ગાંધીનગર જાગૃત નાગરિક પરિષદે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા
સીતારામનને પત્ર લખીને આગામી બજેટમાં દેશના વરિષ્ઠ
નાગરિકો માટે વિશેષ વિચારણા કરવા અનુરોધ કર્યો છે.
દેશના વરિષ્ઠ નાગરિકો દ્વારા વિકસાવાયેલી બચતની પ્રવૃત્તિને
બે ટકા વધુ વ્યાજ આપીને પ્રોત્સાહન આપવા માગણી
કરવામાં આવી છે. સાથે સાંસદો અને ધારાસભ્યોને અપાતું
પેન્શન કરમૂક્ત છે તે જ પ્રકારે નિવૃત્ત સરકારી કર્મચારીઓને
અપાતું પેન્શન કરમૂક્ત કરવાની માંગણી કરાઇ છે.
જાગૃત નાગરિક પરિષદ દ્વારા લખાયેલા પત્રમાં જણાવાયું છે કે વરિષ્ઠ નાગરિકોને ઇન્કમટેક્સમાં અપાતા રૂ. 50 હજારના સ્ટાન્ડર્ડ ડિડક્શનને વધારીને રૂ. 2 લાખ કરવા, 80/ સી હેઠળ અપાતા ડિડક્શનને રૂ. 1.50 લાખથી વધારીને રૂ.4.5 લાખ કરવા જોઇએ. પીપીએફનું વ્યાજ કરમુક્ત છે તે ધોરણે પોસ્ટ ઓફિસની “સિનિયર સિટીઝન્સ સેવિંગ સ્કીમ”ના વ્યાજને સંપૂર્ણ કરમુક્ત કરવા માંગણી કરવામાં આવી છે.
વિકાસ કાર્યો માટે કેન્દ્ર સરકાર આંતરરાષ્ટ્રીય નાણાકીય ઇન્સ્ટિટ્યૂશન્સને ઊંચો વ્યાજ દર આપીને લોન મેળવે છે, જેના વ્યાજની મોટી રકમ પરદેશમાં જાય છે. તેના વિકલ્પે વરિષ્ઠ નાગરિકોને થોડું વધુ વ્યાજ આપીને તેમની બેન્કો અને પોસ્ટ ઓફિસોમાં મૂકેલી થાપણો દ્વારા વિકાસ માટે નાણાં મેળવી શકાશે. મેડિકલ પ્રિમિયમ પરનો જીએસટી દૂર કરવા પણ માંગણી કરાઇ છે.
કેન્દ્રીય નાણામંત્રીને પત્ર દ્વારા કરાયેલ રજૂઆતને શહેરની સહયોગી સ્વૈચ્છિક સેવા સંસ્થાઓએ પણ સમર્થન આપ્યું છે, જેમાં ગાંધીનગર શહેર વસાહત મહામંડળ, ગાંધીનગર શહેર પેન્શનર્સ સમાજ, ગાંધીનગર સિનિયર સિટીઝન્સ કાઉન્સિલ, જ્યોતિ મહિલા મંડળ, ગાંધીનગર એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક એસોસિએશન, ડેમોક્રેટિક પિપલ્સ એસોસિએશન ઓફ ગાંધીનગરનો સમાવેશ થાય છે. જાગૃત નાગરિક પરિષદે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામનને પત્ર લખીને આગામી બજેટમાં દેશના વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ વિચારણા કરવા અનુરોધ કર્યો છે.