ઓલપાડ તાલુકાના ભાદોલ ગામે ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજર રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલે પ્રજાના ફોન ન ઊંચકતાં અને તેઓની રજૂઆત પર ધ્યાન ન આપતા અધિકારીઓ અને પદાધીકારીઓ પર ગરમ થઇ ગયા હતા. મંત્રીએ અકળાઈને તેઓને છેલ્લી ચેતવણી આપી દીધી હતી. મંત્રીના તીખા પ્રહારો સાંભળી પદાધિકારીઓ અને અધિકારીઓને ભરશિયાળે પરસેવો છૂટી ગયો હતો.
આજરોજ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ભાદોલ ગામ ખાતે 107 કરોડના વિકાસના કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય અને સરકારના રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ હાજર રહ્યા હતા. ખાતમુહૂર્ત કર્યા બાદ તેઓએ જાહેરમંચ પરથી પ્રજાના ફોન ન ઉચકતા અને તેઓની રજૂઆતો ન સાંભળતા અધિકારીઓ અને પદાધિકારીઓને આડેહાથ લઈ લીધા હતા.
મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, અધિકારીઓ અને પદાધિકારીઓને જનતાની રજૂઆતો સાંભળવી પડશે અને જનતાને જવાબ આપવો પડશે. ભલે કામ પાંચ દિવસ મોડું થાય, ગમે ત્યારે ફોન આવે મારા ઓલપાડ તાલુકાના નાગરિકોનો ફોન ન રીસિવ કર્યો હોય એવું ના બનવું જોઈએ. કારણ કે, જનતાએ આપણને ચૂંટીને મોકલેલા છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 140 કરોડ જનતાને સાંભળતા હોય તો આપણે અહીંના પ્રતિનિધિ છીએ. જનતાને હું અપીલ કરું છું કે તમારા જે પણ કામ હોય એ સીધા તમારા પદાધિકારીઓને કરો, જો તેઓ ના કરે તો મને કહેજો. ત્યારે મંત્રી મુકેશ પટેલના તીખા પ્રહારો સાંભળી ઘણા અધિકારીઓ અને પદાધિકારીઓનો પરસેવો છૂટી ગયો હતો.