રોજની લાખો રૂપિયાની આવાક રળતાં ફૂડકોર્ટના વેપારીઓ દ્વારા છેલ્લા કેટલાંક સમયથી બાકી ભાડૂ ના ભરીને પોતાની મનમાની ચલાવતાં હોય તેમ જોવાં મળ્યું છે. આ બાબતે તંત્ર બાકીદારોને અંતિમ તકની નોટીસ પણ આપી ચૂક્યું છે. છતાં પણ નોટીસને ઘોળીને પી જનારા વેપારીઓ તંત્રને ગાંઠતાં નથી અને પોતાની વગ વાપરીને તંત્રના માથે આર્થિક ભારણ વધારી રહ્યાં છે. ત્યારે પાટનગર યોજના વિભાગ દ્વારા પણ 25થી વધારે બાકી ભાડૂઆતોની અંદાજીત 80 લાખથી વધુની રકમ વસૂલવા માટે દુકાનોને સીલ મારવાની તૈયારી કરી દેવામાં આવી છે. પરંતુ વિવિધ કારણોને કારણે તંત્રને પોલીસ બંદોબસ્ત ફાળવવામાં ન આવવાથી સીલ મારવાની કામગીરી અટકી પડી છે. આર્થિક ઉપાર્જનના હેતુસર સરકાર દ્વારા ઘ 5 સર્કલ પાસે ફૂડકોર્ટનું નિર્માણ કરીને વેપારીઓને ભાડાપેટે દુકાનો ફાળવાઇ છે.
વેપારીઓ દ્વારા સમયસર ભાડાની રકમ ભરપાઇ કરવામાં
નહીં આવતાં તંત્રની લાખોની આવક અટવાઈ પડી છે. ત્યારે
પાટનગર યોજના વિભાગ દ્વારા દાખલારૂપ કાર્યવાહી કરવાની
તૈયારી દર્શાવવમાં આવી છે, પરંતુ પોલીસ બંદોબસ્ત ના
મળવાના કારણે તંત્ર લાચાર સાબિત થયેલું જોવાં મળે છે.
પાટનગર યોજના વિભાગના ચોપડે 25થી વઘારે દુકાનદારો
દ્વારા ભાડા પેટે 80 લાખ જેટલી રકમ ભરપાઇ કરવામાં
નથી આવી. તંત્ર દ્વારા ભાડાની બાકી રકમ વસૂલવા માટે
સીલ મારવાની કાર્યવાહી કરવા અર્થે દબાણ મામલદારને 2
સપ્તાહ અગાઉ પત્ર લખીને પોલીસ બંદોબસ્ત ફાળવવાની
માંગ કરવામાં આવી છે. પરંતુ અગાઉ વાયબ્રન્ટ અને
ત્યારબાદના વિવિધ કાર્યક્રમોને લઈને તંત્રને બંદોબસ્ત
ફાળવવામાં ના આવતાં હાલની તારીખે કામગીરી અટકી
પડેલી જોવાં મળી છે. પાટનગર યોજના વિભાગ દ્વારા
ફરીવાર પત્ર લખીને પોલીસ બંદોબસ્ત માંગવાની રજૂઆત
કરાશે.