્ટોબર મહિનામાં સરકાર દ્વારા કોન્ટ્રાક્ટબેઝના કર્મચારીઓનો પગાર વધારો જાહેર કરી પરીપત્ર જાહેર કર્યો છતાં એજન્સીઓએ જૂના મહિનાઓના બીલ રજૂ કરી છેલ્લા ચાર મહિનાથી પગાર વધારાનો લાભ ન આપતા કર્મચારીઓમાં દેકારો બોલી ગયો છે.
મહાનગરપાલિકાના દરેક વિભાગમાં સૌથી વધુ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. તે તમામ અલગ અલગ એજન્સીઓ દ્વારા ફાળવવામાં આવ્યા છે. કોન્ટ્રાક્ટબેઝ ઉપર કામ કરતા તમામ કર્મચારીઓનો પગાર રૂા. 7 હજારથી રૂા. 10 હજાર સુધીનો આપવામાં આવે છે. જેની સામે એજ વિભાગમાં કામ કરતા અન્ય કર્મચારીઓ કે જેઓ આ કર્મચારીઓ કરતા પણ ઓછુ કામ કરતા હોય અને જવાબદારી પણ ન હોય તેમનો પગાર ચારથી પાંચગણો સરકાર દ્વારા ચુકવાય છે. વર્ષોથી મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટબેઝના કર્મચારીઓ અને કાયમી કર્મચારીઓના પગાર વચ્ચે મોટો તફાવત રહ્યો છે. છતાં આ બાબતે એક પણ વિભાગીય અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી થઈ નથી. વર્ષો જૂની માંગણી હોવાથી સરકાર દ્વારા થોડા સમય પહેલા દરેક કર્મચારીને નિયમ મુજબ માસીક રૂા. 540 પગાર વધારાની અમલવારી કરવાની સુચના આપવામાં આવેલ જેનો પરિપત્ર મહાનગરપાલિકાને પાઠવવામાં આવેલ પરંતુ પરિપત્ર મળે તે પહેલા અનેક એજન્સીઓએ પોતાના કર્મચારીઓના પગારના બીલ રજૂ કરી પૈસા મેળવી લીધા હતાં. જેના કારણે કર્મચારીઓને પગાર વધારાનો લાભ મળ્યો નથી. અમુક કર્મચારીઓના જણાવ્યા મુજબ ઓક્ટોબર માસમાં પગાર વધારાની જાહેરાત થઈ છે. પરંતુ જાન્યુઆરી સુધીમાં હજુ પગારવધારો જમા થયો નથી. જેની સામે એજન્સીઓએ જણાવેલ કે, સરકારનો પરિપત્ર મળે તે પહેલા અમે લોકોએ બીલ બનાવી નાખેલ અને હિસાબ વિભાગમાં રજૂ કરી દેવામાં આવ્યા હતાં. હવે રૂા. 540ના વધારાના અલગથી બીલ મુકવા શક્ય નથી.
આથી નવા બીલ મુકવામાં આવે ત્યારથી પગાર વધારાનો લાભ મળશે. જેના કારણે સેંકડો કર્મચારીઓએ ચારથી પાંચ મહિનાનો પગાર વધારાનો લાભ ગુમાવવો પડશે જેની જવાબદારી તંત્ર અને એજન્સીઓ દ્વારા આજસુધી લેવામાં આવી નથી. પરિણામે અનેક વિભાગોમાં પગાર વધારાથી વંચીત રહેલા કર્મચારીઓમાં અણગમો જોવા મળી રહ્યો છે. તેમજ અમુક કર્માચરીઓએ કામ છોડી દેવાની પણ તૈયારીઓ કરી હોવાનું જાણવા મળેલ છે.
મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટબેઝ ઉપર કામ કરતા કર્મચારીઓને ઓક્ટોબર માસમાં પગાર વધારો જાહેર થયો છે. રૂા. 540 માસીક વધારો સુચવવામાં આવ્યો છે. છતાં એજન્સીઓ દ્વારા આજ સુધી અનેક કર્મચારીઓને પગાર વધારાનો લાભ આપ્યો નથી. જેનું કારણ બીલ અગાઉ મુકાઈ ગયાનું રજૂ કરવામાં આવ્યું છે. પરંતુ જો અગાઉથી બીલ મુકાઈ ગયા હોય તો અમુક ખાસ કર્મચારીઓને પગાર વધારાનો લાભ કેવી રીતે મળ્યો તેવેી ચર્ચ જાગી છે. કારણ કે, પદાધિકારીઓના સંપર્કમાં રહેતા તેમજ અમુક ચોક્કસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓને પગાર વધારાનો લાભ મળવા લાગ્યો છે. જ્યારે બાકીના કર્મચારીઓ આજે પણ પગાર વધારો ક્યારે જમા થશે તેની રાહ જોઈ રહ્યા છે.