હંમેશા કામના નિકાલ નહીં પરંતુ ઉકેલની વૃત્તિમાં માનનાર પારેખ પ્રમાણિકતા અને સાલસ સ્વભાવને પરિણામે કર્મચારીગણ તેમજ નાગરિકોના દિલમાં વિશિષ્ટ માન-સન્માન ધરાવે છે
ગાંધીનગર
મુખ્યમંત્રીના ખાસ ફરજ પરના અધિકારી તરીકે હાલમાં ફરજ બજાવતા સનદી અધિકારી અને ઇન્ચાર્જ માહિતી નિયામક ધીરજ પારેખ આજે તા.૩૧મી જાન્યુઆરી-૨૦૨૪ના રોજ સરકારી સેવામાંથી વય નિવૃત્ત થયા છે. મુળ કચ્છના પારેખ જૈન પરિવારમાંથી આવે છે, તેઓ ગુજરાત વહિવટી સેવા(GAS)ના અધિકારી તરીકે સેવામાં જોડાયા હતા અને આજે અખિલ ભારતીય સેવા(IAS)માંથી વય નિવૃત્ત થયા છે. તેઓની બે દાયકાથી પણ વધુ સમયની સેવાના સમય ગાળા દરમિયાન ચિફ ઓફિસર, નાયબ કલેકટર, મંત્રીશ્રીના અંગત સચિવ, વિવિધ બોર્ડ નિગમના મેનેજિંગ ડાયરેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, કલેકટર જેવા અનેક મહત્વના પદો પર સેવાઓ આપી ચુક્યા છે. હંમેશા કામના નિકાલ નહીં પરંતુ ઉકેલની વૃત્તિમાં માનનાર શ્રી પારેખ પ્રમાણિકતા, સમય પ્રતિબદ્ધતા, અરજદારના પ્રશ્નોને કુનેહ પૂર્વક નિકાલ કરવાની કળા, તાબાના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ પાસેથી કામ લેવાની આગવી શૈલી જેવા વિવિધ ગુણોના કારણોસર કર્મચારીગણ તેમજ સેવા આપેલ જિલ્લાની પ્રજાના દિલમાં વિશિષ્ટ માન-સન્માન ધરાવે છે.તેઓશ્રીની સરકારી સેવા દરમિયાન કોવિડ-૧૯ મહામારી સમયગાળામાં ઓક્સિજન પ્લાન્ટની સવલત સહિત કરેલી વિવિધ કામગીરી તેમજ નાયબ કલેકટર તરીકેની સેવામાં વિવિધ લાયઝન/પરવાનામાં દાખવેલ આદર્શ પધ્ધતિ, વહીવટમાં પારદર્શિતા, જાહેર સ્થળોએ ઉપાડેલ સફાઈ ઝૂંબેશ, ગરીબ લાભાર્થીઓને એક જ વર્ષમાં ૭૦૦થી પણ વધારે આપેલ મફતગાળાના પ્લોટ, જાહેર માર્ગોમાં ગુણવત્તા માટે અપનાવેલ અભિયાન, શહેરી વિસ્તારના વિવિધ આવાસના કામોની ફાળવણી જેવા માળખાકીય વિકાસના કામો સહિત અનેકવિધ વિશિષ્ટ અને પ્રજાલક્ષી કામોને કારણે વિવિધ જિલ્લાના નાગરિકો આજે પણ તેઓશ્રીને અને તેમના કામોને યાદ કરે છે. ધીરજ પારેખનું નિવૃત્ત જીવન સદાય પ્રવૃત્તમય રહે અને આગળ પણ સરકારને તેઓના બહોળા અનુભવનો લાભ મળતો રહે તેવી શુભેચ્છાઓ તેઓશ્રીને પાઠવવામાં આવી રહી છે.
૭૫મા પ્રજાસત્તાક પર્વની નવી દિલ્હી ખાતેની રાષ્ટ્રીય પરેડમાં કર્તવ્ય પથ પર પ્રસ્તુત થયેલા ગુજરાતના ટેબ્લો ‘‘ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ-UNWTO’’ને પીપલ્સ ચોઈસ એવોર્ડ કેટેગરીમાં પ્રથમ ક્રમનું ગૌરવ સન્માન મળ્યું છે. આ ગૌરવ સન્માન તથા જ્યુરી ચોઇસનું દ્વિતીય ક્રમનું પારિતોષિક નવી દિલ્હીમાં ૩૦ જાન્યુઆરીએ રક્ષા અને પ્રવાસન રાજ્યમંત્રી શ્રી અજય ભટ્ટના હસ્તે ગુજરાતને એનાયત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ ગૌરવ સન્માન ટ્રોફી અને પ્રશંસાપત્ર બુધવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રીના સચિવ અને માહિતી પ્રસારણ સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ અને માહિતી નિયામકશ્રી ઘિરજ પારેખે ટિમ માહિતી સાથે રહીને પ્રસ્તુત કર્યા હતા. આ એવોર્ડ ત્યાર બાદ રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં રજૂ કરવામાં આવ્યા હતા.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી મંડળે આ ગૌરવ સિદ્ધિને બિરદાવતાં માહિતી પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.