છેલ્લા ઘણા સમયથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દરોડા પડાયા હોવાના ઘણા અહેવાલો સામે આવ્યા છે. ઈડીએ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ સહિતના નેતાઓ સામે કાર્યવાહી કરતી રહી છે. ઈડીએ એનડીએના શાસનકાળ દરમિયાન સૌથી વધુ દરોડા પાડ્યા છે, જેમાં ૧૨૧માંથી વિપક્ષના ૧૧૫ નેતાઓ સામે કાર્યવાહી કરી છે.
ઈડીએ સોમવારે (૨૯ જાન્યુઆરી)એ કથિત જમીનના બદલે નોકરી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ ની પૂછપરછ કરી હતી. ત્યારબાદ આ જ કેસમાં મંગળવારે (૩૦ જાન્યુઆરી)એ તેમના પુત્ર અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને પણ પૂછપરછ માટે બોલાવ્યા હતા.
ઈડી પશ્ચિમ બંગાળના કથિત રાશન કૌભાંડ કેસમાં કોલકાતામાં શાહજહાં સેખની પણ સોમવારે પૂછપરછ કરવા માંગતી હતી, પરંતુ TMC નેતા હાજર થયા ન હતા. જયારે કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઈડી ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન ની બુધવાર (૩૧ જાન્યુઆરી)એ રાંચીમાં પૂછપરછ કરશે. ઈડીએ મંગળવાર (૩૦ જાન્યુઆરી)એ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખિચડી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ સંબંધિત એક કેસમાં શિવસેના નેતા અને સાંસદ સંજય રાઉતના નાના ભાઈ સંદીપ રાઉતની પૂછપરછ કરી હતી.
વિપક્ષી દળોનો આક્ષેપ છે કે, લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી કેન્દ્ર સરકાર તપાસ એજન્સિઓનો દુરુપયોગ કરી વિરોધીઓને નિશાન બનાવી રહી છે. બીજીતરફ અગાઉની UPA-1ની સરકાર અને વર્તમાન ભાજપ સરકારના શાસનમાં ઈડીની કાર્યવાહી અંગે પણ ચર્ચાઓ થઈ રહી છે.
૨૦૦૪થી ૨૦૧૪ના યુપીએ-૧ સરકારમાં ઈડીએ ૧૧૨ દરોડા પાડ્યા હતા. જયારે ૨૦૧૪થી ૨૦૨૨ના મોટી સરકાર દરમિયાન ઈડીએ ૩૦૧૦ દરોડા પાડ્યા છે. ૨૦૦૪થી ૨૦૧૪ સુધી મનમોહન સરકારમાં ૨૬ નેતા વિરુદ્ધ ઈડીએ તપાસ કરી રહી હતી, જેમાં ૧૪ નેતા વિપક્ષનાં હતાં. ત્યારબાદ મોદી સરકારના ૯ વર્ષ દરમિયાન ૧૨૧ નેતાઓ વિરુદ્ધ તપાસ કરાઈ, જેમાં ૧૧૫ વિરોધ પક્ષના નેતાનો પણ સમાવેશ થાય છે, જેમાં સૌથી વધુ કોંગ્રેસ, ટીએમસી અને એનસીપીના નેતા સામે કાર્યવાહી કરાઈ છે. મનમોહન સરકાર દરમિયાન ઈડીએ ૫૩૪૬ કરોડ જપ્ત કર્યા હતા, જયારે મોદી સરકાર દરમિયાન તપાસ એજન્સીએ ૯૯,૩૫૬ કરોડ જપ્ત કર્યા.