ગાંધીનગરના ભાટ કોટેશ્વર ચોકડીથી આગળ ઇન્દિરાબ્રિજ નજીક લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે પૂર્વ બાતમીના આધારે વોચ ગોઠવી અમદાવાદ તરફ જતી ફોર્ડ કારને કોર્ડન કરી અંદરથી વિદેશી દારૂની 7 પેટીઓ સાથે બુટલેગરને ઝડપી 240 બોટલો સહિત 5 લાખ 45 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લા દેશી વિદેશી દારૂની પ્રવૃતિઓ ઉપર અંકુશ મેળવવા માટે એસપી રવિ તેજા વાસમ સેટ્ટીની સૂચનાથી પ્રોહીબીશન ડ્રાઈવ અંતર્ગત પોલીસ બુટલેગરોને ઝડપી પાડવા ચારે દિશામાં દોડધામ કરી રહી છે. જે અન્વયે એલસીબી – 2 ની ટીમ અડાલજ પોલીસ મથકની હદ વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગ કરી રહી હતી.
એ દરમ્યાન બાતમી મળેલી કે, એક સફેદ કલરની ગાડીમાં (નંબર GJ-02-CP-1939) વિદેશી દારૂ ભરીને ગાંધીનગરથી અમદાવાદ તરફ લઈ જવાઈ રહ્યો છે. જે હકીકતના આધારે પોલીસે ભાટ કોટેશ્વર ચોકડીથી આગળ ઇન્દીરા બ્રીજ નજીક રોડ ઉપર આડશો કરી વૉચ ગોઠવી દેવાઈ હતી. ત્યારે કાગડોળે જોયા પછી બાતમી મુજબની કારને ઈશારો કરીને રોકી દેવામાં આવી હતી. જેમાં ડ્રાઇવર સીટ પર બેઠેલા ઈસમે પોતાનું નામ ઇન્દર મોહનદાસ રામસિંગાનીયા (ઉ .વ.42 રહે. 588, જવાહર કોલોની, સરદારનગર, અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું.
બાદમાં પોલીસે કારની તલાશી લેતાં પાછળની ડેકીમાં વિદેશીદારૂની 7 પેટીઓ મળી આવી હતી. જેની ગણતરી કરતા વિદેશી દારૂની 240 બોટલો હોવાનુ સામે આવ્યું હતું. જેનાં પગલે પોલીસે 40 હજાર 320 ની કિંમતનો દારૃ, પાંચ લાખની ફોર્ડ કાર, 5 હજારનો મોબાઇલ ફોન મળીને કુલ રૂ. 5 લાખ 45 હજારનો મુદ્દામાલ કબ્જે લઈ બુટલેગરની ધરપકડ કરી અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.