પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શારીરિક-માનસિક વિકાસ માટે જરૂરી પોષકતત્વો મળી રહે તે માટે શાળાઓમાં ઋતુ મુજબ ન્યુટ્રીશન ગાર્ડન ઉભા કરવાનો આદેશ પી.એમ. પોષણ યોજના અંતર્ગત મધ્યાહન ભોજન યોજનાના કમિશનરે કર્યો છે.
શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શારિરીક અને માનસિક વિકાસ માટે જરૂરી પોષક તત્વો મળી રહે તે માટે શાળાઓના કેમ્પસમાં ઋતુ મુજબ ન્યુટ્રીશન ગાર્ડન ઉભું કરવાની ચર્ચા કરવામાં આવી હતી.
ન્યુટ્રીશન ગાર્ડનમાં શાકભાજી તેમજ ફળાઉ ઝાડનું વાવેતર અને સંવર્ધન કરવું જોઈએ. જેથી ફળ અને શાકભાજીનો વિદ્યાર્થીઓના ભોજનમાં ઉપયોગ કરવાથી વિદ્યાર્થીઓમાંથી જરૂરી પોષક તત્વો મળી રહેશે.
રાજ્યના બાળકી અને કિશોરોમાં કુપોષણના ઉંચા પ્રમાણની ચર્ચા તાજેતરમાં યોજાયેલી ચિંતન શિબિરમાં કરવામાં આવી હતી. તેમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકોને ઋતુ મુજબ ફળો અને શાકભાજીનું વાવેતર કરીને સંવર્ધન કરીને ઉછેરવાથી વિદ્યાર્થીઓને તાજા શાકભાજી અને ફળો આરોગવાથી પોષણ સ્તરને મદદ મળવાથી બાળકોનું સ્વાસ્થ્ય સારૂ રહેશે. ઉપરાંત ન્યુટ્રીશન ગાર્ડન શાળાના કેમ્પસમાં કરવાથી વિદ્યાર્થીઓમાં સામાજિક જવાબદારી અને સ્વયંસેવકની ભાવનાનો વિકાસ થવાથી સમાજ માટે ફાયદાકારક બની રહેશે.
ન્યુટ્રીશન ગાર્ડનના ઉછેરેલા છોડનો નાશ પામે નહીં તેની કાળજી રાખવાની શિક્ષકોને સૂચના આપવાનો આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શાળાઓમાં ઉભા કરાયેલા ન્યુટ્રીશન ગાર્ડનમાં ફળાઉ છોડ અને શાકભાજીને ઓર્ગેનિક પદ્ધતિથી વાવેતર કરવાનું રહેશે.
ન્યુટ્રીશન ગાર્ડનમાં ઉછેર કરાયેલા શાકભાજી અને ફળાઉ છોડમાં કેટલા પ્રમાણમાં અને કયા કયા પોષક તત્વો રહેલા છે. આ પોષક તત્વોનો શરી૨ને કેવી રીતે ફાયદાકારક બની રહેશે સહિતની જાણકારી વિદ્યાર્થીઓને મળી રહે તે માટે વર્ગખંડમાં તેની જાણકારી આપવાની રહેશે.
આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં શાકભાજી અને ફળો માટે સ્વાદ રસરૂચી વધે તે માટેના પ્રયત્નો કરવાનો પીએમ પોષણ યોજના અંતર્ગત મધ્યાહન ભોજન યોજનાના સંયુક્ત કમિશ્નરના આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.